હવામાં ગોળીબાર
સરકાર આખા ગુજરાતમાં પાણીપૂરી ઉપર પ્રતિબંધ મુકવા માગે છે એવી ખબર ફેલાતાં જ ગુજરાતભરની મહિલાઓમાં ખળભળાટ વ્યાપી ગયો હતો.
બિચારી સરકાર ‘હાઈજીન’ના મામલે આ બધું કરવા માગે છે પણ બહેનો, સાચું કહેજો, આજકાલ અમુક રેસ્ટોરન્ટોમાં જે ‘હાઈજીનિક’ પાણીપુરી મળે છે એમાં શું સવાદ હોય છે ?
ના ના, તમે જ વિચારો… ક્યાં મોંઘી રેસ્ટોરન્ટોની હાઈજીનિક પાણીપુરી ? અને ક્યાં ભૈયાજીની ચટાકેદાર પાણીપુરી !
***
પેલી મોંઘી રેસ્ટોરન્ટમાં આપણે મેનુમાં જોઈને (એટલે કે ડીશના દોઢસોથી બસ્સોની રકમ વાંચીને) પાણીપુરીનો ઓર્ડર આપીએ એટલે પેલો વેઈટર આપણા ટેબલ ઉપર આખો ખડકલો કરી જાય….
ખાટી ચટણીનો એક વાડકો, તીખી ચટણીનો બીજો વાડકો, પાણીપૂરીના પાણીનું મોટું વાસણ, એક ડીશમાં બાફેલા ચણા, બીજી ડીશમાં બાફેલા બટાકા, ત્રીજી ડીશમાં ઝીણી કતરેલી ડુંગળી, ચોથી ડીશમાં ઝીણી તીખી સેવ, પાંચમી ડીશમાં (ઓપ્શનલ) ઝીણી મોળી સેવ અને....
મેઈન ડીશ (યાને કે મેઈન-કોર્સ!) હોય તેમ એકાદ બે ડઝન પુરી મુકી જાય. આ ઉપરાંત દરેકને માટે નાની-નાની ડીશો ઉપરાંત ચમચા-ચમચી, સોલ્ટ-પેપર, ચીલી પાઉડર તથા સ્પેશિયલ પાણીપુરી મસાલાનાં નાનાં નાનાં ડબલાં ડૂબલી તો ખરાં જ !
હવે, આ બધાનું આપણે કરવાનું શું ?
યાર, આપણે કંઈ સંજીવ કપૂર કે તરલા દલાલ થોડાં છીએ કે ફટ લેતાંકને એમાંથી ચટાકેદાર પાણીપૂરીઓ બનાવી કાઢીએ ? પાછું અહીં તો ‘સેલ્ફ-સર્વિસ’ ! એટલે જાતે જ પાણીપૂરી બનાવવાની… રેસિપી યાદ કરીને આખો વિધિ શરૂ કરવાનો….
પૂરી લેવાની, એમાં નાનકડું માપસરનું કાણું પાડવાનું, એમાં બાફેલા ચણા, બાફેલા બટાકાનું દડબું ભરવાનું, થોડી ડુંગળી, થોડી ઝીણી સેવ અને પછી પાણી…
હવે જસ્ટ વિચાર કરો, આવા ઝાકઝમાળવાળા રેસ્ટોરન્ટમાં બેઠા હોઈએ ત્યાં પુરીને પાણીમાં ‘ડૂબાડાય’ શી રીતે ?
એટલે માંડ માંડ, ફાવે કે ના ફાવે, તોય ચમચી વડે ખાટી-તીખી ચટણીઓ તથા પાણી પેલા કાણામાંથી ટપક-પધ્ધતિની સિંચાઈની જેમ અંદર પધરાવવાનું…
હાશ ! આખરે એક પુરી બનાવી તો ખરી !
હવે આવા ‘ડિસન્ટ’ રેસ્ટોરન્ટમાં કંઈ શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદો જેવાં પહોળાં મોં કરીને અંદર પાણીપૂરી થોડી ઘૂસાડાય ? એટલે આજુબાજુ નજર કરીને, આપણી મોંફાડ શક્ય હોય એટલી ખોલીને પાણીપુરી અંદર મુકવાની….
ખરો પ્રોબ્લેમ હવે શરૂ થાય છે. એક તો માંડમાંડ મોંમાંથી પેલા તીખા-ખાટા પાણીની પિચકારીઓના છૂટી પડે એનું ધ્યાન રાખતા હોઈએ (અને બહેનો પોતાની લિપસ્ટિક પલળીને ફેલાઈ ના જાય તેની ચિંતામાં હોય) ત્યાં તો પાણીપુરી મોંમાં ફાટીને લબાચાની જેમ ફેલાઈ ચૂકી હોય !
લોચો એ થાય કે કાં તો સાલી વધારી તીખી થઈ ગઈ હોય, કાં તો વધારે ખાટી ! અને બેમાંથી એકેય ચટણી જો પુરતી ક્વોન્ટિટીમાં ના પડી હોય તો સાલી આખી પાણીપૂરી ફીક્કી લાગે !
હવે શું કરવાનું ? તો કહે, ટ્રાયલ એન્ડ એરર !
બીજી પાણીપુરી પણ જાતે જ બનાવો ! આમ કરતાં કરતાં માંડ ચોથી-પાંચમી ટ્રાયલે આપણું મનગમતું કોમ્બિનેશન (મનગમતું એટલે ? પાસિંગ માર્ક, હોં !) ફાઈનલ થાય ત્યાં તો પૂરીઓનો સ્ટોક ખલાસ થઈ જાય !
બીજો સ્ટોક આવે, જાતે પાણીપૂરી બનાવીને ખાઈએ, એટલામાં સાત-આઠ પૂરીએ પેટ ભરાઈ જાય ! મનમાં થાય કે યાર, માંડ ત્રણ ‘પ્રોપર’ પૂરી ખાવામાં છ ‘એક્સ્પેરિમેન્ટલ’ પૂરીઓ પેટમાં પધરાવી દેવી પડી !
અતિશય મોટો લોચો તો એ છે કે આપણે રેસ્ટોરન્ટવાળાને કહી પણ ના શકીએ કે “બોસ, મઝા ના પડી…” કારણકે પાણીપુરી તો આપણે જાતે જ બનાવી હતી, ને ?
***
હવે આની કંપેરિઝનમાં ભૈયાજીની પાણીપુરીને યાદ કરો… ટોટલ ‘ટેસડા’ હોય છે કે નહિ ?
હા, એટમોસ્ફીયરમાં સોફીસ્ટેકેશન ના હોય. આમ તો ખાવાની મેથડ પણ ઓકવર્ડ. પગ સહેજ પહોળા રાખીને હાથમાં ડીશ લઈને ભિક્ષુકની માફક ઊભા રહેવાનું. જેટલા જણ ઝાપટવા ગયા હોઈએ એ બધા અર્ધ-ચંદ્રાકાર વર્તુળમાં ગોઠવાઈ જાય એટલે ભૈયાજીને કહેવાનું ‘આવવા દ્યો…’
બસ, આપણે સિગ્નલ મળતાં જ ભૈયાજીના હાથ ફટાફટ મશીનની જેમ ચાલવા માંડે. ડાબે હાથે કઈ ઘડીએ પૂરી ઉપાડતાં અંગૂઠા વડે કાણું પાડે, કઈ ઘડી એમાં જમણા હાથે ચણા-બટાટા સરકાવી દ્યે અને 'ઝપાક ઝપાક' કરતાં ખાટી-તીખી ચટણીમાં ડબોળાઈને લથપથ થતી પેલી પૂરીઓ તમારી ડીશોમાં ફટાફટ મુકાતી જાય… જાણે બધું આંખના પલકારામાં બધું ફિલ્મની સ્પેશીયલ ઈફેક્ટ બની રહ્યું છે !
પાણીપૂરી ખાવાની દેશી સિસ્ટમમાં જે મઝા છે તે બીજે ક્યાંય નથી.
લથપથ થયેલી પૂરીને આખેઆખી મોંમાં પધરાવવા માટે ડાચું ‘બગાસાં સાઈઝ’માં ખુલવું જરૂરી છે. ‘ગપ્પ’ કરીને પૂરી તમે અંદર મૂકીને મોં બંધ કરો કે તરત મોંમાં ખાટા-તીખા-કુરમુંરા ‘સ્વાદ-બોમ્બ’નો વિસ્ફોટ થાય !
હજી આ બોમ્બની અણિયાળી કરચોને તમે દાંત વડે ઠેકાણે પાડી રહ્યા હો ત્યાં તો તમારી ડીશમાં તાજો બોમ્બ હાજર થઈ ગયો હોય !
બીજી પાણીપૂરી માટે મોં ખોલતાં પહેલાં જો તમારે ટેસ્ટને ‘પર્સનલાઈઝ’ કરવો હોય તો માત્ર બે શબ્દો બોલવાના; ‘તીખા કમ’ અથવા ‘ખટ્ટા જ્યાદા’. આમાં પેલા ભૈયાજી એક સાથે છ-છ જણાને સર્વ કરતા હોય તોય દરેકનો સ્પેશિયલ ટેસ્ટ ચપટીમાં પારખી લે. (જો તમે રેગ્યુલર ઘરાક હો તો તો કહેવું ય ના પડે.)
પાણીપૂરીના બોમ્બ ફટાફટ મોમાં પધરાવતા જવાનું સિસકારા બોલાવતા જવાનું, નાક કે આંખ દદડવા લાગે તો ઘડીક ‘ટાઈમ-પ્લીઝ’ કરીને રૂમાલ વડે લૂછી લેવાનાં… પણ બોમ્બમારાની સ્પીડ તો આ જ રાખવી પડે. છેવટે, તમ ધરાઈ જાવ ત્યારે સફેદ ઝંડી ફરકાવતા હોય તેમ ડીશ આઘી કરી દેવાની.
તીખા અને ખાટા સ્વાદના આ બોમ્બમારા પછી જે ‘યુધ્ધવિરામ’નો શાંતિપૂર્ણ સમય હોય છે તેમાં દહીંપૂરી ખાવામાં આવે છે.
જેમાં ઠંડુ દહીં, હજમાહજમ, ખાટીમીઠી ચટણી તથા ઉપરથી ભભરાવેલું સંચળ-જીરા વગેરેનું મિક્સચર હોય છે. આવી એકાદ બે પૂરી ખાતાં જ યુધ્ધનો આખો માહૌલ શાંત થઈ જાય છે અને તમે સાતમા આસમાનવાળા સ્વર્ગની સુંદર વનરાજિમાં ટહેલતા હો તેવો આભાસ થવા લાગે છે…
લો બોલો, અમે તો ભૈયાજીની પાણીપૂરીનાં વખાણ કરતાં કરતાં છેક સ્વર્ગમાં પહોંચી ગયા ! હવે તમારો શું વિચાર છે ?... રેસ્ટોરન્ટમાં કે ભૈયાજી પાસે ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment