સુપ્રિમ કોર્ટે નવો હુકમ કાઢ્યો છે કે દિવાળીના ફટાકડા માત્ર રાત્રે 8થી10માં જ ફોડવાના રહેશે. વળી, એ જ નિયમ લગ્નોમાં પણ લાગુ પડશે !
હવે જુઓ, શું શું થશે….
***
ફટાકડા ખરીદતી વખતે તમારે સોગંદનામું લખી આપવું પડશે કે આ ફટાકડા હું રાતે 8થી10ની વચ્ચે જ ફોડીશ !
***
ફેસૂબુક, વોટ્સએપ વગેરેમાં જો તમે ફટાકડા ફૂટતા હોય એવા ‘હેપ્પી દિવાલી’ના મેસેજો મોકલો તો નીચે ખાસ લખવું પડશે કે –
“આ મેસેજ રાતના 8થી10ની વચ્ચે જ ખોલવો. નહિતર પોલીસ પકડી જાય તો અમારી જવાબદારી નહિ! "
***
કંકોત્રીઓમાં તો આવું બધું લખવું પડશે..
જાન આગમન : સાંજે 4 વાગે
હસ્તમેળાપ : સાંજે 6 વાગે
કન્યાવિદાય : સાંજે 7 વાગે
ફટાકડા : રાતે 8થી 10
***
કંકોત્રીઓમાં નવી સુચના હશે..
શહેરમાં હોલના અભાવે કન્યાપક્ષની સંગીતસંધ્યા તથા વરપક્ષના ફટાકડા ફોડવાનો પ્રોગ્રામ એક જ હોલની અંદર-બહાર રાખેલ છે. કાનમાં રૂનાં પૂમડાં ખોસીને આવવા વિનંતી છે.
***
અને કંકોત્રીમાં એવું તો લખ્યું જ હશે…
માલા મામાના લગનમાં ફતાકલા ફોલવા જલુલ જલુલથી આવજો.
- લિ. તારામંડલ અને લવિંગિયાં
***
ક્યાંક સમાચાર વાંચવા મળશે..
દિવાળીના તહેવાર દરમ્યાન રાત્રે 10 વાગ્યા પછી એક કાકા ગુપ્ત રીતે જાહેર શૌચાલયમાં જઈને ધીમા અવાજે ફટાકડાના ધડાકા કરતાં ઝડપાઈ ગયા હતા.
પોલીસને હજી શૌચાલયમાંથી ફૂટેલા ફટાકડાના અવશેષો મળ્યા નથી. તપાસ જારી છે.
***
અને દૂરના ભવિષ્યમાં આવી જાહેરાત જોવા મળશે..
મોંઘા ભાવના ફટાકડાના પૈસા બચાવો ! સળંગ બે કલાક સુધી નોન-સ્ટોપ ફટાકડા ફૂટતા હોય તેવા અવાજોથી ભરપૂર ઓડિયો-સીડી ખરીદી લો ! પેન-ડ્રાઈવમાં પણ મળશે.
ઉત્તરાયણની જેમ ધાબે સ્પીકરો લગાડી ધૂમાડા વિનાનો ઘોંઘાટ ફેલાવો. પ્રદૂષણ નિવારણ ઝિંદાબાદ.
- મન્નુ શેખચલ્લી
Wah Mannu na dhadaka
ReplyDelete