ત્રાસ નંબર 1
પાર્કિંગ એરિયામાં માંડ જગ્યા શોધીને ગાડી ઘૂસાડી, પાર્ક કરીને, ચાવી કાઢતા હોઈએ ત્યારે જ આવીને “એ… અહીં નહીં… ત્યાં પાર્ક કરો…” એવું કહેનારા સિક્યોરીટીવાળાનો ત્રાસ !
***
ત્રાસ નંબર 2
“તું ક્યાં છે ? શું કરે છે ? જોડે કોણ કોણ છે ?” એવું દસ દસ મિનિટે પૂછ્યા કરતી મમ્મીઓનો ત્રાસ !
***
ત્રાસ નંબર 3
“ચાલો, તમને વિશ્વંભરીવાળી આખી આરતી મોઢે કરાઈ દઉં ?” એવું કહેતી ઉત્સાહી પાડોશણ આન્ટીનો ત્રાસ !
***
ત્રાસ નંબર 4
“અલ્યા, મને જોડે લઈ જજે હોં… ભૂલતો નહીં…” એવું કહી કહીને લોહી પી ગયા હોય એવા વડીલને જ્યારે મોંઘા માંયલા ગરબા જોવા લઈ જઈએ ત્યારે...
ત્યાં બેઠા બેઠા “જુઓને… સમાજના સંસ્કારો કેટલા બગડતા જાય છે…” એવા કકળાટ કરનારા વડીલોનો ત્રાસ !
***
ત્રાસ નંબર 5
આપણે ગરબા રમતા હોઈએ ત્યાં બરોબર આપણી આગળ જ આવીને તીતીઘોડાની માફક ઠેકડા મારવા આવી પહોંચતા રોંચાઓનો ત્રાસ !
***
ત્રાસ નંબર 6
મીઠી મીઠી વાતો કરી, પાસ મંગાવી, બાઈક પાછળ બેસીને જોડે તો આવે પણ...
ગરબામાં એકવાર એન્ટ્રી મળી જાય પછી બીજા-બીજા છોકરાઓ જોડે રમવા અને રઝળવા માટે જતી રહે એવી ગિલિંડર ગર્લફ્રેન્ડોનો ત્રાસ !
***
ત્રાસ નંબર 7
સોસાયટીની છોકરીને દૂરના ગરબામાં બાઈક પર બેસાડીને લઈ ગયા પછી પાછા ફરતાં...
વારંવાર બંધ પડી જતી બાઈકને ધક્કા મરાવે એવા બબૂચક બાઘડાનો ત્રાસ !
***
ત્રાસ નંબર 8
રિ-મિક્સ ગરબાના રિધમમાં સેટ થઈને ગરબા કરતા હોઈએ ત્યાં અચાનક ભલતા જ તાલનું ગાયન ઘૂસાડીને આખી પથારી ફેરવી નાંખતા ડીજેવાળાનો ત્રાસ !
***
ત્રાસ નંબર 9
અને... છેલ્લે છેલ્લે બરાબરની રમઝટ જામી હોય ત્યારે જ માઈક બંધ કરાવવા આવી પહોંચતી પોલીસનો ત્રાસ !
- મન્નુ શેખચલ્લી
Wah bhai Wah
ReplyDelete