જુઓ કેવી સસ્તાઈ છે !

જયંત સિંહા નામના મિનિસ્ટર સાહેબે સાચું જ કહ્યું કે ભારતમાં રીક્ષા કરતાં વિમાનની મુસાફરી સસ્તી છે !

દોસ્તો, હવે તો મોદી સાહેબનો આભાર માનો ? કે સસ્તે દિન આ ગયે હૈં…

***

રીક્ષા કરતાં વિમાન સસ્તું

જુઓ કેવી સસ્તાઈ છે

સેન્ડવીચ કરતાં બ્રેડ સસ્તી

જુઓ કેવી સસ્તાઈ છે !

***

માપ જરા કાઢી લેજો,

ચ્હા કરતા બિયર સસ્તો છે.

બાટલાનો જો ભાવ ગણો તો

ગેસ કરતાં દારૂ સસ્તો છે.

પગાર કરતાં મોટી, જ્યાં

ઉપરની કમાઈ છે…

જુઓ કેવી સસ્તાઈ છે !

***

ન્યાય જેટલો મોંઘો છે

દંડ એનાથી સસ્તો છે.

જાંઘિયો જેટલો મોંઘો છે

પાયજામો એનાથી સસ્તો છે.

લાઈફ કરતાં 'લાઈફ-ટાઈમ'ની

સ્કીમ સસ્તી આવી છે…

જુઓ કેવી સસ્તાઈ છે !

***

મલ્ટિપ્લેક્સના પોપકોર્ન કરતાં

હોટલની થાળી સસ્તી છે.

ગર્લ-ફ્રેન્ડને પૂછી જોજો

બ્રા કરતાં બ્લાઉઝ સસ્તી છે.

વાઈફ કરતાં વધારે ભાવ

ખાય એ કામવાળી છે…

જુઓ કેવી સસ્તાઈ છે !

***

સોફ્ટ ડ્રિંકની કિંમત કરતાં

દૂધની કોથળી સસ્તી છે.

દૂધ કરતાં દેશી દારૂની

નાની પોટલી સસ્તી છે.

એક ડિગ્રીના ભણતર કરતાં

ચાર બાઈકો સસ્તી છે.

નોકરીમાં પણ ફ્રેશર કરતાં

સિનિયરની સેલરી ઓછી છે..

જુઓ કેવી સસ્તાઈ છે !

***

બાથરૂમમાં ફિટીંગ્સ કરતાં

પાણીનું, ટેન્કર આખું સસ્તું છે.

બેડરુમના ઇન્ટિરીયર કરતાં

પોળનું આખું, ઘર સસ્તું છે.

શાને દૂહાઈ દો છો યારો

અચ્છે દિન તો લાવી છે,

રીક્ષા કરતાં વિમાન સસ્તું...

જુઓ કેવી સસ્તાઈ છે !

- મન્નુ શેખચલ્લી

 

Comments

Post a Comment