ફિલ્મી, વેરી ફિલ્મી…
હવે જ્યારે સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપી દીધો છે કે સંમતિથી થતાં ગે કે લેસ્બિયન સંબંધો ગેરકાયદેસર નથી… તો એના હિસાબે ફિલ્મોની વાર્તાઓ પણ બદલાઈ જશે ને ?
નવી ફિલ્મો આવે ત્યારે ખરી, પણ હમણાં તો જુની ફિલ્મોનાં રિ-મેક જોઈ લો..
***
દોસ્તાના-ટુ
આમાં અભિષેક અને જોન અબ્રાહ્મ ખરેખર ‘ગે’ છે ! એટલે જ એમને ભાડેથી ઘર મળતું નથી ! આખરે બેંગ્લોરમાં પ્રિયંકા ચોપરા પોતાના ફ્લેટમાં એમને એ શરતે રહેવા દે છે કે “પછી કોઈ લવ, સેક્સ કે રોમાન્સની બબાલ ના થવી જોઈએ…”
પરંતુ થાય છે એવું કે બન્નેના ‘ડિસન્ટ’ બિહેવિયરને લીધે પ્રિયંકા બન્ને તરફ આકર્ષાઈ જાય છે. (બન્નેએ કહ્યું જ નથી કે પોતે ‘ગે’ છે. અરે, એકબીજાને પણ ખબર નથી !) આમાં ને આમાં લવ ટ્રાએંગલ ચાલતો રહે છે. એક વાર એક પાર્ટી પછી પ્રિયંકા જોન અબ્રાહમ આગળ કબૂલ કરે છે કે “આઈ લવ યુ.” જોન કહે છે કે “એ પોસિબલ નથી, હું તો ‘ગે’ છું.”
બિચારી પ્રિયંકાનું દિલ તૂટી જાય છે. એ હવે અભિષેકને લવ કરવા માંડે છે. વાતવાતમાં તે કહી બેસે છે કે “હું તો જોનને લવ કરતી હતી પણ બિચારો ગે નીકળ્યો…”
આ સાંભળીને અભિષેકના દિલમાં હલચલ મચી જાય છે… છેવટે એ પ્રિયંકાને પડતી મુકીને જોનને પરણી જાય છે ! બિચારી પ્રિયંકા ઉદાસ ગાયનો ગાતી રહે છે અને પિકચરનો એન્ડ આવી જાય છે…
***
પહેચાન કૌન ?
છેક 1970માં આવેલી ‘પહેચાન’ ફિલ્મની આ રિ-મેક છે. ગામડેથી આવેલો મનોજકુમાર પોતાના માટે સારી છોકરી શોધી રહ્યો છે. પણ એ બહુ ‘ચૂઝી’ છે. બબિતા એને હેલ્પ કરવા માટે ડઝનના ભાવે છોકરીઓ બતાડતી ફરે છે.
એક ગાયન પણ આવે છે : “વો પરી કહાં સે લાઉં ? તેરી દુલ્હન જિસે બનાઉં… કે ગોરી કોઈ પસંદ ના આયે તુજ કો, કે છોરી કોઈ પસંદ ના આયે તુજ કો…”
બબિતા કંટાળી જાય છે છેવટે એકવાર રાતના ટાઈમે એ જુએ છે કે મનોજકુમાર એકલો એકલો ગાઈ રહ્યો છે :
“બસ યહી અપરાધ મેં હર બાર કરતા હું, આદમી હું આદમી સે પ્યાર કરતા હું !”
બબિતાની હટી જાય છે ! એ જઈને મનોજકુમારને લાફો મારી દે છે. “સાલે, અબ તક ટાઈમપાસ કર રહા થા ? ચલ, ભાગ ઈધર સે !”
***
દુલ્હન એક રાત કી
1967માં આવેલી આ ફિલ્મની વાર્તા તો ખબર નથી પણ નવી રિ-મેકમાં એવું થાય છે કે હિરોઈન (આલિયા ભટ્ટ)નાં લગ્ન રાજકુમાર રાવ જોડે થઈ જાય છે. પણ સુહાગરાત આવે એ પહેલાં જ એને પાકી ઈન્ફરમેશન મળે છે કે છોકરો તો ‘ગે’ છે !
હિરોઈન રાતોરાત ક્યાંક ભાગી જાય છે. બિચારો ‘ગે’ હિરો એને શોધવા નીકળે છે. આખરે બહુ રખડપટ્ટી પછી તે આલિયાને શોધીને ઘેર લાવે છે ત્યારે ખબર પડે છે કે આ દરમ્યાનમાં આલિયા તો છોકરીમાંથી છોકરો થઈ ગયો છે !
***
ખિલજી : ઓલ્ટરનેટીવ હિસ્ટ્રી
આ ‘પદ્માવત’ની સિકવલ નથી. આમાં થાય છે એવું કે રાણી પદમાવતીને મેળવવામાં નિષ્ફળ ગયેલો ખિલજી છેવટે હતાશામાં પડી જાય છે. ત્યારે પેલો તેનો કિન્નર સેવક (જિમ સરભ) ખિલજીને એટલો બધો પ્રેમ આપે છે કે બિચારો ખિલજી એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે !
પરંતુ એ તો શક્ય જ નથી. કારણ કે એ જમાનામાં તો ખુદ ખિલજીના દરબારમાં બેસતા ધર્મગુરુઓ પણ એનો સખત વિરોધ કરે છે. “અગર બાદશાહને ઐસા કિયા તો સારે મુલ્ક પર કયામત આ જાયેગી !”
આખરે ખિલજી એ જ બ્રાહ્મણ પંડિત રાઘવની મદદ માગે છે જેણે પદમાવતીના અપાર સૌંદર્યની પ્રશંસા કરીને તેને મેવાડ પર હૂમલો કરવા ઉશ્કેર્યો હતો. પંડિત રાઘવ જ્યોતિષી પણ છે. તે બન્નેની કુંડળી જોઈને કહે છે : “આ લગ્ન અત્યારે સંભવ નથી, પણ સન 2018માં જ આ શક્ય બનશે…. તે વખતે એક નવો પંડિત તમારા મેરેજ કરાવશે !”
એ પછી ખિલજી અને કિન્નરનો પુનર્જન્મ થાય છે.... બન્ને ફરીથી પ્રેમમાં પડે છે.... સમાજ વિરોધ કરે છે પણ છેવટે ‘કરણ જોહર’ નામની ફેમસ વ્યક્તિ એમના લગ્ન ટીવીના એક રિઆલિટી શોમાં ‘લાઈવ’ કરાવે છે !
જોકે ખિલજીને હજી નથી સમજાતું કે પેલા તેરમી સદીના ‘જોહર’ અને આ ‘જોહર’માં શું ફરક છે ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment