પહેલેથી મહિલાઓનું જ રાજ હોત તો ?

હવામાં ગોળીબાર

સદીઓથી પુરુષોએ મહિલાઓ ઉપર પોતાનું જાળવી રાખ્યું છે, મહિલાઓને આઝાદી આપી જ નથી, એમની પાસે મજુરી અને ગુલામી જ કરાવી છે… આ બધી વાતો સાચી જ છે. પણ જરા વિચારો, આનાથી ઊંધું થયું હોત તો ?

યાને કે, સદીઓથી જો મહિલાઓનું રાજ ચાલતું હોત અને પુરુષો એમનાથી દબાયેલા હોત તો ?

- તો શું થયું હોત ? લો, એક ઇમેજિનેટિવ ફ્લેશ-બેક જુઓ….

***

પ્રેશર કુકરની શોધ ઈ.પૂ. 725માં થઈ હોત

બોલો, વિચારમાં પડી ગયા ને ? પણ મને જસ્ટ કહો, હાલના ઈતિહાસ મુજબ પ્રેશર કુકરની શોધ ક્યારે થઈ ? લગભગ 50-60 વરસ પહેલાં, રાઈટ ?

તો અમે કયા હિસાબે કહીએ છીએ કે પુરુષો ગુલામ હોત તો પ્રેશરકુકરની શોધ ઈ.પૂ. 725માં થઈ હોત ? (ઈ.પૂ. એટલે ઈસવીસન પૂર્વે. ઓકે?) તો ચાલો, જરા સિનેરિયો વિચારો…

જો મહિલાઓનું રાજ હોત તો શિકાર કરવા મહિલાઓ જતી હોત અને ગુફામાં રહીને રસોઈ રાંધવાનું કામ પુરુષો કરતા હોત. બરોબર ?

આ પુરુષોની જાત તો પહેલેથી આળસુ હતી ને ? એમને તો આજના ઇતિહાસ મુજબ પણ ઘરના બૈરી છોકરાં માટે રોજનું એકાદ સસલું કે તેતર મારી લાવવાનો કંટાળો આવતો હતો, એટલે બધા પુરુષોએ ભેગા થઈને વિચાર્યું કે યાર, આ શું રોજરોજની બબાલ ? એના કરતાં આપણે 20-25 જણા ભેગા થઈને એકાદ સાંઢને ઘેરીને મારી નાંખીએ તો ? 15 દહાડા લગી તો શિકાર કરવામાંથી છૂટ્ટી ને !

- તમે કહેશો કે મન્નુભાઈ, આમાં પ્રેશર-કુકરની વાત ક્યાં આવી ? તો પ્લીઝ, ધ્યાનથી સાંભળજો.

પુરુષોએ તો ભેગા મળીને સાંઢના શિકારો કરવા માંડ્યા. પણ છેક જંગલમાંથી ગુફા સુધી સાંઢને ઢસડી લઈ જવાની ‘મજુરી’ થકવી નાંખતી હતી. એટલે એમણે શું કર્યું ?

પૈડાની શોધ કરી ! રાઈટ ?

હવે વિચાર કરો કે જ્યારે પુરુષોને એ પ્રાગૈતિહાસિક કાળમાં રાંધવાની ડ્યુટી લાગી હોત તો એમણે શું કર્યું હોત ? મૂળ તો પુરુષો આળસુના પીર જ ને ! એટલે એમણે પથ્થરના વાસણ ઉપર પથ્થરની લાદી મુકીને શિકારને રાંધી જોવાનો પ્રયોગ કરી જોયો હોત… અને એમાંને એમાં ‘પ્રેશર-કુકર’ની શોધ થઈ ગઈ હોત !

***

વાનગીઓમાં વરાઈટી ના હોત

રસોઈનું ડિપાર્ટમેન્ટ જો પુરુષોના માથે હોત તો એ મીંઢા, આળસુ અને નકામા લોકોએ વાનગીઓમાં કોઈ વરાઈટી બનાવી જ ના હોત. શરૂઆતમાં તો માત્ર એક જ વાનગી હોત : “બાફેલું પ્રાણી !”

જોકે હા, બીજો એક ઓપ્શન હોત : “બાફેલું પક્ષી !” ટાઈમ જતાં કદાચ 500 કે 700 વરસ પછી તેમાં નવી વાનગી ઉમેરાઈ હોત : “ચરબીના રસામાં પ્રાણીના નાના-મોટા ટુકડા !” ઇનફેક્ટ, માણસો (એટલે કે મહિલાઓ) ખેતી કરતાં થયા હોત ત્યારે માંડમાંડ બે નવી વાનગીઓ આવી હોત. : (1) બાફેલા ચોખા (2) બાફેલા ઘઉં…

તમને થતું હશે કે યાર, આ મન્નુભાઈ એમના ભેજામાં જે આવે તે ચલાવ્યે રાખે છે. પણ તમે આજની સિચ્યુએશન જુઓ ને ? પુરુષો કપડાંમાં શું પહેરે છે ? તો કહે, પેન્ટ અને શર્ટ… બહુ બહુ તો ટી-શર્ટ (અને એંદીની જેમ પડ્યા રહેવું હોય તો બર્મુડા.) કોટ કે જાકીટ ક્યારે પહેરશે ? તો કહે, ટાઢ વાય ત્યારે ! લગ્ન પ્રસંગમાં પણ તમે જોજો, હજી પ્રસંગ પત્યો ના હોય ત્યાં તો એમણે એમના જોધપુરી સૂટનાં ત્રણ બટન ખોલી નાંખ્યા હશે.

અચ્છા, પુરુષો પગમાં શું પહેરે ? એમનું ચાલે તો સ્લીપર પહેરીને જ ઓફિસે જાય. છતાં એ સિવાય શું ? તો કહે, બૂટ અથવા ચંપલ, પત્યું ? હવે મહિલાઓ વિશે વિચારો. માત્ર કપડામાં કેટલી બધી વરાયટી ! સેન્ડલો તો બે ડઝન હોય, ઘરમાં !

બસ, આ જ લોજિકથી વિચારો. આજે વાનગીઓમાં આટલી બધી વરાયટી કેમ છે ? કારણે કે એ ડિપાર્ટમેન્ટ મહિલાઓના હાથમાં છે ! જો પુરુષોના હાથમાં રસોઈનો કારભાર હોત તો તમામ અથાણાં ‘સૂકાં’ જ હોત ! કેમ ? કારણ કે આપણે કંઈ કરવાનું જ નહિ ને ? બસ, બધું વાકુંચૂકું કાપીને તડકે નાંખી દેવાનું ! જે દિવસે શાક રાંધવાનો કંટાળો આવે તે દહાડે રોટલાની જોડે અથાણું પકડાવીને હાથ ખંખેરી નાંખવાના.

***

સામૂહિક રસોડાં ચાલતાં હોત

તમને શું લાગે છે, આ આળસુના પીર જેવા પુરુષો સવાર-સાંજ રસોઈઓ જ કર્યા કરતા હોત ? ના. જ્યારે મહિલાઓ શિકાર કરવા (અથવા સ્નાન કરીને શ્રૃંગાર કરવા) ગઈ હોય ત્યારે નવરા પુરુષોને ભેગા મળીને આઈડિયા આવ્યો હોત કે “બકા, આપણે વીસ ઘરનું ભેગું જ રાંધો ને ?”

એટલે આ સામૂહિક રસોડોમાં ચાર જણા શાક (અથવા પ્રાણીઓને) સમારીને નવરા થઈ જાત. છ જણા મોટી મોટી સાઈઝના થથેડા જેવા રોટલા ટીપીને બીડીઓ પીવા બેસી જાત. ત્રણ જણા એક મોટું તાપણું કરીને એની ઉપર એક બાજુ રોટલા શેકી નાંખત અને બીજી બાજુ શાક બાફવા મુકીને મારા બેટાઓ પત્તાં રમવા બેસી જાત.

***

‘ફૂડ-બાર્ટર’ અને ‘ફૂડ-પુલ’ ચાલતાં હોત

તમે જુઓ, આજની 21મી સદીમાં પણ મહિલાઓ શું કરે છે ? વાટકી-વ્યવહાર ! “રીટાબેન, મારી વેઢમી જરા ચાખીને કહોને કેવી બની છે ?” “સ્મિતામાસી, આજે તો અમે કડાઈ-પનીર બનાવ્યું છે. તો મેં’કુ થોડું તમને ય આપું !”

પણ એદી પુરુષો આવુ કરે ખરા ? ના. એ લોકો શું કરે ? “અલ્યા, મેં સવારે જે શાક રાંધેલું એ વધી પડ્યું છે. એ તું લઈ લે, અને તે જે રાંધ્યું હોય તે મને આપી દે ને ? બૈરીને કહીશ કે મેં હમણાં જ રાંધ્યું !” ... બસ, આ જ રીતે ખાધા-ખોરાકીની બાર્ટર-સિસ્ટમ ચાલુ થઈ ગઈ હોત. એટલું જ નહિં ‘ફૂડ-પૂલ’ પણ ચાલતાં હોત.

કઈ રીતે ? અરે ભાઈ, આજકાલ ‘કાર-પૂલ’ ચાલે છે એ જ રીતે… “એ ટોપા, આજે આપણા પાંચ ઘરનું શાક તારા ઘરથી હોં !”

- મન્નુ શેખચલ્લી

Comments