સરકાર વોટ્સએપને કહે છે કે અફવા ફેલાવનાર મૂળ માણસ કોણ છે તે ‘શોધી કાઢવાની’ ‘શોધ’ તો તમારે કરવી જ પડશે !
અમે કહીએ છીએ કે સાહેબ, જે લોકો વોટ્સએપ વિના ડાયરેક્ટ જ મોટી મોટી અફવાઓ ફેલાવે છે એમનું કંઈક કરો ને ?
***
દાખલા તરીકે… રાહુલ ગાંધીએ કહ્યું કે BHEL કંપની મોબાઈલો બનાવે છે ! તો ભૈશાબ, રાહુલબાબા સામે પગલાં લો ને ?
***
રાહુલબાબાનું તો પેલું બટાટામાંથી સોનું બનાવવાનું મશીન પણ હજી આવ્યું નથી ! એટલે કાં તો એ મશીન અમને બતાડો… કાં તો વોટ્સએપનો વાંક કાઢવાનું બંધ કરો.
***
કેરળના પુરરાહત ફંડમાં UAE 700 કરોડ આપવાનું હતું ને ? હવે UAE દૂતાલય કહે છે કે અમે એવું કંઈ કહ્યું જ નથી !
… તો બિચારા કેરળવાસીઓ શું વોટ્સએપ પાસે પૈસા માગે ?
***
અરે, એ બધું છોડો, ‘સંજુ’ નામની આખેઆખી ફિલ્મ આવી ગઈ ! એ ચાલી પણ ગઈ અને કંઈક લાખો લોકોએ એ ફિલ્મને (અફવાને) સાચી પણ માની લીધી !
અમે તો ખાલી એના ‘પ્રોમો’ ફોરવર્ડ કરેલા. એમાં અમારો શું વાંક ? શું અફવા (ફિલ્મ) ચેક કર્યા પછી જ અમારે પ્રોમો ફોરવર્ડ કરવાના ?
***
અચ્છા, સરકાર પેલા ત્રિપુરાના ચીફ મિનિસ્ટરને કેમ નથી પકડતી જેણે કહ્યું હતું કે ઈન્ટરનેટ અને ટીવીની શોધ તો મહાભારતના સમયમાં થઈ ગઈ હતી…
***
અરે, દેશના એવા 11 લાખ 11 હજારથી વધુ ત્રસ્ત પતિઓના મોબાઈલોમાં ના ઇચ્છવા છતાંય પેલો ફેમસ મેસેજ ટપકી પડ્યો હતો કે ‘પત્ની તો ત્યાગમૂર્તિ છે… મમતાની દેવી છે… વગેરે વગેરે.’
હવે ધારો કે આ ઓરીજનલ મેસેજ મુકનારો ઓરીજનલ માણસ આ ત્રસ્ત પતિઓના હાથમાં આવી જાય તો ?
- ના ના, તમે જ કહો, આમાં બિચારા વોટ્સએપનો કંઈ વાંક ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment