અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જે ઝપાટો બોલાવ્યો છે એના લીધે હાહાકાર તો મચ્યો જ છે પણ સાથે સાથે થોડી હળવી રમૂજો પણ ફેલાવા માંડી છે ! ચાલો, એમાં થોડા ઉમેરા કરીએ, પાર્કિંગની નવી કહેવતો બનાવીએ…
***
જુની : ચાર મળે જ્યાં ચોટલા, ભાંગે ઘરના ઓટલા.
નવી : ચાર મળે જ્યાં કાર, ત્યાં ‘ટોઈંગ વાન’ તૈયાર !
***
જુની : આસમાનથી પડ્યા, તો ખજુરમાં અટક્યા.
નવી : ભૂવાથી બચ્યા, તો અમને પાર્કિંગમાં પકડ્યા !
***
જુની : ખાખરાની ખિસકોલી ખજુરનો સ્વાદ શું જાણે.
નવી : પગપાળા ચાલનારો પાર્કિંગની પીડા શું સમજે !
***
જુની : જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાન કી બાત.
નવી : ગાડી સે ગાડી મિલે, પૂછે પાર્કિંગ કે હાલાત !
***
જુની : પાદવાની તો પહોંચ નથી અને તોપખાનાના એલચી થવું છે.
નવી : પાર્કિંગની તો સ્પેસ નથી અને થવું છે સ્માર્ટ સિટી !
***
નવી ઓરિજીનલ કહેવતો…
આજે એ જ ‘કિંગ’ છે જેની પાસે ‘પાર્કિંગ’ છે!
***
રોડે પાડ્યા ભૂવા, ને લારીએ કર્યાં દબાણ,
માંડ લીધી એક કાર, ત્યાં તો પાર્કિંગની મોકાણ !
***
ભઈ, પહોંચતા થશે પાંચ મિનિટ,
પણ પાર્કિંગ શોધતા પંદર મિનિટ…
***
‘ટેં’ થઈ જવાય એટલી મહેનત કરીને એક કાર લીધી… એ ય સાલી ‘ટો’ થઈ ગઈ !
***
(હકીકત તો એ છે મિત્રો, કે આપણે વાહન લીધાપછી ચાલવાનું જ ભૂલી ગયા છીએ. આજે પરિસ્થિતિ એવી છે કે…)
શેઠીયા થઈને ચાલ્યા નહિ,
ઘુંટણ કર્યા બેકાર..
એક વ્હીલચેર અપંગની
પાંચ અપંગની છે કાર !
(સમજે તેને સલામ… ના સમજે તેને ‘મેમો’!)
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment