લોકો પોતાના મૃત સ્વજનને શ્રધ્ધાંજલિ આપવા માટે કાગડાઓને કાગવાસ નાંખે છે. પરંતુ કાગડાઓ ખુબ વિનવણીઓ પછી માંડ માંડ પધારે છે !
લાગે છે કે એમની અમુક માગણીઓ હશે…
***
(1) ખાલીખોટા ધાબા ઉપર ચડીને “કાગવા… કાગવા…” એવી બૂમો પાડવી નહિ. જેણે અગાઉથી એપોઈન્ટમેન્ટ લીધી હશે તેના જ ધાબા ઉપર ધ્યાન આપવામાં આવશે.
***
(2) વાનગીમાં નવી વરાયટીઓ આપો. પિત્ઝા, બર્ગર, દાબેલી, ઢોંસા, ચીઝ, પરોઠા વગેરે આપો. હવે તો સ્વર્ગમાં પણ મેનુ બદલાઈ ગયાં છે.
***
(3) દાળ કે ખીર ઉપરાંત પેપ્સી, કોક, સ્પ્રાઈટ કે ફ્રુટી જેવાં ઠંડા પીણાં પણ રાખો.
***
(4) જેના સ્વજનને જમતાં પહેલાં મદ્યપાન કરવાની ટેવ હતી તેમના માટેના ભોજન સાથે એકાદ પેપરકપમાં વ્હીસ્કી પણ રાખો.
***
(5) સદગતનું આધારકાર્ડ ભોજનની બાજુમાં મુકવું ફરજિયાત છે. પરંતુ આધારકાર્ડ ઉપરાંત ચહેરો ઓળખાય તેવો એક ફોટો પણ મુકવો. નહિતર શ્રધ્ધાંજલિની ડિલીવરી ભલતી વ્યક્તિને થઈ જશે.
***
(6) બધાં સદગત કંઈ સ્વર્ગમાં નથી હોતા. અમુક નર્કમાં પણ જતા હોય છે. તમારા સ્વજનશ્રીનાં કર્મો અને લક્ષણો યાદ કરીને સ્વર્ગ કે નર્ક બેમાંથી એક નક્કી કરીને કહેવું. નહિતર ડિલીવરી રિટર્ન થશે.
***
(7) જે રીતે ભગવાન સામે થાળ ધરાવો છો અને ભગવાન માત્ર નજર વડે સંતોષ પામી જાય છે એ જ રીતે અમે દૂરના ધાબાં ઉપરથી બેઠાં બેઠાં નજર નાંખી લીધી હોય તો તે પુરતું છે. સમજ્યા ?
***
(8) તમારા દેશના સ્વચ્છતા અભિયાનને કારણે અન્ય દિવસોમાં અમારે માટે એંઠવાડ, ગંદકી વગેરે હાજર સ્ટોકમાં હોતાં નથી. તેના લીધે સૌ કાગડાઓને ભૂખમરો વેઠવો પડે છે.
આ બાબતે યજમાનોને ખાસ વિનંતી કે ગંદકી તથા એંઠવાડ ફેલાવવામાં મદદ કરો. નહિતર એક દિવસ એવો આવશે કે કાગવાસ ખાવા માટે કોઈ કાગડા જ નહિ હોય !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment