ફિલ્મી, વેરી ફિલ્મી…
લો, આપણો મહેસાણાવાળો બકો ‘મિશન ઇમ્પોસિબલ: ફોલઆઉટ’ જોવા આવ્યો છે ! બકાએ એની જ ભાષામાં પિક્ચરનું ‘પિંજણ’ કરી નાંખ્યું છે ! વાંચો…
***
મન્નુભઈ, મું ચાર દા’ડા પેલ્લોં જ ટોમ ક્રુજવારું ‘મિસન ઇમ્પોશિબલ’ જોઈ આયો.
જોતોં જોતોં મઝા તો બઉ આઈ, પણ હાહરું પિચ્ચર પતી જ્યા પછી વિચાર કરતોં હમજાયું કે હાહરા હોલીવૂડવારા ય ખાલીખાલી ડ્રામાબાજી જ કર છ…
***
હોશ્પિટલનો ડ્રામો
પિચ્ચરમોં બતાયું છ કે એક આતંકવાદી ટાઈપના મોંણહને હોશ્પિટલમોં હૂવરાયેલો છ. ઈની કને આખી દુનિયાની અડધો-અડધ વશ્તીને મારી નોંખે એવા પ્લુટોન બોંમની ઈન્ફરમેસન છ…
હોશ્પિટલના ટીવીમોં બતાડે છે કે બોંમ તો ફૂટી જ્યા ! અવ, એ આતંકવાદીનો જે ફોન છ, ઇંમોં એ બોંમ કુંણે બનાયા, કુંને વેચ્યા, કુંણે ફોડ્યા એની માહિતી છ… પણ હાહરો ફોનનો પાશવર્ડ આલતો નહીં !
છેવટે ઈંને લલચાવા હારું આ લોકો કે’ છે કે, હેંડ, તેં જે ભાષણ લખી રાખ્યું તું, એ ટીવીમોં આખી દુનિયોંને હભરાય એવી રીતે વોંચી હંભરાવે તો તુ પાશવર્ડ આલે ?
પેલો હા પાડ છ… ટીવીમોં ભાષણ ચાલુ થઈ જોંય છ… આ પાશવર્ડ આલે છે… કે તરત રૂમની ચાર દિવાલનોં ચાર પાટિયોં ખુલી જોંય છે !
ટોમ ક્રુજના મોંણસો કે’ છ, ક અલ્યા, તારી જોડેથી ફોંનનો પાશવર્ડ કઢાબ્બા હારુ જ આવુ નાટક કરેલું ! બાકી કોંય બોમ ફૂટ્યા નહીં ! અને ટીવીમોં તને બતાડવા હારુ જ બોગ્ગસ રેકોર્ડીંગ કરેલું !
લો હોંભરો ! અલ્યા મન્નુભઈ, મું ઈમ કવ છુ ક પેલા ટોમ ક્રુજ પાંહે તો એવા એવા એક્સ્પર્ટો છ, કે ભલભલી બેન્કોની તિજોરીઓ, ભલભલોં અન્ડર્વલ્ડની શિક્યોરીટીની શિસ્ટમોના પાશવર્ડો ચપટીમોં ખોલી નોંખતા’તા !
તો લ્યા, આવડા અમથા મોબાઈલનો પાશવર્ડ ખોલતેં ના આવડે ?... ખાલી ખાલી ડ્રામો જ કર્યો ન ?
***
દોડ-દોડ કરવાનો ડ્રામો
એક ફેરી CIAનો એક એજન્ટ ટોમ ક્રુજ કનેથી એક ફાઈલ લઈને નાશી જોંય છ… ઈંની ફાઈલમોં ટ્રેકર લાગેલું છ... ટોંમ ક્રુજની બોચીમોં ય ટ્રેકર લાગેલું છ…
પેલો હેંડ્યો જાય છ… ને ટોંમ ઈંની પાછર દોડતો જાય છ… ટોંમ ઈને પકડવા હારુ બિલ્ડીંગોનોં ધાબોં કૂદ છ.. કાચ ફોડીને, ચ્યોંનો ચ્યોં ઘૂશીને, બાયણોં તોડીને, ચ્યોંનો ચ્યોં નેંકરે છ…
પેલો ઈની મેળે શોંતિથી હેંડ્યા જ કર છ ને ટોંમભઇ અડધો કલ્લાક લગી દોડ-દોડ જ કર છ… છેવટે ઇને પકડ છે !
પણ ભઇ, મું ઈંમ પૂછું છું મન્નુભઈ, કે પેલો હેંડતો ’તો... ને આ દોડતો ‘તો. તોય અડધા અડધા કલ્લાક લગી હાથમોં ચમ ના આયો ?... કે પછી, દોડ-દોડ કરવાનો ખાલી ડ્રામો જ કર્યો ન ?
***
ચહેરા-મોહરાનો ડ્રામો
મિસન ઇમ્પોશિબલનું પેલ્લું પિચ્ચર આયું તાણથી લઈને આ છેલ્લા પિચ્ચર લગી ટોમ ક્રુજ કોઈના મુઢાનું માસ્ક બણાવરાઈને પોતાના મુઢે પે’રીને બધોંને ઉલ્લુ બણાવ છ…
આ પિચ્ચરમોં તો ડબલ માસ્કનો ખેલ બણાયો છ. વિલનનું મુઢું ટોમના ભઈબંદના મુઢે પે’રઈ દે છ, ને ભઇબંદનું મુઢું વિલનના મુઢે પે’રઈ દે છ…
ઓંમોં ને ઓંમોં હોંમેવાલા વિલનને ભઇબંદ હમજીને કીડનેપ કરી જોંય છ !
પણ મન્નુભઈ, મુ ઇમ કઉ છું કે અલ્યા, આ ટોમડો આટલોં વરહથી આવી ટ્રીક કર છ… તો વિલનના મોંણસો કોઈને મલે તાણે મુઢા પર ચોંટિયો ભરીને ચેક ચમ નહીં કરી લેતા ?
કે હાહરો માસ્ક પે’રીને તો નથી આયો ન ? વિલનના મોંણસો આટલા ડોબા ?... કે પછી ખાલી ખોટો ડ્રામો ?
***
ખુદ વિલનનો ડ્રામો
વિલને બે પ્લુટોન બોંમ બણાયા છ. ન ઈંને ડિફ્યુઝ કરવાની તીજી ચાવી એ બણાઈ છ.
હાહરાએ એવી ગોઠવણ કરી છ કે તૈણેય ઠેકોંણે એકી હંગાથે વાયરો કટ થોંય કે સ્વીચ બંધ થોંય, તો જ બોંમ ડીફ્યુઝ થોંય.
હેંડો હમજ્યા… કે આ તો આપડોંન છેલ્લી ઘડી લગી ટેન્શનમોં રાખવા હારુ આખો ડ્રામો બણાયો છ.. કે ચાવી ચ્યોંની ચ્યોં પરવતની ટોચ પર હોય, ન ટોંમ ક્રુઝ ખીણમોં પડુ પડુ થઈ રયો હોય…
ને છેલ્લી શેકન્ડે તૈણે જણોં હંગાથે કોંક કરે, ઈમોં આખી દુનિયોં બચી જોંય.
પણ મન્નુભઈ, મન એ નહીં હમજાતું કે પેલો હાહરો વિલન ત્યોંથી નાશી ચમ ના ગયો ?
એ બીજા બોમ જોડે શું, લાડવા લેવા ઊભા રયેલો ?... કે પછી હીરોઈન જોડે ફાઈટિંગનો ડ્રામો કરવા જ રોકઈ રયેલો ?
મન્નુભઈ, આખા પિચ્ચરમોં આટલા બધા અમથા અમથા ડ્રામા શુ લેવા ભર્યા છ… એ 'હમજવું' જ મિશન ઇમ્પોશિબલ છ ! બોલો, ખોટું કીધું ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment