કોઈ રવિવારે એવું પણ બને કે....


કોઈ રવિવારે…

એવું પણ બને કે ‘આજે તો સખ્ખત ઊંઘવું છે’ એમ કરીને તમે પથારીમાં આળોટતા હો ત્યાં પત્ની હાથમાં મોટું ઝાડુ લઈને તમને જગાડે…

“ઊઠો ! માળિયામાં બે મોટા મોટા ઉંદરડા ઘૂસી ગયા છે !”

***

અને કોઈ રવિવારે

પત્નીની ઈચ્છા હોય કે ‘હાશ આજે તો કિચનમાં રજા… બહાર જમવા જઈશું… ’ ત્યાં જ સમી સાંજના ટાણે તેના સાસરિયા પક્ષના છ મહેમાનો આવી ચડે અને કહે…

“આ તો બાય રોડ જતા હતા ને, ત્યાં થયું કે ભઈ, બહાર હોટલનું ખાવા કરતાં…”

***

તો કોઈ રવિવારે…

એવું બને કે ફેમિલી સાથે મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા જઈએ અને જે ગુજરાતી પિકચર તો ‘સાવ ખાલી જ હશે ને…’ એવું ધાર્યું હોય તેની ટિકીટો જ ના મળે ! અને…

જે હિન્દી પિકચરની ટિકીટો હોંશેહોંશે લીધી હોય એ માથાનો દુઃખાવો નીકળે !

***

બીજા કોઈ રવિવારે...

પંદર ભાઈબંધોનું ઝુંડ ભેગું થઈને આબુ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય… રસ્તામાં તમારા જેવા અનેક બીજા ભાઈબંધોના ઝુંડ કારો લઈ લઈને જતા દેખાતાં હોય.. ટ્રાફિક વધતો જતો હોય… સ્પીડ ઘટતી જતી હોય…

અને આબુનો ઢાળ ચડતાં આખો ટ્રાફિક થંભી જાય… પછી ખબર પડે કે “બોસ, આગળ રસ્તો બંધ છે… કોઈ ભેખડ ધસી પડી છે !”

***

અને કોઈ રવિવારે...

યૂ-ટ્યુબમાં જોઈને તમારી પત્નીએ કોઈ નવી જ ટાઈપની વાનગી ભારે ઉત્સાહથી બનાવી છે. જે ચાખતાંની સાથે જ તમારી જીભમાં ઝાટકા વાગી ગયા છે… અને પત્ની એ જ ઉત્સાહથી કહી રહી છે..

“મસ્ત બની છે નહિ ? રાતે પણ આ જ ખાઈશું !”

***

છતાં કોઈ રવિવારે…

તમને મોડે સુધી ઊંઘવા મળ્યું હોય…

પત્નીએ બહાર જમવા જવાની જીદ ના કરી હોય…

કોઈને મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવાની ઈચ્છા ન હોય…

… અને રાતે સવારનું વધેલું ખાતાં ખાતાં, ટીવીમાં સત્તર વાર આવી ગયેલી કોઈ 300 કરોડી ફિલ્મ જોતાં જોતાં, છેક અગિયાર વાગે તમે બગાસાં ખાતાં વોટ્સએપ ખોલો છો..

… અને અંદર સવારના નવ વાગ્યાના મેસેજો પડ્યા છે : “આજે રાતે જિગાના ઘરે બાટલીની પાર્ટી છે. તું આવવાનો હોય તો ‘યસ’નો મેસેજ કર…”

- મન્નુ શેખચલ્લી

Comments