સરકાર વડોદરામાં પાણીપૂરીની લારીઓ અને ખુમચાઓ ઉપર ત્રાટકી પછી ગુજરાતની મહિલાઓ જંગે ચડી છે ! એમની માગણી છે કે પાણીપુરી ઉપર પ્રતિબંધ તો નહીં જ મુકાવા દઈએ.
આવા સમયે સૌએ પાણીપૂરીના ફાયદા તથા નિયમો સમજી લેવા જોઈએ…
***
પાણીપૂરીના ફાયદા
(1) આખેઆખી પાણીપૂરી મોંમાં મુકવાથી આખા મોંને કસરત મળે છે. જેના લીધે તમે પતિ આગળ “કંઈ સમજ્યાઆઆઆ?” એવું વધારે તાકાતથી બોલી શકો છો.
(2) જીભની તીખાશ તથા ખટાશની ‘ધાર’ તેજ થઈ જાય છે.
યાદ રહે, આજની નારીનું સૌથી મોટું હથિયાર જીભ છે, આંસુ નહિ.
(3) તીખું પાણી, ખાટું પાણી અને કરકરી પૂરીનો ભુકો… આ ત્રણે ચીજો ગળામાંથી સડસડાટ ઝડપે પસાર થવાને કારણે ગળું ખુલે છે અને અવાજમાં તાકાત આવે છે.
(4) પાણીપૂરી ખાતાંની સાથે મગજમાં ખાસ જાતની ગરમી પેદા થાય છે જેના લીધે તમને શાકવાળાથી લઈને ઘરવાળા સુધી ગમે તેની સામે લડી લેવાનું ઝનૂન પ્રાપ્ત થાય છે.
***
પાણીપુરી ખાવાના નિયમો
(1) પાણીપૂરી ખાતી વખતે મોં પુરેપુરું ખોલવું જરૂરી છે નહિતર ઉપર જણાવેલા કોઈ ફાયદા થતા નથી.
(2) મોંમાંથી તથા પૂરીમાંથી દદડતું પાણી ઝીલવા માટે ડીશ પ્રોપર પોઝિશનમાં રાખવી નહિતર સાડી/ડ્રેસ બગડશે.
(3) ખૂમચાવાળા / લારીવાળાના હાથ કદી ધ્યાનથી જોવા નહિ. નહિતર પાણીપૂરી ખાવાનું મન જ નહિ થાય. આમાં ને આમાં તમારી જીભ નબળી રહી જશે.
(4) એ જ રીતે, લારી / ખુમચાની આજુબાજુ કેટલી ગંદકી છે તથા કેટલી માખીઓ બણબણે છે એની તરફ ધ્યાન આપવું નહિ.
પાણીપુરી તો કમળ છે. એ કીચ્ચડમાં જ ખિલે.
(5) પાણીપૂરી હંમેશાં શાકભાજી વગેરેની ખરીદી કરતાં પહેલાં જ ખાવી કારણ કે પાણીપૂરી ખાધા પછી મગજમાં જે મસ્તી હોય છે એમાં તમે રકઝક કરી શકતા નથી. સરવાળે શાકભાજી મોંઘી પડે છે.
(6) બહુ ‘હાઈજિનીક’ પાણીપૂરીનો આગ્રહ રાખવો નહિ કારણ કે પછી તમારી જીભ એટલી ‘હાઈજિનીક’ થઈ જશે કે તમારા પતિ પણ તમારું કહ્યું માનશે નહિ !
ધન્યવાદ. જય પાણીપૂરી.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment