ખિખિયાટા ગેંગ (નવી કોલમ 'હાસ્યકથા' )

હાસ્યકથા (નવી કોલમ)

“સુન ખિખિયાટે ! તેરી ગેંગ કો લેકર આજ ચાર બજે ‘નાઝ’ બિલ્ડિંગ પહુંચ જાના !”

પંજાબી પ્રોડ્યુસર ડિમ્પલ ડિમ્પી હજી કંઈ આગળ બોલે એ પહેલાં ફોનમાંથી ખીખીખીખી કરીને મોટા ખિખિયાટા સાથે સતત હસવાના વિચિત્ર અવાજો આવ્યા, પછી કોઈ બોલ્યું

“હીહીહી… ઉધર જાકે કિસ પે હંસના હૈ ? ખી…. ખી… ખી…”

“હસના બંધ કર! ઔર ડિટેલ સુન લે. ‘નાઝ’ બિલ્ડિંગ મેં ફિફ્થ ફ્લોર પે જો પ્રિવ્યુ થિયેટર હૈ, વહાં મૈને કુછ ડિસ્ટ્રિબ્યુટર્સ બુલાયે હૈં….”

“સમજ ગયા ! ખીખીખી… સમજ ગયા ! દસ જન જાયેંગે. એક કા દસ હજાર લગેંગા.”

‘મતલબ કિ ટોટલ એક લાખ ? નહીં… નહીં…’ પ્રોડ્યુસર ડિમ્પીએ ફોનમાં રકઝક કરવા માંડી. છેવટે 70 હજારમાં સોદો નક્કી થયો, ત્યારે ડિમ્પીને હાશ થઈ. ફોન મૂકતાં તે બબડ્યો ‘સાલા એ ખુશાલ ખિખિયાટા, આદમી તો કામ કા હૈ…’

***

જી હા, એનું નામ જ ‘ખુશાલ ખિખિયાટા’ પડી ગયું હતું.

બાળપણથી એના મગજના મેન્યુફેક્ચરિંગમાં એકાદ સ્ક્રૂ ઢીલો રહી ગયો હશે કે કેમ, પણ એને કોઈપણ વાતમાં હદ-બહારનું હસવું ચઢી જતું હતું. વળી એનું હસવું એટલું ચેપી, કે તેને ‘હસતો જોઈને જ’ બીજાઓની બત્રીસી ખૂલી જતી હતી.

ખુશાલ મોટો થયો પછી, તેના દસ-બાર દોસ્તોની એક ‘ખિખિયાટા ગેંગ’ બની ગઈ હતી. એ ગેંગ જ્યાં પણ જાય ત્યાં વિના કારણે હાસ્યનાં હુલ્લડો ફાટી નીકળતાં. કોઈના મેરેજ રિસેપ્શનમાં ગયા હોય ત્યાં કે સ્ટેજ ઉપર ચડવા જતાં કોઈ જાડિયાનો પગ લપસતો જોઈને કે પછી પાણીપૂરી ખાવા જતાં કોઈનું પલળી જતું પેટ જોઈને આ ગાંડિયાઓએ એટલું બધું હસતા કે ત્યાં હાહા-હોહો-હીહી-કાર મચી જતો !

પ્રોડ્યુસર ડિમ્પલ ડિમ્પીએ આ ખુશાલ ખિખિયાટાની ગેંગને પહેલીવાર એક મલ્ટિપ્લેક્સમાં જોઈ હતી. શુક્રવારે રીલીઝ થયેલી કોમેડી ફિલ્મ સાવ ફાલતુ હતી છતાં આ ગેંગ એવું હસવે ચડી કે આખું ઓડિયન્સ ખડખડાટ હસતું થઈ ગયું હતું !

બસ, એ દિવસની ડિમ્પલ ડિમ્પીએ ખુશાલ ખિખિયાટાની ગેંગ માટે નવો ‘ધંધો’ શોધી કાઢ્યો હતો. કોઈપણ કોમેડી ફિલ્મ રિલીઝ થાય એમાં શુક્ર-શનિ-રવિના સળંગ ચારે ચાર શોમાં જવાનું અને હસી હસીને ફિલ્મને હિટ સાબિત કરી આપવાની !

ખુશાલ ખિખિયાટાની ગેંગ આમાં ‘પ્રોફેશનલ’ નીકળી. એ લોકો ક્યાંકથી 'ડિઓ-સ્પ્રે’ની ડબ્બીમાં ‘લાફિંગ ગેસ’ ભરાવી લાવતા હતા. ચાલુ ફિલ્મોમાં હસી હસીને ઓળોટતાં એ લોકો સિફ્તથી ‘લાફિંગ ગેસ’ સ્પ્રે કરી દેતા !

એ વખતે ડિમ્પી મુંબઈમાં માત્ર ડિસ્ટ્રિબ્યુટર હતો પણ હવે એ પ્રોડ્યુસર બન્યો હતો… એટલે જ તેને 70 હજારનો સોદો સસ્તો લાગતો હતો.

***

ખુશાલ ખિખિયાટાની ગેંગ ‘નાઝ’ બિલ્ડિંગમાં થોડી મોડી પહોંચી. શો ચાલુ થઈ ગયો હતો. આ મકાનમાં અલગ અલગ ફ્લોર ઉપર મળીને ચાર-પાંચ પ્રિવ્યૂ થિયેટરો છે જેનો ઉપયોગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા પોતાની પૂરી અથવા અધૂરી ફિલ્મો ફાઈનાન્સરોને કે ડિસ્ટ્રિબ્યુટરોને બતાડવા માટે કરતા હોય છે.

