ભવિષ્યમાં આવનારી 'ગે' અને 'એડલ્ટ્રી' ફિલ્મો !


ફિલ્મી, વેરી ફિલ્મી…

સુપ્રિમ કોર્ટે બે જજમેન્ટો એવાં આપ્યાં છે કે તેનાથી હિન્દી ફિલ્મોની વાર્તાઓમાં ક્રાંતિકારી ફેરફારો આવી જવાના છે ! એ તો ઠીક, પણ…

- કલમ નંબર 377 રદ થયા પછી માત્ર હિરો કે હિરોઈનો નહી. પ્રોડ્યુસરો અપ-કમિંગ ‘ગે-સ્ટાર્સ’  શોધતા થઈ જશે !

- ક્યાંક એવું સાંભળવા મળશે કે ફલાણો ફલાણો હીરો ત્રણ વરસના બ્રેક બાદ હવે હિરોઈન’ તરીકે ‘કમ-બેક’ કરી રહ્યો/રહી છે.

- કરણ જોહરની લાઇફ ઉપરથી તો ત્રણ ત્રણ બાયોપિક બની જશે… એકનું નામ હશે ‘આ-ગે’ બીજીનું નામ હશે ‘પીછે’ અને ત્રીજીનું નામ હશે ‘બિચ મેં’ !

- જે રીતે મહેશ ભટ્ટ સની લિઓન જેવી પોર્ન-સ્ટારને હિન્દી ફિલ્મોમાં લઈ આવ્યા એ રીતે હવે કોઈ બીજા પ્રોડ્યુસર હોલીવૂડની પોર્ન-ઇન્ડસ્ટ્રીમાંથી બે ચાર ‘ગે-સ્ટાર’ને ઉપાડી લાવશે !

(પાછા ફિલ્મી ચેનલોમાં લટકા મટકા સાથે ઇન્ટરવ્યુ આપતાં કહેશે ‘‘યુસી, એક બાર મૈં ને કમિટમેન્ટ કર દી તો મૈં મૂડકર ‘પીછે’ નહીં દેખતા ! હાં….’’)

- કલમ નંબર 497 રદ થયા પછી ફિલ્મી ખબરોમાં ‘ફલાણાનું લફરું ફલાણી સાથે છે’ એવા સનસનાટી ભર્યા ન્યુઝને બદલે ફલાણી ફલાણા સાથે ‘લિગલ રિલેશનશીપમાં’  છે એવા ડાહ્યા ન્યુઝ આવતા થઈ જશે.

આ સિવાય નવી ફિલ્મોની વાર્તાઓ પણ સાવ નવી હશે, જેમ કે…

***

પતિ, પત્ની ઔર વો/ગે

પતિ પત્નીને પ્યાર કરે છે, પત્ની પતિને પ્યાર કરે છે. પણ પતિની એક ‘વો’ છે.. એ જ રીતે પત્નીનો પણ એક ‘વો’ છે ! અહીં સુધી ઠીક છે પણ ‘વો’ અને ‘વો’ એકવાર એકબીજાને એકાંતમાં મળી જાય છે અને બન્ને વચ્ચે ‘વો’ થઈ જાય છે !

અહીં સુધી પણ ઠીક છે...

પરંતુ પતિના ‘વો’ની પત્નીનો જે એક ‘વો’ છે તેની મુલાકાત પત્નીના ‘વો’ની ‘વો’  સાથે થઈ જાય છે ! એ બન્ને વચ્ચે પણ ‘વો’ થઈ જાય છે !

અહીં સુધી પણ ઠીક છે પરંતુ આગળ જતાં ખબર પડે છે કે પતિને ‘વો’ ઉપરાંત એક ‘ગે’ સાથે પણ ‘વો’ છે ! બીજી બાજુ પત્નીના ‘વો’ ને પણ બીજા એક ‘ગે’ સાથે ‘વો’ છે !

અહીં સુધી પણ ઠીક છે...

પરંતુ આગળ જતાં સ્ટોરીમાં એવું નીકળે છે કે પત્નીનો જે ‘વો’ છે તેની ‘વો’ના એક અન્ય સ્ત્રી સાથે ‘વો’ (એટલે કે લેસ્બિયન) સંબંધો છે !

અહીં સુધી પણ ઠીક છે…

પરંતુ મામલો ટોટલી કોમ્પ્લીકેટેડ થઈ જાય છે જ્યારે ફોરેનથી બે NRI  ‘ટ્રાન્સજેન્ડર’ પાત્રોની એન્ટ્રી થાય છે ! જેમાંનો અત્યારે જે ‘છોકરો’ છે તે અગાઉ ‘છોકરી’ હતી ! અને અત્યારે જે ‘છોકરી’ છે તે અગાઉ ‘છોકરો’ હતો !

હવે થાય છે એવું કે પત્નીના ‘વો’ની ‘વો’ને પતિની ‘વો’ના ‘વો’ સાથે પ્રેમ થવાની તૈયારી હોય છે ત્યાં એની જિંદગીમાં પેલું ટ્રાન્સજેન્ડર પાત્ર પ્રવેશે છે !

એ જ રીતે પતિની ‘વો’ના ‘વો’ને તેની પત્નીની ‘વો’ (લેસ્બિયન) સાથેના સંબંધોની ખબર પડે એ પહેલાં તો એમની જિંદગીમાં બીજું ટાન્સજેન્ડર પાત્ર પ્રવેશે છે !

આ અજબ ગજબના ટ્રીપલ ટ્રાએંગલ લવને કારણે બન્ને ટ્રાન્સજેન્ડરોને મનમાં પસ્તાવો થવા લાગે છે કે ‘યાર, કાશ હું જે પહેલાં હતી / હતો એ જ બરોબર હતું…’

આ પછી વાર્તામાં ‘શું’નું ‘શું’ થઈ જાય છે ? એ જાણવા માટે રાહ જુઓ આ ફિલ્મની…

***

ABCD ટુ LGBT

આ ફિલ્મની વાર્તા તો સિમ્પલ છે. (હાશ ?)

આમાં એવું છે કે એક વર્લ્ડ લેવલની ડાન્સ કોમ્પિટીશનમાં AB નામના બે છોકરાઓ અને CD નામની બે છોકરીઓની ટક્કર LG અને BT નામના બે ગે અને લેસ્બિયન છોકરા-છોકરીઓ સામે થવાની છે !

લોચો એક જ છે… LGBT વાળી ટીમ મેઈલ અને ફિમેઈલ એમ બન્ને કેટેગરીઓમાં એન્ટ્રી લઈ લઈને ડબલ-ડબલ માર્ક્સ ખેંચી જાય છે ! એમને ટ્રોફી જીતતા અટકાવવા શી રીતે ?

***

અને હા, આજે ફિલ્મોના સેન્સર સર્ટિફિકેટો માત્ર ‘A’ ‘U’ અને ‘A/U’ હોય છે. એના ઉપરાંત ‘A/L’ (એડલ્ટ્રી લિગલ) અને ‘LGBT/L’ (ગે-લિગલ) એવી બીજી બે કેટેગરીઓ પણ હશે. આગે પરદે પે દેખિયે… બગલવાલી સીટ મેં નહીં !

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Kevo samay avyo che
    Nakami vato par dimag nu
    Dahi thay che

    Bapu

    ReplyDelete

Post a Comment