ફિલ્મી, વેરી ફિલ્મી
‘ગોલ્ડ’ એક બાયો-પિક છે. આજે સ્થિતિ એવી છે કે ‘સંજુ’ નામની બાયો-પિક પછી બધા એમ જ માને છે કે ફિલ્મમાં જે બતાડવામાં આવે છે એ જ સચ્ચાઈ હોય છે. એ સિવાયની બધી ‘વાયકાઓ’ મિડિયાએ જાણી જોઈને મારી-મચડીને ફેલાવેલી હોય છે.
‘ગોલ્ડ’ તો એનાથી પણ એક ડગલું આગળ જાય છે. એમાં એવી બધી વાતો છે જેને મિડિયાએ પોતાની મિલિભગત માટે કદી બહાર જ પડવા દીધી નહોતી ! દાખલા તરીકે…
***
1948ની ઓલિમ્પિક્સ માટે જે ભારતની હોકી ટીમ મોકલવામાં આવી હતી તેમાં આસિસ્ટન્ટ મેનેજર શ્રી તપન દાસ (અક્ષયકુમાર) છેલ્લા 12 વરસથી કોઈ હોકી ટીમ સાથે સંકળાયેલા નહોતા.
***
શ્રી તપન દાસ તો હકીકતમાં એક દારૂડીયા હતા જેમને ઘોડાની રેસમાં, કુશ્તીની હરિફાઈઓમાં સટ્ટો રમવાની આદત હતી અને કંઈ કેટલીયે વાર પૈસાની બાબતમાં એમને માર ખાવો પડતો હતો.
***
છતાં તપન દાસને 1948ની ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે હોકી ટીમ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. (બોલો, આ બધા ન્યુઝ મિડિયાએ દબાવી જ દીધા હતા ને ?)
***
તપન દાસે આખા ભારતમાં રખડીને એક ટીમ તૈયાર તો કરી લીધી હતી પણ એ જ હોકી ફેડરેશને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ ફાળવવાની વાત આવી ત્યારે હાથ અધ્ધર કરી દીધા હતા ! બોલો.
***
એટલું જ નહિ, તપન દાસે પોલીસ ફોર્સમાંથી આર્મી-ફોર્સમાં, રાજ-રજવાડામાંથી ચૂંટી ચૂંટીને ખેલાડીઓની ટીમ પસંદ કરી હતી છતાં કોઈએ એમને ગ્રાઉન્ડ ના આપ્યું. (જોયું ? કેવી બધાની મિલિભગત હતી !)
***
છેવટે તપન દાસે મુંબઈ અથવા દિલ્હી અથવા કોઈ બીજા શહેરની બહાર આવેલા એક બૌધ્ધ મઠમાં જઈને મેદાન માટે પરમિશન લીધી હતી. એ તો ઠીક, એક જબરદસ્ત ‘બ્રેકિંગ ન્યુઝ’ તો આખા ઇન્ડિયાના મિડિયાએ દબાવી દીધા હતા…
***
‘બ્રેકિંગ ન્યુઝ’ એ હતા કે પેલા બૌધ્ધ મઠના મુખ્ય સાધુએ પુરા 12 વરસનું મૌનવ્રત તોડી નાંખ્યું હતું ! એ પણ માત્ર ‘સમ્રાટ’ નામનો એક શબ્દ સાંભળીને !
(કૌન હૈ યે સમ્રાટ ? જિસ કા નામ સુનતે હી 12 સાલ કા મૌન વ્રત તૂટા ? બને રહિયે, હમારે સાથ…)
***
સમ્રાટ બીજો કોઈ નહિ પણ 1936માં બર્લિનમાં જે હોકી ટીમ ગોલ્ડ જીતી હતી તેનો કેપ્ટન હતો !
***
એટલું જ નહિ. પેલા બૌધ્ધ મઠમાં ખેલાડીઓ માટે ભોજનનો આખો કોન્ટ્રાક્ટ તપન દાસે પોતાની પત્નીને આપી દીધો હતો ! (મિડિયાએ આખું કૌભાંડ દબાવી દીધું હતું ! સમજ્યા ને?)
***
મિડિયાએ કદી જાહેર કર્યું નહિં કે હોકી ફેડરેશનના ચેરમેન કોઈ પારસી સજ્જન હતા, જે મહત્ત્વની મિટિંગો વખતે લંડન અથવા અમેરિકામાં જતા રહેતા હતા !
***
અરે, લંડનમાં તો મોટો કાંડ થઈ ગયો હતો ! ખેલાડીઓએ મિસ્ટર મહેતા નામના મેનેજરના રૂમમાં ઘૂસીને તોડફોડ કરી નાંખી હતી ! એ પણ માત્ર એટલી માગણી ખાતર કે અમને અમારું ભથ્થું બંધ કવરમાં મળવું જોઈએ ! આમ ખુલ્લા પરચૂરણની જેમ નહિ !
***
ભારતના હોકી ફેડરેશને ખેલાડીઓને મસ્ત લેટેસ્ટ બ્રિટીશ ફેશનના મોંઘા સૂટ-બૂટ કરાવી આપ્યા હતા જેથી ખેલાડીઓ મોંઘા ભાવની વ્હીસ્કી પીવા માટે મોંઘા ભાવની હોટલોમાં જઈ શકે… પણ એમને દૈનિક ભથ્થું અને ખોરાક-ભથ્થું વગેરે સાવ ઓછું અપાતું હતું ! (બોલો, આમાં તો હોટલો, દરજીઓ અને કાપડની દુકાનો જોડે ‘સેટિંગ’ હોય તો જ આમ બને ને ?)
***
એ વખતના મિડિયાએ દબાવી રાખેલી સૌથી મોટી વાત એ હતી કે બીજી ટીમોની જાહેરાત તો સીધીસાદી પ્રેસ કોન્ફરન્સોમાં થતી હતી પણ હોકી ટીમની જાહેરાત તો મોંઘી હોટલના ડાન્સ-હોલમાં દારૂ તથા ખાણીપીણીની મહેફિલ સાથે ગાના-બજાનાની પાર્ટી સાથે થતી હતી ! બોલો.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment