ભાજપની TEA 20 ના નિયમો


બીજેપીએ 2019ની ચૂંટણી માટે અત્યારથી પ્રચારની સ્ટ્રેટેજી ઘડી કાઢી છે. ભાજપનો દરેક કાર્યકર મિનિમમ 20 ઘરે ‘ચા પીવા’ જશે !

જોકે ભાજપની આ TEA-ટ્વેન્ટીમાં થોડા નિયમો હોવા જરૂરી છે…

***

ફિલ્ડ રિસ્ટ્રીક્શનના નિયમો

(1) કાર્યકર શરૂઆતનાં જે 6 ઘરોમાં ચા પીવા જશે તે પોતાના ઘરથી માત્ર 30 મીટરના સર્કલની અંદર જ હોવાં જોઈએ.

(ભઈ, કાર્યકરની સેફ્ટીનો સવાલ છે. જ્યાં ઓળખાણ હોય ત્યાં જોખમ ઓછું ને.)

***

(2) ત્યાર બાદ, 3 કિલોમીટરના અંતરે કાર્યકર જે જે ઘરે ચા પીવા જાય ત્યાં તેને માત્ર બે બોડીગાર્ડ મળશે, જેમણે ઘરની બહાર જ ફિલ્ડીંગ ભરતાં ઊભા રહેવું પડશે.

***

જનરલ નિયમો

(3) કાર્યકરે અડધી ચા પીધી હશે તો 10 રૂપિયા, આખી પીધી હશે તો 20 રૂપિયા અને આખા દૂધની આખી ચા પીધી હશે તો ઘરના ગૃહિણીને 40 રૂપિયા ચૂકવવાના રહેશે.

(વોટ ભલે મફતમાં મળી જાય, ચા-દૂધ-ખાંડ કંઈ લોન થોડી છે કે મફતમાં મળી જાય ?)

***

(4) ચા સાથે નાસ્તાની માગણી કરવી તે ગેર-શિસ્ત ગણાશે.

***

(5) ‘ચાય પે ચર્ચા’ દરમ્યાન જો પેટ્રોલ-ડિઝલના ભાવ, ગેસના બાટલાના ભાવ, ખખડી ગયેલા રોડ તથા મગફળીમાં માટી જેવા ગુગલી પ્રશ્નો ઉછળતા લાગે તો તાત્કાલિક 2.30 મિનિટનો ‘સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ’ લઈને ઘરની બહાર નીકળી જવું.

***

(6) વિજય માલ્યા, નીરવ ચોકસી, નોટબંધી, કાળાંનાણાં… આ પ્રકારના ચોગ્ગા-છગ્ગા વડે કાર્યકરની ધોલાઈ થવા માંડે તો તેણે બીજો ‘સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ’ લઈને બનતી ઝડપી કાર્યાલય ભેગા થઈ જવું.

***

(7) જોકે દરેક કાર્યકર ઘરની ગૃહિણીને 250 ગ્રામનું ચાનું પેકેટ ભેટ આપીને વધુમાં વધુ 10 વિકેટો પાડી શકશે.

***

વિવાદિત બાબતોના નિયમો

(8) બેનિફીટ ઓફ ડાઉટ હંમેશા ભાજપની ટીમને મળશે.

(9) રિવ્યુ વખતે થર્ડ અંપાયર તરીકે EVM રહેશે. EVMનો નિર્ણય કોઈપણ સંજોગોમાં ફાઈનલ ગણાશે. ભાજપ ઝિન્દાબાદ.

- મન્નુ શેખચલ્લી

Comments