વશરામના વ્હાલા દલા તરવાડીઓ !


આપણને તો એમ હતું કે વશરામ ભૂવો બેઠો જ છે ને !

જેવો દલો તરવાડી આવશે અને “રીંગણાં લઉં બે-ચાર?” કહીને દસ-બાર રીંગણાં લઈ જશે કે તરત વશરામ ભૂવો એને પકડીને કૂવામાં ઊંધો લટકાવશે !

પછી પૂછશે (કૂવાને ! બીજા કોને ?) કે “ડૂબકી ખવડાવું બે-ચાર?”

પણ અહીં તો જુદી જ વારતા ચાલી ગઈ…

***

દલા તરવાડીના વેશમાં શાળા-કોલેજના ટ્રસ્ટીઓ આવ્યા ! એમણે વિવેક ખાતર પૂછ્યું પણ ખરું “વાડી રે વાડી ! રીંગણાં લઉં બે-ચાર?”

વાડી બિચારી શું બોલે ? એટલે તરવાડીઓ જાતે જ બોલ્યા “લો ને દસ-બાર?”

બસ, એ પછી દલા તરવાડીઓ રીંગણાં લેતાં જ રહ્યાં… આપણે રાહ જોતા રહ્યા કે હમણાં વશરામ ભૂવો આવશે… આવશે… આવશે…

આવીને પેલા ટ્રસ્ટી તરવાડીઓને ઊંધા માથે કૂવામાં લટકાવશે… પણ એવું તો કંઈ બન્યું જ નહિ ! ઉલ્ટું, વાડીને ‘પૂછીને’ કેટલાં રીંગણાં લેવાનાં એ ખુદ વશરામ ભૂવાએ જ નક્કી કરી આપ્યું !

***

આવું ને આવું મગફળીની મંડળીઓએ કર્યું ! બધા દલા તરવાડી બનીને આવ્યા. વાડીને પૂછ્યું : “શીંગના કોથળામાં માટી ભેળવું બે-ચાર?”

વાડી તો કંઈ બોલે એમ હતું જ નહિ ! એટલે તરવાડીઓએ જાતે જ જવાબ આપ્યો “અલ્યાઓ, માટીમાં વળી શું પૂછવાનું ? ભેળવોને દસ-બાર ?”

એ પછી યે આપણને હતું કે વશરામ ભૂવો આવશે… આવશે… આવશે..

અને આવીને પેલા મગફળીની મંડળીવાળાઓને બરોબર ઊંધા માથે કૂવામાં લટકાવીને… પણ એવું ય કશું થયું નહિ !

***

છેવટે જ્યારે બે દિવસ પહેલાં બધા દલા તરવાડીઓએ ભેગા મળીને પોતે ઉઘરાવવાના રીંગણાંની સંખ્યા જાતે જ વધારી દીધી ત્યારે આપણે ચોંકી ગયા !

અમે તો સીધા વશરામ ભૂવા પાસે જઈ પહોંચ્યા. “આ બધું શું છે વશરામજી ? તમે કોના વશમાં આવી ગયા છો ?”

તો વશરામજી મૂછમાં હસીને, એ જ મૂછમાં તાવ દઈને કહે છે “અલ્યા મન્નુડા, આ વાડીમાં જે છેલ્લે આવ્યા એ કંઈ બહારના તરવાડી થોડા હતા ?”

“તો?”

“અમે પોતે જ હતા ! વાડી અમારી, કૂવો અમારો અને રીંગણાં ય અમારાં ! અમે ફાવે તે કરીએ… એમાં તું પૂછનારો કોણ ?”

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Nana hata tyare kehwat sambhri hati
    Naga ni gane bavariyo ugyo
    To kahe ke chayndo thase

    ReplyDelete

Post a Comment