ખુશાલ ગેંગને શરૂઆતમાં તો ફિલ્મમાં કંઈ ટપ્પી જ ના પડી. કોઈ વિક્રાંત વિદ્રોહી નામના નવા સવા ડિરેક્ટરે અનુરાગ કશ્યપના વહેમમાં આવીને ‘ગેંગ્સ ઓફ બુધિયાપુર’ નામની નવી મૂવી બનાવી કાઢી હતી. દસેક મિનિટ તો ખુશાલની ગેંગ ચૂપચાપ બેસી રહી પણ એવામાં ફિલ્મનું કોઈ પાત્ર ગંદી ગાળ બોલ્યું ! બસ, એ સાંભળતાં જ ખુશાલની છટકી ! એણે હસવાનું ચાલુ કર્યું…

નેચરલી, એની ગેંગને તો ચેપ લાગવાનો જ હતો ?

ત્યાં તો વળી કોઈ ‘ભાભી’ના પાત્રે ગાળ બોલીને કોઈકને બે પગ વચ્ચે લાત ઠોકી દીધી ! આ ગાળ તો સાવ ‘નવી’ હતી ! ખિખિયાટા ગેંગને મઝા પડી ગઈ.

‘અઈ સ્સાલા ! ફિર સે દિખાઓ ના ! ફિર સે દિખાઓના…’ કરીને એ જ ગાળ એકબીજાને આપવા લાગ્યા !

એમને હસતા જોઈને હવે ડિસ્ટ્રિબ્યુટરોને હસવું આવવા લાગ્યું. એમાં એક સીનમાં કોઈ ઈન્સપેક્ટર તેના હવાલદારને પોતાની ચંપલે ચંપલે ધોઈ નાખે છે, એ જોઈને તો તમામ ખિખિયાટા ગાંડા ગાંડા થઈ ગયા ! ‘માર ! માર સ્સાલે કો ! ઔર જોર સે માર !’

પ્રોજેક્શન રૂમમાં બેઠેલો બિચારો નવોસવો ડિરેક્ટર પોતાના વાળ ખેંચવા લાગ્યો “કૌન હૈ યે લોગ ? મેરી આર્ટ-ફિલ્મ કી માં-બહેન કર કે રખ દી હૈ ! નિકાલો ઉનકો !”

જવાબમાં ડિમ્પીના માર્કેટિંગ મેનેજરે ચોખ્ખી ના પાડી દીધી. ‘નહીં નિકાલ સકતે ! યે તો પ્રોડ્યુસર કે આદમી હૈં..’

આગળ જતાં તો ફિલ્મમાં જાતજાતની ‘રિયાલિસ્ટિક’ ઘટનાઓ ઉપર ખિખિયાટા ગેંગ આળોટી આળોટીને હસવા માંડી ! ક્યાંક સોપારી લઈને મર્ડર કરવા નીકળેલા ગુંડાઓના સ્કૂટરમાં પંકચર પડે, તો ક્યાંક વિલનના હાથમાંથી છટકેલી મશીનગન પગથિયાં ઉપર પછડાતી એની મેળે જ ગોળીઓ છોડતી જાય….

… ઈન્ટરવલ પડ્યો ત્યાં સુધીમાં તો દસે-દસ ડિસ્ટ્રિબ્યુટરો હસીહસીને એવા લોટપોટ થઈ ગયા હતા કે બધાની આંખોમાં પાણી ! અસર લાફિંગ ગેસની પણ હતી. નાક લાલઘૂમ થઈ ગયાં હતાં !

‘ઓયે મઝા આ ગયા ! અબ આગે થિયેટર મેં હી દેખેંગે ! ચલો, યે એડવાન્સ મની રખ લો !’ જોતજોતામાં ડિસ્ટ્રિબ્યુટરો આખી ફિલ્મને 35 કરોડમાં ખરીદવાનો સોદો કરીને રવાના થઈ ગયા !

બમ્પીનો માર્કેટિંગ મેનેજર તો ‘ખુશીથી’ પાગલ થઈ ગયો. તેણે તરત જ ડિમ્પીને ફોન લગાડ્યો.

‘સરજી ! આપ કી પિકચર 35 કરોડ મેં બિક ગઈ !’

'35 કરોડ?’ ડમ્પી ભડક્યો. ‘અબે સાલે, મેરી કોમેડી મૂવી ‘કમ-અક્કલસ’ બની હી 32 કરોડ મેં હૈ !’

‘અરે સરજી, મૈં વો મૂવી કી બાત નહીં કર રહા… યે તો અપની 10 કરોડવાલી લો-બજેટ મૂવી થી ના, ‘ગેંગ્સ ઓફ બુધિયાપુર’… ઉસ કી પ્રાઈઝ હૈ ! સરજી, આપને ક્યા ઓડિયન્સ ભેજા થા, સબ કો હંસા હંસા કે પાગલ બના ડાલા !’

બમ્પીના મગજના પૂરા અઢી ઇંચના ‘બમ્પ’ જેવું ગુમડું ફૂટી નીકળ્યું.

‘અબે વો ખિખિયાટા ગેંગ સિકસ્થ ફ્લોર પે પહુંચ ગઈ ? મૈં ને ઉન કો ફિફ્થ ફ્લોર મેં જાને કો બોલા થા..’

- મન્નુ શેખચલ્લી

email :  mannu41955@gmail.com

Comments

  1. Aabhar
    Yuwani ma karan vagar ha ha hi hi na divaso yad aavi gaya
    Bapu

    ReplyDelete
    Replies
    1. હાસ્ય ચેપી હોય છે. કોઈ પણ ઉંમરે..
      ટ્રાય કરી જોજો !

      Delete
    2. હાસ્ય ચેપી હોય છે. કોઈ પણ ઉંમરે..
      ટ્રાય કરી જોજો !

      Delete

Post a Comment