નવરાત્રિની વોટ્સ-એપ કોમેડીઓ !

કાન ફાડી નાંખે એવા અવાજે સ્પીકરોમાં ગરબા વાગતા હોય એવામાં ફોન ઉપર વાત શી રીતે કરવી ?

એના માટે તો વોટ્સ-એપ જ સારું પડે. પણ તમે માર્ક કરજો. દરેક ગ્રુપમાં વોટ્સ-એપ મેસેજોમાં જ કોમેડી બની જતી હોય છે…

***

ફેમિલી ગ્રુપમાં

પપ્પા : મમ્મી ક્યાં છે ?

બાબો : નથી ખબર.

બેબી : નથી ખબર.

પપ્પા : એણે ઓરેન્જ કલરની સાડી પહેરી છે.

બાબો : ઓકે. શોધું છું.

બેબી : હું પણ ટ્રાય કરું છું.

પપ્પા : મળી ? આ ઓરેન્જ કલરની સાડીઓ વાળી ઉપર નજર નાંખી નાંખીને હું તો કંટાળી ગયો.

મમ્મી : હું તમારી પાછળ જ ઊભી છું ! અને ઓરેન્જ કલરનું બહાનું કાઢીને બધે ફાંફાં શેના મારો છો ? આજે મેં મોરપીંછ કલરનાં ચણિયા ચોળી પહેર્યાં છે !

***

ફ્રેન્ડઝના ગ્રુપમાં

પપ્પુ : બોલો, કોઈને આઈસ્ક્રીમ ખાવો છે ? હું લાવ્યો છું.

ટીના : યસ યસ.

જુલી : મારે ખાવો છે.

સુરુચિ : મિ ટુ..

હિતેશ : હી હી હી… આમાં ય મિ ટુ ?

સુરુચિ : જા ને ચાંપલા…

હિતેશ : જા ને દોઢ ડાહી…

પપ્પુ : જેને આઈસ્ક્રીમ ખાવો હોય તે પાર્કિંગમાં મારી કાર પાસે આવી જાય. હું 20 KGનું બોક્સ લાવ્યો છું.

મુકેશ : એ આયો.

જિગર : અલ્યા, મારી વેઈટ કરજો. હું વોશરૂમમાં છું.

લાલિયો : એક નંબર કે બે નંબર ?

મુકેશ : જિગરનો આઈસ્ક્રીમ પીગળી જવાનો.

(ત્યાં તો હિતેશ કેપિટલ લેટર્સમાં મેસેજ મુકે છે.)

હિતેશ : અલ્યાઓ, પપ્પુનો આઈસ્ક્રીમ ખાવા ના જતા ! એ ટોપાનું પેટ્રોલ ખતમ છે એટલે ધક્કા મારવા બોલાવે છે !

***

ફ્રેન્ડઝના બીજા ગ્રુપમાં

અરમાન : હાય ડિયર અંજલિ ! ક્યાં છે તું ?

અરમાન : (અડધો કલાક પછી) કોઈએ અંજલિને જોઈ ?

અરમાન : (કલાક પછી) અરે યાર, કોઈ તો કહો ? અંજલિને કોઈએ જોઈ છે ?

અવનિ : મેં એને બહાર જતાં જોઈ હતી.

આશિત : હા, કદાચ શિખરની જોડે ગઈ.

અરમાન : શિખરીયા ! મારી અંજલિને તેં કંઈ પણ કર્યું છે તો યાદ રાખજે… તું પસ્તાઈશ !

શિખર : સોરી અરમાન… હું ઓલરેડી પસ્તાઈ ચૂક્યો છું. પસ્તાવાની મઝા પડી ગઈ ! ચલ, સવારે મળીએ…

-  મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment