હવામાં ગોળીબાર
યુપી સરકારે ઈલાહાબાદ શહેરનું નામ બદલીને ‘પ્રયાગરાજ’ કરી નાંખ્યું. અમુક લોકો કહે છે કે માત્ર નામ બદલવાથી શું ફેર પડશે ?
અરે ભાઈ, બહુ મોટો ફેર પડે છે ! જસ્ટ કલ્પના કરો કે ગંગા… જમુના… અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓનો સંગમ હવે ઈલાહાબાદને બદલે ‘પ્રયાગરાજ’માં થઈ રહ્યો છે… એ વાત કેટલી ભક્તિભાવથી ભરપૂર લાગે છે ! આખી ઈફેક્ટ જ બદલાઈ જાય છે ને ?
અમુક ભાજપવાળા માને છે કે હવે પ્રયાગરાજ નામ આવવાથી ગંગા શુધ્ધિકરણ પ્રોજેક્ટમાં પણ જાન આવી જશે. ગુજરાતમાં પણ અમુક લોકોનું માવનું છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરીશું તો રોડ ઉપર નવા ભૂવા પડતા બંધ થઈ જશે ! તમને થતું હશે કે મન્નુભાઈ જાણી જોઈને ઊંધી-અવળી દલીલો કરે છે, પણ સાંભળો..
***
જવાહરલાલ નહેરુના સુપુત્રી ઈન્દિરાજીએ તો ફિરોઝખાન નામના યુવાન સાથે લગ્ન કર્યા હતાં. રાઈટ ? જો ગાંધીજીએ ફિરોઝભાઈની અટક બદલાવીને ‘ગાંધી’ના કરાવી હોત શું દેશમાં ઈન્દિરા ખાન, રાજીવ ખાન, સોનિયા ખાન કે રાહુલ ખાનનાં રાજ ટક્યાં હોત ખરાં ? વાત કરો છો…
અરે, બિચારા રાહુલભાઈને સોમનાથ મંદિરમાં તો ઠીક, કોઈ નાનકડી અન-ફેમસ માતાજીના મંદિરમાં ય જઈને ફોટો પડાવવાનાં ફાંફાં પડી ગયાં હોત ! અને પેલી જનોઈ ? એની તો વાત જ ના આવે ને ? એટલે યાર, સમજો, જે છે એ નામમાં જ છે.
હવે તમે એમ કહેશો કે પ્રખ્યાત નાટ્યકાર શેક્સપિયર કહી ગયા છે કે “વોટ ઈઝ ઈન અ નેઈમ?” તો મારા ભાઈ, જો આ જ વાત ઉત્તરસંડાના કોઈ જુની રંગભૂમિના નાટ્યલેખક શ્રી ચતુરભાઈ ચીમનભાઈ ઠાકરે કીધી હોત તો શું આટલી વર્લ્ડ-ફેમસ થઈ હોત ? નહીં ને ! બસ, તો એ જ વાત છે. શેક્સપિયરનું નામ શેક્સપિયર હતું એટલે જ એનું નામવાળું ક્વોટ આટલું ચગી ગયું છે.
ગામના નામની જ વાત નીકળી છે તો તમે જુઓ, કેવા કેવા શાયરોનાં નામો ફેમસ થયાં છે… ફિરાક ગોરખપુરી (ગોરખપુરના), મિજાજ લનવી (લખનૌના), સાહિર લુધિયાનવી (લુધિયાણાના), હસરત જયપુરી (જયપુરના)…. એ રીતે કોઈ બિચારો બહુ અચ્છો શાયર જો ‘ઉત્તરસંડા’નો હોય તો શું એ કદી ફેમસ થાય ખરો ? ના ના, તમે જ કહો, ‘ઉમંગ ઉત્તરસંડી’ તે કંઈ નામ છે ?
***
કેશુભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘ઉત્તરસંડા’ની બહુ મજાની જોક પત્રકાર જગતમાં ફરતી હતી. થયું એવું કે કેશુભાઈ બાય રોડ ક્યાંક જઈ રહ્યા હતા ત્યાં બીબીસીની કોઈ મહિલા પત્રકારે ફોન કરીને પૂછાવ્યું કે “તમારો ઈન્ટરવ્યુ લેવો છે, તમે ક્યાં છો ?”
કેશુભાઈને તો ઈંગ્લીશમાં બોલતાં ફાવે નહિ એટલે એમણે એમના આસિસ્ટન્ટને કીધું કે “હું હમણાં ઉત્તરસંડા છું, એવું કહી દે.”
આસિસ્ટન્ટે પોતાને આવડે એવા ઈંગ્લીશમાં પેલી બીબીસીવાળીને સંદેશો પહોંચાડ્યો. હવે બીબીસીવાળી અંગ્રેજીમાં પૂછે છે “હાઉ ડુ યુ સ્પેલ ઉટારસાન્ડા ?”
સહાયક મુંઝાયો. તેણે કેશુભાઈને કહ્યું “આ ઉત્તરસંડાનો સ્પેલિંગ પૂછાવે છે, શું કહું ?”
કેશુભાઈએ તરત જ કીધું “એને બોટાદ બોલાવી લો… બી-ઓ-ટી-એ-ડી !”
***
માત્ર ગામ કે શહેરોનાં નામની વાત નથી. રસ્તાઓ અને સ્થળોનાં નામોની યે ઈમ્પ્રેશન પડે છે. જસ્ટ વિચાર કરો, “ભૂતડી ઝાંપા પાસે, કાળિયાદેવના મંદિરની બાજુમાં, પાડાપોળની ચાલથી આગળ, ધૂળિયા રોડ.” આવા સરનામે કોઈ અબજપતિ શેઠીયાનો બંગલો હોય તોય વિઝિટીંગ કાર્ડમાં એનું સરનામું વાંચીને શું ઈમ્પ્રેશન પડે ? એની સામે મુંબઈમાં ‘અલ્ટામાઉન્ટ રોડ’ના એડ્રેસ ઉપર ભલેને સાલી, 4 x 4ની દૂધની કેબિન જેવડી દુકાન હોય તોય વટ પડે કે નહીં ?
***
ફિલ્મોમાં તો નામનું જ ચલણ છે. જરા વિચારો, યુસુફ ખાન એ જમાનામાં ‘દિલીપકુમાર’ ના બન્યો હોત તો આટલો ચાલત ખરો ? આપણા હરિભાઈ જરીવાલા ‘સંજીવકુમાર’ બન્યા તો જ ફેમસ થયા ને ? ‘મનોજકુમાર’ તો કંઈક ‘હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી’ હતા ! હવે બોલો, પોસ્ટરમાં લખ્યું હોય કે “હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી ઈન હરિયાલી ઔર રાસ્તા”… તો ફિલમ રિલીઝ થતાં વેંત ‘વરિયાળી ઔર નાસ્તા’માં ખપી ગઈ હોત ને ?
અમને તો નવાઈ લાગે છે કે દિપિકાની ‘પાદુકોણે’ જેવી સરનેમ શી રીતે ચાલી ગઈ ? (સરનેમ સાંભળતાં જ નાકમાં કશીક ગંધ નથી આવતી ? સરનેમના પહેલા-બીજા અને ત્રીજા-ચોથા અક્ષરોને છૂટા પાડીને જોઈએ તો કોઈને પણ સવાલ થાય કે “એ…વા-છૂટ કોણે કરી?”) છતાં દિપિકા ચાલી ગઈ. (બધે અપવાદો હોય છે, જેમાં રાહુલબાબા પોલિટિક્સમાં ચાલી ગયા.)
અચ્છા, ચાલો, નવાઝુદ્દીન સિદ્દીકીને અઢાર-અઢાર વરસ લગી ફિલ્મોમાં કોઈ મોટો રોલ કેમ ના મળ્યો ? અરે, એના ટેઢા નામને લીધે ! બાકી જો એનું નામ ‘નવાઝ શરીફ’ હોત તો મહેશ ભટ્ટે તેને 15 વરસ પહેલાં બીજા બે પાકિસ્તાની કલાકારોની સાથે સાથે લોન્ચ કરી દીધો હોત.
એ જ રીતે વિચારો, જો પેલી સની લિયોન હિન્દી ફિલ્મોમાં તેના અસલી નામ 'પરમજીત કૌર' સાથે આવી હોત તો તેના આવતાં પહેલાં જ આખા પંજાબમાં હાહાકાર ના મચી ગયો હોત? અરે, આજ સુધી બિચારીની એકેય ફિલ્મ થિયેટરોમાં રિલીઝ ના થઈ હોત. બિચારીએ શેરાંવાલી માતાની આરતી ઉતારતી હોય એવું આલ્બમ બહાર પાડ્યું હોત તો એ પણ બાન થઈ જાત !
અમને અમારા એક મિત્ર કહ્યા કરે છે કે “યાર, તમે આ મન્નુ શેખચલ્લીને બદલે બીજું કંઈ નામ રાખોને !” પણ તમે જ વિચારો, દિવ્ય ભાસ્કરનાં પાને “હવામાં ગોળીબાર – બીજું કંઈ”… એવું છપાય તે કંઈ સારું લાગે ?
- મન્નુ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Nam rup jujwa
ReplyDeleteAnte hem nu hem
જુઓ ને તમારું નામ જ અનામ છે.
ReplyDeleteUnknown bhai !