માય ડિયર ઓલ્ડ મોબાઇલ....


હવામાં ગોળીબાર

બધા એને આજકાલ ‘ડબલું’ કહે છે. (અમે પણ કહીએ છીએ) પણ એ જુનો, પાતળી પિનના ચાર્જરવાળો ફોન થોડા દિવસ પહેલાં અમને ઈમોશનલ બનાવી ગયો.

વાત એમ બની કે અમારો સ્માર્ટ ફોન અચાનક ‘હેંગ’ થઈ ગયો. જી હા, દોરડા વિના, ફાંસો ખાધા વિના, સૂસાઈડ નોટ લખ્યા વિના જ હેંગ થઈ ગયો ! અમારા સ્માર્ટ ફોનને શ્રધ્ધાંજલિ આપવાને બદલે, RIP ના  મેસેજો મુકવાને બદલે અમે સાવ ધાંધા થઈ ગયા. ટેબલના ડ્રોઅરમાં પડેલા જુના ફોનો શોધતા હતા ત્યાં આ જુનું ‘ડબલું’ હાથ લાગી ગયું. નસીબજોગે એનું પાતળી પિનનું ચાર્જર પણ સાથે જ હતું. અમે પ્લગમાં ચાર્જર ભરાવી, પિનને ડબલામાં ખોસી, સ્વીચ ઓન કરી…

પણ અફસોસ ! જે મોબાઈલનો અમે વરસો પહેલાં ‘ત્યાગ’ કર્યો હતો તે ક્યારે ‘સ્વર્ગસ્થ’ થયો તેની એ અમે પરવા કરી નહોતી…. બિચારા ‘ડેડ’ ફોનને ખાનામાં (કોફીનમાં) કોઈ શાસ્ત્રોક્ત વિધિ કથા વિના સંઘરી રાખવા બદલ અમે અફસોસ કરી રહ્યા હતા ત્યાં જાણે ચમત્કાર થયો !

જે રીતે ‘ટર્મિનેટર-ટુ’માં આર્નોલ્ડ શ્ર્વાઝનેગર (જે યંત્ર માનવ બન્યો છે) હાથ-પગ વગરે સ્પેરપાર્ટો છૂટા પડી ગયા હોવા છતાં, તેની ઈન્ટરનલ ઓલ્ટરનેટીવ રૂટની એનર્જી રિ-ચાર્જ થતાં જ, તેની પેલી એકમાત્ર બચેલી લાલ આંખ ઝબકી ઊઠે તે જ રીતે અમારા જુના મોબાઈલમાં પણ પ્રાણ ફૂંકાયો ! “પ્લુંક !” અવાજની સાથે તેનો સ્ક્રીન ઝબકી ઊઠ્યો ! બેટરી રિ-ચાર્જ થવા લાગી !

આખું દૃશ્ય જોઈને અમે તો ગદગદ થઈ ગયા ! એ જ ક્ષણે નક્કી કર્યું કે અમારા વહાલા જુના મોબાઈલની યાદમાં એક ‘ફ્લેશ-બેક લેખ’ લખીશું….

***

સામાન્ય રીતે ફ્લેશ-બેકો 40-50 વરસ જુના હોય છે. ‘અમારા જમાનામાં તો આમ…’ ને ‘અમારા જમાનામાં તો તેમ….’ એવું વાગોળનારા મોટેભાગે ખખડી ગયેલા વડીલો હોય છે પરંતુ આ એક જ ફ્લેશ-બેક એવો છે જે માંડ 12-15 વરસ જુનો છે અને ફ્લેશ-બેક એન્જોય કરનારા હજી યંગ છે.

***

જુના મોબાઈલોનું વસ્ત્ર-વિધાન

જુના મોડલનો એ મોબાઈલ જ્યારે ‘નવો’ લઈને આવીએ કે તરત નવી વહુને જેમ તેને માટે ‘પહેરામણી’ લાવવી પડતી હતી. દોઢ ઈંચ બાય સવા ચાર ઈંચનું એ નાજુક અંગ છોલાઈ ટીચાઈ ના જાય એટલા માટે એને ઉપર આપણે ચેઈનવાળું પ્લાસ્ટિકનું કવર પહેરાવતા. વળી, એ કવરનું ફિટીંગ બરોબર આવવું જોઈએ ! કરચલી પડે કે ગેપ રહી જાય તો જેમ બ્લાઉઝનું ફિટીંગ બરોબર ન હોય ત્યારે બહેનો ફરિયાદ કરે છે તેમ આપણે ફરિયાદ કરતા : “આ અહીં ખોલ કેમ પડે છે ?”

હકીકતમાં તે વખતે મોબાઈલના જેટલાં મોડલો બહાર પડતાં, તેની સાથે સાથે તેને ફિટીંગમાં બંધબેસતાં આવે તેવાં બ્લાઉઝો, સોરી, કવરો પણ બહાર પડતાં. જો આપણા પછાત એરિયામાં મળતા કવરનું ફિટીંગ બરોબર ના હોય તો શહેરના મેઈન બજારમાં નાનકડી ડબલ-ડોરનાં ફ્રીજ જેવી દુકાનોમાં અથવા સ્પેશીયાલિસ્ટોની પોર્ટેબલ લારીઓ ઉપર તપાસ કરવા જવું પડતું હતું.

મૂળ આપણી ‘ભાવના’ શું હતી, કે બિચારા મોબાઈલને પલળવું ના પડે. આના માટે થઈને તો અમુક વડીલો તેને ચોમાસામાં ખાસ પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળીને જીવની જેમ, હૃદયની પાસે આવેલા શર્ટના ખિસ્સામાં રાખતા હતાં.

***

જુના મોબાઈલનું સૌંદર્ય-રક્ષણ

મોબાઈલનો સ્ક્રીન યાને કે ચહેરો, એ જમાનામાં માત્ર સવા ઈંચ બાય પોણા બે ઈંચનો આવતો. હા, ગેટ-અપ ખાતર એની આસપાસ ટચલી આંગળીની અડધી પહોળાઈ જેટલી ‘બોર્ડર’ આવતી. (સાડીની જેમ મોબાઈલોમાં ‘ફોલ’ પણ આવતા કે નહિ, તેની ખબર નથી. તમને જાણ હોય તો જણાવજો.) આ સ્ક્રીનની બ્યુટિ જળવાઈ રહે, તેની ઉપર ધૂળ કે ઘસારા વડે કોઈ સ્ક્રેચ ના પડે એ માટેનાં ‘સ્ક્રીન-ગાર્ડ’ આવતાં !

જોકે આજકાલની મહિલાઓ જેટલી આસાનીથી પોતાની પર્સમાં ‘સ્ક્રીન-ગાર્ડ’ની ટ્યૂબ રાખીને ગમે ત્યાં ફરી શકે છે એવું સુખ મોબાઈલોને નહોતું. એના માટે ખાસ ‘સર્જરી’ કરાવવી પડતી ! અગાઉ જણાવેલી બ્લાઉઝની, સોરી, કવરની દુકાન અથવા લારીઓના માલિકો પાસે જ આ સર્જરીના સાધનો રહેતાં.

એ લોકો આપણા મોબાઈલની ‘સાઈઝ’ જોઈને, એક પ્લાસ્ટીકનો રોલ કાઢતા, પછી એનું પ્રોટેક્ટીવ લેયર ઉખાડીને સ્ક્રીન પર ચોંટાડતા અને ત્યાર બાદ કોઈ પ્લાસ્ટિક સર્જનની અદાથી, અણીદાર કટર વડે વધારાની ‘ચામડી’ દૂર કરતા.

