પેટ્રોલ-ડિઝલના ભાવમાં તો સરકારે ચોખ્ખું કહી દીધું છે અમે કંઈ કરી શકીએ નહીં…
તો હવે ? એક જ આશા છે કે કારની ખરીદીમાં નવી નવી સ્કીમો આવે ! પરંતુ એ કેવી હશે ? જુઓ, થોડા નમૂના…
***
એક પર એક ફ્રી
જી હા ! એ કારની ખરીદી ઉપર બીજી કાર ફ્રી ! બસ, એટલું જ કે બીજી કાર રમકડાંની છે !
***
સરપ્રાઈઝ ગિફ્ટ
તમે જ્યારે કાર ખરીદશો ત્યારે એમાં એક અનોખી ગિફ્ટ હશે… કારની ટાંકીમાં પુરેપુરું 5 લિટર પેટ્રોલ હશે !
***
ખૂબ ઉપયોગી ગિફ્ટ
11 લાખની કારની ખરીદી સાથે એ કારની ડેકીમાં હશે… એક સાઈકલ !
***
કેશ-વાઉચર્સ
7.5 લાખની કારની ખરીદી ઉપર પુરા 450 રૂપિયાના કેશ-વાઉચર્સ… જેના વડે તમે પુરા 10 કિલો ચણા ખરીદી શકો છો, તમારા ઘોડા માટે !
***
ફ્રી-ચેકિંગ
જ્યારે જ્યારે આ કાર લઈને તમે પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા આવો ત્યારે ‘તમારું બીપી’ ફ્રીમાં ચેક કરી આપવામાં આવશે !
***
સ્ટાર્ટ-અપ સપોર્ટ
કાર ખરીદ્યા પછી અતિશય મોંઘા ભાવનું પેટ્રોલ બળી જશે એ વિચારે જો તમે કાર સ્ટાર્ટ ના કરી શકો તો અમારો સ્ટાફ તમારી કારને 20 મીટર સુધી ધક્કા મારી આપશે !
***
સુપર-બચત મોડલ
આ મોડલની કારની ટાંકીમાં 1 લિટરથી વધારે પેટ્રોલ રહેતું જ નથી ! પેટ્રોલ બચાવો… દેશ બચાવો…
***
મહા-એક્સ્ચેન્જ સ્કીમ
તમારી જુની, ખખડી ગયેલી કાર, ‘ચલાવીને’ લઈ આવો… અને બદલામાં લઈ જાઓ… 5 લિટર પેટ્રોલ ! બિલકુલ ફ્રી !
***
ઝિરો-પેટ્રોલ કાર
ચોંકી ગયા ને ? અરે, આ કારમાં તો પેટ્રોલની ટાંકી પણ નથી ! બસ એક્સિલેટરની જગાએ પેડલ છે !
***
કાર સાથે ડ્રાયવર ફ્રી !
સોરી, હાલમાં માત્ર ‘સ્ક્રુ-ડ્રાયવર’ જ અવેલેબલ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment