કરોડપતિના અટપટા સવાલો!


‘કૌન બનેગા કરોડપતિ’ની 10મી સિઝન શરૂ થઈ છે. બચ્ચન સાહેબ કેવા સવાલો પૂછવાના છે એની તો ખબર નથી પણ અમે થોડા અટપટા સવાલો તૈયાર કરી રાખ્યા છે.

ચાલો, આપો જવાબ…

***

પ્રકાશની ઝડપ કેટલી છે ?

(1) સેકન્ડના 1 લાખ 86 હજાર માઈલ

(2) સેકન્ડના 2 લાખ 99 હજાર કિ.મી.

(3) કલાકના 100 કરોડ કિ.મી.

(4) કલાકના 30 કિલોમીટર

સાચો જવાબ :

કલાકના 30 કિલોમીટર ! કારણ કે પ્રકાશ સ્કુટર ચલાવી રહ્યો છે…

***

ભારતના પાડોશી દેશો કયા છે ?

(1) પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા

(2) ચીન, રશિયા, મ્યાનમાર

(3) ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન

(4) ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા

સાચો જવાબ :

ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા… કારણ કે આપણે રોજ એ લોકોને અહીંથી અથાણા, પાપડ અને ખાખરા મોકલીએ છીએ.

***

ચાર હાથી એક કારમાં શી રીતે બેસે ?

(1) બારણું ખોલીને.

(2) બે આગળ ને બે પાછળ.

(3) પલાંઠી વાળ્યા વગર.

(4) વારાફરતી.

સાચો જવાબ :

ચારમાંથી એકેય નહિ ! જો ખરેખર ચાર હાથીઓએ એક જ કારમાં બેસવું હોય તો ધક્કામુક્કી કરીને જ બેસવું પડે. કારણ કે એમ કરે તો જ બારણાં છૂટા પડી જાય !

***

રાહુલ ગાંધીની સાચી ઉંમર કેટલી છે ?

(1) 46 વરસ

(2) 47 વરસ

(3) 52 વરસ

(4) 22 વરસ

સાચો જવાબ :

22 વરસ… કારણ કે માત્ર  છેલ્લા 4 વરસથી જ આપણે સાંભળી રહ્યા છીએ કે રાહુલ ગાંધી ‘મેચ્યોર’ થઈ ગયા છે !

***

રવિવાર પછી કયો વાર આવે છે ?

(1) મંગળવાર

(2) બુધવાર

(3) ગુરુવાર

(4) શુક્રવાર

સાચો જવાબ :

યાર, એક દિવસ રાહ જુઓને, કાલે ખબર પડી જશે !

- મન્નુ શેખચલ્લી

Comments