જોકે આ પ્રોસેસ દરમ્યાન અંદર ‘બબલ’ રહી જાય (હવાનો પરપોટો) તો આપણો જીવ એવી રીતે બળી જતો કે જાણે ગર્લફ્રેન્ડના ચહેરા ઉપર ખીલનો ફોલ્લો ઊગી નીકળ્યો હોય ! ટુંકમાં, એ જમાનામાં મોબાઈલોની કેટલી કાળજી લેવાતી હતી ? જ્યારે આજે જુઓ તો કોઈને કશીયે પડી છે ?

હા, બિચારી છોકરીઓ કંઈ રંગબિરંગી મોબાઈલ-કવર રાખે છે (એ પણ બેક-લેસ ચોલી જેવાં ! જેમાં અડધો મોબાઈલ તો ઊઘાડો જ રહે છે.) પણ બોલો, કોઈ છોકરી સ્ક્રીનનું ‘ફેશિયલ’ બી કરાવે છે ?

ઉપરથી કહે છે ‘મારા મોબાઈલનું સ્ક્રીન-ગાર્ડ તો બિલ્ટ-ઈન છે ! બળ્યું તારું બિલ્ટ-ઈન ! આજે ચીજ-વસ્તુઓ માટે ‘બિલ્ટ-ઈન’ છે !’ બળ્યું તારું બિલ્ટ-ઈન ! આજે ચીજ-વસ્તુઓ માટે ‘ઈમોશન્સ’ જ ક્યાં રહે છે ?

***

જુના મોબાઈલને બોડી-હીટ

જસ્ટ યાદ કરો, જુની ફિલ્મોમાં હીરો-હીરોઈન વરસાદમાં પલળીને આખેઆખું ગાયન ગાઈ નાંખે, પછી હીરોઈનને અચાનક ઠંડી ચડી આવે અને તે બેહોશ થઈ જવાની અણી પર હોય ત્યારે બિચારા હીરોએ શું કરવું પડતું ?... એને ‘બોડી-હીટ’ આપવી પડતી હતી !

બસ, આ જ સિચ્યુએશન જુના મોબાઈલ સાથે પણ થતી હતી. પ્લાસ્ટિકનું કવર, પ્લાસ્ટિકની કોથળી, પ્લાસ્ટિકનું સ્ક્રીન ગાર્ડ… આટઆટલી કાળજી લીધા છતાંય જ્યારે ચોમાસાની સિઝનમાં આપણા મોબાઈલમાં ભેજ ભરાઈ જતો ત્યારે જુની ફિલ્મોની હિરોઈનની જેમ એ લગભગ બેહોશ થઈ જતો…. ત્યારે આપણે શું કરતાં હતા ?

અરે, બોડી-હીટ આપતા હતા ! તમને થતું હશે કે યાર, મન્નુભાઈ તો હદ બહારની રોમેન્ટિક સરખામણીઓ કરી રહ્યા છે, પણ એટલા રોમેન્ટિક થવાની જરૂર નથી. બોડી-હીટ સામાન્યપણે  બલ્બ વડે આપવામાં આવતી હતી ! હા, એના માટે મોબાઈલનાં ‘વસ્ત્રો’ ઉતારી, તેના ‘બોડી-પાર્ટ્સ’ ખુલ્લા જરૂર કરવા પડતા હતા !

માત્ર અડધો-પોણો કલાકની હીટ આપવાથી આપણો મોબાઈલ આપણી પ્રિયતમા (રાધર, પત્ની)ની જેમ ‘બોલ-બોલ’ કરતો થઈ જતો હતો !

આ સિવાયની તમારી જે ‘બિન-રોમેન્ટિક મેમરીઝ’ હોય તે અમને ઈ-મેઈલથી તમારા સ્માર્ટ ફોન વડે મોકલી શકો છો. જુનો મોબાઈલ ઝિન્દાબાદ. જય શ્રી સ્માર્ટફોન.

e-mail : mannu41955@gmail.com

- મન્નુ શેખચલ્લી

Comments