ફિલ્મ સ્ટારો માટે 'સુટેબલ' બ્રાન્ડ્ઝ ...


ફિલ્મી, વેરી ફિલ્મી…

જસ્ટ કલ્પના કરો કે જો KENT આરઓ પ્લાન્ટની જાહેરખબર ટીવીમાં ના આવતી હોત તો ?

- તો આપણે હેમા માલિનીને ક્યારના ભૂલી જ ગયા હોત ને ? અરે, એ તો છોડો, ક્યાંક ભૂલથી હેમા માલિનીનો લેટેસ્ટ ફોટો જોવા મળી જાય તો આપણે બોલી ઊઠત કે “હાય હાય ! હેમા માલિની આટલી બધી ડોશી બની ગઈ ?”

(એટલે જ બિચારા પેલા આરઓ પ્લાન્ટવાળા હેમા માલિનીની સાત-આઠ વરસ જુની જાહેરખબર જ બતાડ્યા કરે છે !)

અમુક ફિલ્મસ્ટારો દર ત્રીજી જાહેરખબરમાં ટપકી પડે છે. (દાખલા તરીકે બચ્ચન સાહેબ.) જ્યારે અમુક ફિલ્મીસ્ટારોની ફક્ત એક જ એડ. સત્તરવાર આપણા લમણે ટીચાયા કરે છે. (જેમકે અજય દેવગનની ‘જુબાં કેસરી’વાળી એડ.) આથી અમને થયું કે કયા ફિલ્મસ્ટારે કઈ કઈ પ્રોડક્ટની જાહેરખબર કરવી જોઈએ... જે એમને સૂટ થતી હોય.

***

અક્ષયકુમાર

બિચારો અક્ષયકુમાર ‘પેડમેન’ તરીકે મશહૂર થઈ ગયો છે પણ યાર, એ ભાઈ મહિલાઓની ટીવી સિરિયલમાં વચ્ચે વચ્ચે ટપકીને સસ્તું સેનિટરી પેડ બતાવવા માંડે તો કેવું વિચિત્ર લાગે ?

એટલે અમે વિચાર્યું કે અક્ષયકુમાર માટે બેસ્ટ પ્રોડક્ટ છે… કાયમ ચૂર્ણ !

કારણ કે અક્ષયકુમાર ‘ટોઈલેટ’ યાને ‘શૌચાલય’ માટે પણ ફેમસ થયો છે ને ? અને યાર, કાયમ ચૂર્ણનું ફાઈનલ રિઝલ્ટ તો શૌચાલયમાં જ દેખાય ને ? (જોકે એ રિઝલ્ટ ‘દેખાવ’માં કંઈ બહુ સારું નથી લાગતું.)

આ સિવાય અક્ષયકુમાર બડી આસાનીથી 'ટોઈલેટ પેપર,' 'ટોઈલેટ એર-ફ્રેશનર', 'ટોઈલેટ-ક્લીનર' તથા 'ટોઈલેટની ટાઈલ્સ' માટેનો બેસ્ટ બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. (ટોઈલેટ કા રાજા કૌન ? અક્ષયકુમાર !)

***

સંજય દત્ત

બિચારો સંજય દત્ત હવે ફિલ્મોમાં ખાસ દેખાતો નથી પણ ‘સંજુ’ પછી એના માટે હવે એક જ પ્રોડક્ટ બેસ્ટ છે : ‘મિસ્ટર ક્લીન’ વોશિંગ પાવડર !

***

સોનાક્ષી સિંહા

બિચારી સોનાક્ષીના ‘હર્યાભર્યા’ ફિગર માટે બહુ કોમેન્ટો થતી રહે છે. આમાં ને આમાં બિચારીએ શરીર ઉતારવા માંડ્યું છે ! (જેના કારણે તે વધારે ખરાબ લાગે છે.)

અમને તો લાગે છે કે સોનાક્ષીએ ફરી હૃષ્ટપૃષ્ટ બનીને દેશભરના રેડીમેડ વસ્ત્રોની ‘L’ તથા ‘XL’ સાઈઝની બ્રાન્ડ એમ્બેસેડર બની જવા જેવું છે. (જેની એડમાં પાછળ પેલું ગાયન વાગતું હોય “બડે અચ્છે લગતે હૈં…”)

***

આલિયા ભટ્ટ

કુપોષણથી પીડાતી આ બાલિકાનો હવે કોઈપણ જાતનો શારીરિક વિકાસ કદી થવાનો જ નથી. (અધૂરામાં પુરું તેના અધૂરા માનસિક વિકાસની જોક્સ બનતી રહે છે.)

અમને લાગે છે કે આલિયા ભટ્ટે 'સ્કુલ-ગર્લ' માટેની વિવિધ પ્રોડક્ટોની જાહેરાતોમાં આવવા માંડવુ જોઈએ જેમકે.. સ્કુલબેગો, ટિફીન બોક્સ, વોટર બોટલ, કંપાસ, ચોટલા બાંધવાની રિબિનો, સ્કુલ-ડ્રેસિસ તથા…

હા, પેલી BYJUની જાહેરખબરમાં તેને શાહરુખની દિકરી બનાવીને બેસાડી દેવી જોઈએ !

***

શાહરુખ ખાન

શાહરુખનો પ્રોબ્લેમ એ છે કે તે પોતાના સિવાય બીજા કશાને પ્રોમોટ કરી જ નથી શકતો. BYJUની એડમાં એ સરદારજી, ગુજરાતી, બંગાળી જેવા બનવાની વ્યર્થ કોશિશ કરે છે પણ છેવટે તો એ ‘શાહરુખ’ જેવો જ દેખાય છે !

તમે માર્ક કરજો, શાહરુખની પોતાની IPL ટીમ હોય કે પોતાની આવનારી ફિલ્મ હોય, છેવટે તો એ પોતાની જ પબ્લિસીટીનો ભૂખ્યો દેખાય છે.

એ હિસાબે શાહરુખે પોતાની જ બ્રાન્ડો ચાલુ કરવા જેવી છે જેમ કે… 'શાહરુખ છાપ અરીસા', 'શાહરુખ બ્રાન્ડ સેલ્ફી કેમેરા', 'શાહરુખ સેલ્ફ-પ્રમોશન કોર્પોરેશન' વગેરે…

***

અમિતાભ બચ્ચન

બચ્ચન સાહેબે તો એટલી બધી પ્રોડક્ટોની જાહેરખબરો કરી નાંખી છે કે હવે બાકી શું રહ્યું ? આ સવાલના જવાબમાં અમે એક લિસ્ટ બનાવ્યું છે :

પાયજામાનાં નાડાં, ચડ્ડીનું ઈલાસ્ટિક, નાક વડે સુંધવાની છીંકણી, નાની મોટી સાઈઝની ટાંકણી, તૂટેલી સ્લીપર સાંધવાનો ગુંદર, જુના જાડા કાચવાળા ચશ્મા, પસ્તી, ભંગાર, પ્યાલા બૈણીઈઈઈ….

- મન્નુ શેખચલ્લી

Comments