નવરાત્રિમાં 'જોવાલાયક ' પ્રેક્ષકો !

હવામાં ગોળીબાર

સાચું કહેજો, તમે ગરબા ‘રમવા’ જાવ છો કે ‘જોવા’ ? હકીકત એ છે કે 80 ટકા પુરૂષોને ગરબા જોવામાં જ રસ હોય છે. વળી, ગરબામાં જોવાલાયક શું છે એ તો બધા જાણે છે પણ શું તમે કદી ગરબા જોનારા પ્રેક્ષકોને ધ્યાનથી જોયા છે ?

***

સોસાયટી-ગરબાના પ્રેક્ષકો

નાની-મોટી સોસાયટીઓમાં જે કંઈ ‘જોવાલાયક’ હોય છે (યંગ જનરેશનની વાત થઈ રહી છે) એ લોકોને સોસાયટી સિવાય બીજી બીજી જગ્યાઓમાં ‘એડવાન્સ બુકિંગ’ થઈ ચૂક્યાં હોય છે. આના કારણે રમનારા અને પ્રેક્ષકોબન્ને ડબલ-રોલ બિચારા સોસાયટીવાળાઓએ જ ભજવવા પડે છે.

રાત્રે ‘જયો જયો માં જગદંબે’વાળી આરતી સ્પીકરમાં  (પેન-ડ્રાઈવ વડે ) વાગે ત્યારે માંડ 10-15 બહેનો આવ્યાં હોય. આરતી પતે પછી સોસાયટીનો સૌથી ચાંપલો છોકરો સાઉન્ડ સિસ્ટમનો કબજો લઈને ફિલ્મી, નોન-ફિલ્મી, દેશી, ડિસ્કો એમ દરેક પ્રકારનાં ‘ગરબા-મ્યુઝિક’નાં ટ્રેલરો સંભળાવતો રહે છે.

દરમ્યાનમાં ‘શ્રોતાઓ’ બિચારા ‘પ્રેક્ષકો’ બનીને મંડપમાં દોડાદોડી કરી રહેલાં ટાબરિયાંને જોતાં બેસી રહે છે. આખરે 1 કલાકનાં ઓડિયો ટ્રેલરોનો પ્રોગ્રામ પતે પછી સોસાયટીનો ચાંપલો માઈકમાં “એ… હાલો… કાન્તામાસી, શાંતામાસી… ઊભાં થાવ હવે ! ગરબા ચાલુ થાય છે…” એ પ્રકારની ઉશ્કરેણી / હાકલો / પ્રેરણાઓનાં એનાઉન્સમેન્ટ કરે ત્યારે છ-સાત મહિલાઓ જાણે આખી સોસાયટી ઉપર ઉપકાર કરતાં હોય તેમ ‘પ્રેક્ષકો’ મટીને ‘પરફોર્મર’ બનવા માટે ગરબાના મેદાનમાં મંથરગતિએ પધારે છે.

આખરે, ધીમે ધીમે, જેમ જેમ ગરબા આગળ વધે તેમ તેમ પ્રેક્ષકોમાંથી મહિલાઓ, યુવક-યુવતીઓ તથા બાળકોની બાદબાકી થતી જાય છે. છેવટે જે થોડા ઘણા ‘સાચા પ્રેક્ષકો’ બચ્યા હોય તેમના ચહેરા ઉપરના હાવભાવ તમારે ખાસ જોવા જોઈએ !

જાણે કોઈ અઘરી એબ્સર્ડ કવિતાઓ સ્ટેજ ઉપરથી ઝીંકાઈ રહી હોય અથવા પરદા ઉપર કોઈ આર્ટ-ફિલ્મ ચાલી રહી હોય તેનું ઓડિયન્સ જ જોઈ લો ! એમના સ્થિર હાવભાવમાં ત્યારે જ હલચલ થશે જ્યારે નાસ્તાનું એનાઉન્સમેન્ટ થશે.

***

ક્લબો / પાર્ટી-પ્લોટ ગરબાના પ્રેક્ષકો

અહીં તો સંપૂર્ણપણે ‘જેન્યુઈન’ પ્રેક્ષકો આવે છે !

તળપદી ભાષામાં જેને ‘ઝાંખવું’ કહે છે, શિષ્ટ ભાષામાં જેને ‘નયનસુખ’ કહે છે પરંતુ સાચા અર્થમાં જેને ‘મન ભરીને દર્શન કરવા’ કહી શકાય તે કામ અહીંના પ્રેક્ષકો રૂપિયા ખરચીને કરે છે. (મફતના પાસ મળ્યા હોય તો પણ સારા ટ્રેડિશનલ ડ્રેસ પાછળ, સારા દેખાવા પાછળ અને વાહનના પેટ્રોલ પાછળ ખરચો તો થાય જ છે. ખિચુ, ચાટ-પાપડી, પેપ્સી-કોલા વગેરેનો ચીરી નાંખતા ભાવ અલગ.)

જોકે, અહીં સૌથી વધુ જોવાલાયક પ્રેક્ષકો ખખડધજ થઈ ચૂકેલા સિનિયર સિટીઝનો હોય છે!

પગ માંડ માંડ ઉપડતા હોય, આંખે બાર નંબરના ચશ્મા હોય, કાનમાં કરફ્યુ પડી ગયો હોય અને વાત કરવા મોં ખોલે તો દાંતનું ચોકઠું પડી જવાનો ડર હોય એવા સિટીઝનોને તેમનાં સંતાનો જેમ તેમ કરીને એકાદ ‘સેફ’ જગ્યાએ ‘સ્થાપી’ને જતાં રહે છે. વડીલને શું દેખાતું હશે. શું સંભળાતું હશે તેની ખબર નથી પરંતુ એમના ચહેરા ઉપર જે અલૌકિક આનંદ દૈદીપ્યમાન હોય છે તે જોવાલાયક હોય છે !

આ સિવાય અહીં એક બહુ જ ‘શાર્પ અને ઈન્ટેલિજન્ટ’ ઓડિયન્સ હોય છે જે ગરબા રમતાં રમતાં પોતાની ધારદાર નજરે અન્યને નીરખતા રહીને સંપૂર્ણ રસપાન કરી શકે છે. સાદી ભાષામાં તેને ‘લાઈન મારવી’ એવું કહેવાય છે.

બાકી,  ઘરેથી ‘ગરબામાં જઈએ છે’ એમ કહીને નીકળેલા ચોક્કસ યુવક યુવતીઓ ગરબામાંથી ‘ગાયબ’ થઈને વધારે મઝા માણે છે. (એ પણ એવી જગાઓમાં, જ્યાં કોઈ ‘પ્રેક્ષક’ ના હોય!)

***

વાયબ્રન્ટ ગરબાના પ્રેક્ષકો

સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ ગરબાની તકલીફ એ છે કે ગરબે રમનારા અને તેમને જોનારા, એ બે વચ્ચે મોટાં મોટાં દોરડાં બાંધેલાં હોય છે!

પાર્ટી-પ્લોટોની જેમ અહીં પ્રેક્ષકોને સાવ નજીકથી VIP દર્શનની સુવિધા નથી. અહીં બિચારા પ્રેક્ષકોની હાલત સરકસમાં બેઠેલા ઓડિયન્સ જેવી હોય છે…. હાથી, ઘોડા, સિંહ, જોકર (ખાસ તો રબર-ગર્લ) આપણે બેઠા હોઈએ એ બાજુ આવીને પરફોર્મ કરે ત્યારે જ કંઈક સરખું જોવા મળે !

‘ક્રાઉડ’ શબ્દનો સાચો અર્થ અહીં જ પ્રગટ થાય છે કારણ કે અહીં છોકરાઓનાં અને છોકરીઓનાં ‘ઝૂમખાં’ જ હોય છે. પ્રેક્ષકોનાં આ ઝૂમખાં એકબીજાંને ટકરાતાં રહે છે.

અને હા, ભૂલથી એમની દયા ના ખાતા કારણ કે જ્યારે છોકરાઓનું ઝૂમખું આંખના ઉલાળા કરીને છોકરીઓનાં ઝૂમખાંને કહે કે “ચલો, આવવું છે રમવા ?” ત્યારે એનો અર્થ ‘ગરબા રમવા’ એવો જ હોય તે જરૂરી નથી.

-  મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment