આ ખતરનાક એંધાણ શેના છે ?


શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં કળિયુગનું વર્ણન કરતાં લખ્યું છે કે…

“જ્યારે માનવીનું કદ વામણું થઈ જશે, જ્યારે જમીન ઉપર કાંટાળી વનસ્પતિ અને ઝાંખરાવાળાં વૃક્ષો સિવાય કંઈ ઉગશે નહિ, જ્યારે મા, બાપ, પતિ, પત્ની, ભાઈ, બહેન જેવા તમામ સંબંધો ભૂલાઈ ગયા હશે… ત્યારે સમજવું કે ઘોર કળિયુગની શરૂઆત થઈ છે.”

બસ, એ જ રીતે તમે આજે પણ કહી શકો કે…

***

જ્યારે મોહન ભાગવત કોંગ્રેસના વખાણ કરે અને બાબા રામદેવ ભાજપની ટીકા કરે…

***

જ્યારે નરેન્દ્ર મોદી વોહરાઓની સૈફી મસ્જિદની મુલાકાત લે અને અખિલેશ યાદવ વિષ્ણુ મંદિર બંધાવી આપવાનું વચન આપે...

***

જ્યારે ગણપતિ જેવા દેવોની મૂર્તિઓની ઊંચાઈઓ ઘટતી જાય અને નેતાઓનાં કટ-આઉટની હાઈટો વધતી જાય…

***

જ્યારે ભારતના ચોરો વિદેશમાં બેસીને જલસા કરતા હોય અને વિદેશના ચોર માટે ભારતની જેલમાં રંગરોગાન થતાં હોય…

***

જ્યારે કોઈ બાધા પુરી કરવા રાહુલજી માનસરોવર પહોંચી જાય અને કોઈ  આર્મીના વડાને ભેટવા નવજોતજી ઇસ્લામાબાદ પહોંચી જાય…

***

જ્યારે રોજનો એક GB ડેટા ફ્રી થઈ જાય અને દેશના તમામ ‘બેકાર’ લોકો અચાનક ‘બિઝી’ થઈ જાય..

***

જ્યારે ટીવીના બ્રેકિંગ-ન્યુઝ કરતાં મોબાઈલમાં ફેકિંગ-ન્યુઝની સંખ્યા વધી જાય...

અને ઇન્ટેલિજન્ટ લોકો કરતાં ડફોળોના ફોલોઅર્સ વધી જાય..

… ત્યારે માનવું કે બોસ, આ બહુ મોટી અને ખતરનાક  ચૂંટણીનાં એંધાણ છે !

- મન્નુ શેખચલ્લી

Comments