વિજય માલ્યાને ખાસ નિમંત્રણ પત્ર !


નાનકડા સમાચાર હતા કે વિજય માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં લાવવા માટે 12 નંબરની બેરેકમાં રંગરોગાન અને રિનોવેશન થઈ રહ્યું છે !

અમે તો આ સાંભળીને એટલા ગદગદ થઈ ગયા કે વિજય માલ્યાને એક પત્ર લખી નાંખ્યો છે…

***

શ્રેષ્ઠતમ કરુશિરોમણી શ્રી માલ્યાજી,

ભારત દેશના ગુજરાત પ્રાંતમાં બેસીને ક્યાંક સંતાઈ-છૂપાઈને તમારી બ્રાન્ડની વ્હિસ્કી-બિયર પીતા એક કોમનમેનના તમને 4000 કરોડ વંદન !

તમો અમારા દેશમાં ફરી પધારવાના છો એવા સમાચાર સાંભળીને અમારું હૈયું હરખાઈ ઊઠ્યું છે. આપના પગલાં ફરી આ કૌભાંડભૂમિ ઉપર પડશે એનાથી મોટી વળી કઈ વાત હોઈ શકે ?

તમારા અહીંના આરામદાયક નિવાસસ્થાનને રંગરોગાન વડે સજાવવામાં આવી રહ્યું છે. એ જ બતાવે છે કે આ દેશ કૌભાંડીઓની કેટલી સારી કદર કરે છે !

તમે તો દેશના તમામ કૌભાંડીઓની પ્રેરણામૂર્તિ છો. ટીપુ સુલતાનની તલવાર લાવવા માટે તમે લંડન ગયા હતા, એ જ લંડનમાં બેઠાં બેઠાં ટીપુંમાંથી ધોધ બનીને ભારત સરકાર સામે જે ઝીંક ઝીલી છે, તે તો દેશના કૌભાંડ-ઇતિહાસનું સોનેરી પ્રકરણ છે.

પરંતુ હવે ઝાઝો વિરહ સહન થતો નથી. પધારો ! નિજ દેશમાં ફરી પધારો ! તમે પધારશો તો ફરી સુંદર સ્નાન કન્યાઓનાં કેલેન્ડરો પુનર્જિવીત થશે. તમે પધારશો તો IPL શું, KPL (કબડ્ડી પ્રિમિયર લીગ)ના સટ્ટામાં પણ નવો પ્રાણ પુરાશે.

તમારા સ્વાગત માટે જેલને જે રંગરોગાનથી સજાવવામાં આવી છે તેનો વિડીયો નિહાળીને અમોને ઝટ ઝટ ન્યુઝ-ચેનલોમાં ‘દર્શન’ આપો. અમારે નિહાળવું છે કે તમે જેલનો વિડીયો નિહાળીને સંતુષ્ટ થયા છો. તમામ હાઈ-પ્રોફાઈલ ગુનેગારોની સંતુષ્ટિ એ જ ભારતીય કાનૂન-તંત્રનો મુદ્રાલેખ છે.

માલ્યાજી, અહીં તમને એકલું ના લાગે તે માટે હાઈ-સોસાયટીનાં એક સુંદર મહિલા, નામે ઇન્દ્રાણી મુખર્જી પણ હાજર છે. તમને ઘડીક ક્રિમિનલ દુનિયાના ગામગપાટામાં રસ હોય તો અબુ સલમે નામનો ઇન્ટરનેશનલ ગેંગસ્ટર પણ તમારી પડોશમાં જ હશે.

માલ્યાજી, ભારતની જેલોનો હવે વિકાસ થઈ ગયો છે. તિહાર જેલ, સિરસા જેલ વગેરે તેનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. કિરણ બેદી નામનાં મહિલા અફસર અગાઉ ‘કેદી-સુધારણા’ કરતાં હતાં પણ પાછળથી તેમણે જ ‘જેલ-સુધારણા’ ઝુંબેશ ચાલુ કરી હતી.

બસ, હવે ધીરજ ખૂટી રહી છે. ભારતમાં નવેસરથી નવાં કૌભાંડો થાય તેની કાગડોળે રાહ જોતો તમારો ચાહક તમારું હૃદયપૂર્વક સ્વાગત કરવા થનગની રહ્યો છે… ભલે પધારો, ઝટ પધારો !

- મન્નુ શેખચલ્લી

 

Comments

Post a Comment