પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો ‘ભારત બંધ’ પતી ગયા પછી બધાં વાહનો ભેગાં થયાં છે…
ખટારો : (ગુસ્સાથી ઘરઘરાટી કરતાં) આ 21 પક્ષોએ ભારત બંધ કરીને શું ધાડ મારી ? અમારી ડ્યૂટી તો ચાલુ જ હતી.
બાઈક : (આળસ મરડતાં) હું તો બોલી યે નંઈ, ને ચાલી યે નંઈ…
CNG રીક્ષા : બધા પેટ્રોલ-ડિઝલનું ઝૂડે છે, પણ સીએનજી માટે અમારે દોઢ દોઢ કલાક લાઈનોમાં ઊભા રહેવું પડે છે ! એનું કંઈ કરો ને ?
SUV કાર : તું તો બોલતી જ નહિ ! કેરોસીન ભરી ભરીને તું જ પ્રદૂષણ ફેલાવે છે. મારું તો પરફ્યુમ સ્પોઈલ થઈ જાય છે !
ખખડી ગયેલી કાર : એ ચાંપલી ! તને ક્યાં કશો ભાવ વધારો નડે છે ?
SUV કાર : હા, પણ હું VIP નેતાઓની કાર છું ! અમારા વિના કોઈ બંધ બંધ જ ના થાય.
ઠાઠીયું સ્કુટર : જવા દે ને… જ્યારે બંધ હોય ત્યારે જ નેતાઓના ચમચા આવીને ખાલી 100નું પેટ્રોલ પુરાવે છે. હવે તો એમાંય 30 કિલોમીટરથી વધારે નથી ફરાતું…
બાઈક :(સ્ટાઈલમાં) હું તો બોલી યે નંઈ ને ચાલી યે નંઈ.
ST બસ : એ બાઈકડી ! તું ચૂપ મર ને ? જ્યારે પણ બંધ હોય છે ત્યારે અમારી જ વાટ લાગે છે. બધા અમને જ સળગાવી મારે છે.
જુનું ટાયર : (વચ્ચે કૂદી પડતાં) ના હોં ! એમ તો અમે બી સળગીને ભોગ આપીએ છીએ !
પોલીસ જીપ: (સાઈરન વગાડતાં) એય ! અહીં ઉશ્કેરણીજનક વાતો કોણ ફેલાવી રહ્યું છે ?
બાઈક : (વ્હાલી થતાં) હું તો બોલી યે નંઈ ને ચાલી યે નંઈ…
સીટી બસ : ચૂપ બેસ ને દોઢડાહી ? મારા તો કાચ ફોડી નાંખ્યા મૂવાઓએ !
બાઈક : (સ્ટાઈલમાં) પણ મને કંઈ ના થયું.
ખટારો : ક્યાંથી થાય ? તું જ તો બધી પાર્ટીના કાર્યકરોને ફેરવે છે.
બાઈક (શરમાતાં) : હાય હાય ! હું એમને નથી ફેરવતી, એ લોકો મને ફેરવે છે… જે દહાડે બંધ હોય ને, એ રાત્રે મળેલા પૈસામાંથી હાઈવે ઉપર મસ્ત ખાણી-પીણીની પાર્ટી થાય છે !
ખટારો (ધૂમાડો છોડતાં) : એક મિનિટ યાર ! હવે કોઈ સિરિયસ વાત કરશે ? આ પેટ્રોલ ડિઝલના ભાવો ઘટવાના છે કે નહિ ?
(બધા ચૂપ થઈ જાય છે. કોઈ પાસે જવાબ નથી.)
(એવામાં એક ખખડી ગયેલી ઘોડાગાડી આવીને ઊભી રહે છે. બધા તેને વિચિત્ર નજરે જોઈ રહે છે.)
ઘોડાગાડી : સોરી, મને કોઈએ યાદ કરી ?... શી ખબર... દર વખતે મને આવો જ ભ્રમ કેમ થાય છે ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment