હવામાં ગોળીબાર
બિચારી કન્યાઓ પોતાને સારો વર મળે એ માટે હજી વ્રતો કરે છે પણ છોકરાઓને સારી પત્ની માટે કોઈ વ્રત કેમ નથી કરવું પડતું ?
તમે કોઈપણ પરણેલા પુરુષને પૂછી જોજો કે જીવનમાં સારી પત્ની મળે એ કેટલું મહત્વનું હોય છે ! છતાં; એ મેળવવા માટે કોઈ વ્રત જ નહીં કરવાનું ?
પછી નસીબનો વાંક કાઢો એ ના ચાલે ને ! હા, અમુક લોકો માને છે કે જે લોકો પરણ્યા જ નથી એ સૌથી સુખી છે, જેમકે સલમાન ખાન (અથવા રાહુલ ગાંધી) પરંતુ શું રાજીવ ગાંધી સુખી નહોતા ? સલીમ ખાન સુખી નથી ?
વળી, જમાનો જે ઝડપથી બદલાઈ રહ્યો છે એ જોતાં સારી પત્ની મેળવવી એ સારી જોબ કરતાંય અઘરું થઈ જવાનું છે. અને હા, 'જોબ સેટિસફેકશન' ના હોય તો બીજી જોબ તરત લઇ શકાય છે પણ 'વાઈફ સાટિસફેકશન' ના હોય તો કંઈ બીજી વાઇફો (કે બીજાની વાઇફો) રસ્તામાં નથી પડી.
એટલે જ કહું છું, સારી પત્ની મેળવવા માટેનાં વ્રતો વિષે અત્યારથી જ જાણી લો.
***
રાંધણ ચોથનું વ્રત
બાબો 7 વર્ષનો થાય ત્યારથી જ એની મમ્મીએ આ વ્રત કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. મોટો થઈને જો એને રસોઈ કરતાં નહીં આવડતું હોય તો પત્નીના હાથનું જ ખાવું પડશે ! અને જો રસોઈ આવડતી હશે તો તો પત્ની જ એટલી સુંદર મળશે કે વાત ના પૂછો.
વ્રતની શરૂઆત આ રીતે કરવી : વરસના દરેક મહિનાની ચોથી તિથિએ બાબાને શરૂ શરૂમાં સેન્ડવીચ, દાબેલી, મેગી તથા ચા-કોફી જેવી બેઝિક વાનગીઓ જાતે બનાવતાં શીખવાડો.
પછી બાબો દસેક વરસનો થાય ત્યારે દર વદસુદ ચોથના દિને તેને બબ્બે ટાઈમ ભાત, ખિચડી, વેજિટેબલે પુલાવ, ઈડલી જેવી સાદી વાનગીઓ 'જાતે રાંધીને જાતે ખાવાનું' વ્રત કરાવો. દરેક વખતે કૂકરની ચાર સીટી વગાડવાની છે.
સીટી વાગે ત્યારે બાબાએ આંખો બંધ કરીને મનમાં ઇચ્છિત કન્યાનું (અથવા સ્વર્ગની કોઈપણ અપ્સરાનું) નામ લેવાનું છે. જો વાનગી દાઝી ગઈ હશે તો કન્યા એવા બળેલા સ્વભાવવાળી જ મળશે. વાનગી ઢીલી રહી ગઈ હશે તો કન્યા પણ ઢીલી જ મળશે.
આ વ્રત છોકરાની ઉંમર ૧૪ વરસની થાય ત્યાં સુધી કરાવવું.
રાંધણ ચોથનું ત્રીજું વ્રત ૧૪ વરસના ટીનએજરથી ૨૨ વરસના યુવાનો કરી શકે છે. એમાં યુ-ટ્યુબમાં જોઈને કે કોઈ પાસેથી શીખીને પિત્ઝા, બર્ગર, ચીઝ-રોલ, પંજાબી સબ્જી વગેરે જેવી વાનગીઓ જાતે બનાવી, ચાર કન્યાઓને તથા ચાર ભિખારીઓને ખવડાવવી.
ખવડાવ્યા પછી ભિખારીઓના આશીર્વાદ તથા કન્યાંઓના સજેશનો બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને લેવાના રહેશે.
રાંધણ ચોથના છેલ્લા સ્ટેજના વ્રતમાં રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, કઢી, ખિચડી, બે ફરસાણ તથા એક સ્વીટ એમ ‘ફુલ ડીશ’ જાતે બનાવીને પહેલાં ‘જાતે’ ખાવાની રહેશે !
એ ભાવે કે ના ભાવે, ફૂલ-ડીશ ફીનીશ કરવી જ પડશે ! પછી જ અન્ય ચાર કુંવારી કન્યાઓને તથા ચાર ‘અન્ય’ સાસુજીઓને વિધિવત્ જમાડવાનું રહેશે. (આમાં એકાદ પોતાની ‘ભાવિ-સાસુ’ હોય તો પણ ચાલશે.) આ વ્રત ૨૨થી ૩૬ વરસની ઉંમર થાય ત્યાં સુધી કરી શકાય છે.
જો ૩૬ વરસે પણ પત્ની ના મળે તો આ વ્રત જ કામમાં આવશે, ભઈલા !
***
'રિમેમ્બર-ડે’ વ્રત
આ વ્રતની શરૂઆત તો બાબો નર્સરી સ્કુલમાં કે પ્લે-ગ્રુપમાં જવાનું શરૂ કરે ત્યારથી જ કરવી પડે છે.
આમાં કોઈ ચોક્કસ તિથિ કે તારીખ નથી હોતી પણ રોજ સવારે ઉઠીને મમ્મીએ બાબાને પૂછવાનું હોય છે કે “બોલો બેટા, આજે કઈ તારીખ છે? એ તારીખે કોનો બર્થડે છે ? કોની એનિવર્સરી છે ? કોનો એન્ગેજમેન્ટ ડે છે ?”
મૂળ શું છે, કે પુરુષો આ બધી તારીખો ‘’ભૂલી જતા હોય છે ! જેના કારણે એમની સારી ગર્લ ફ્રેન્ડો અને સારી પત્નીઓ પણ ‘બગડી’ જતી હોય છે. (મતલબ કે ગુસ્સામાં આવી જતી હોય છે).
જો બાળપણથી બાબો બધી ‘ડેટ્સ’ અને ડેય્ઝ (ફ્રેન્ડશીપ ડે, રોઝ ડે, વેલેન્ટાઈન્સ ડે અને ખાસ કરીને વિમેન્સ ડે) યાદ રાખતો થઈ જશે તો એનું લગ્નજીવન અનેકવાર તૂટતું બચી જશે. !
***
પાંચ શોપિંગનું વ્રત
બાબો ૧૮ વરસનો એટલે કે પુખ્ત વયનો થાય પછી જ આ વ્રત શરૂ કરી શકાય છે. યાદ રહે, આ સૌથી અઘરું વ્રત છે !
તમે કહેશો કે મન્નુભાઈ, શોપિંગ કરવું એમાં વળી અઘરું શું છે ? તો સાંભળો... બાબલાએ કંઈ પોતાના જિન્સ ટી-શર્ટના શોપિંગો નથી કરવાનાં. અહીં તો આખો ખેલ જ ખતરનાક છે. દર મહિનાની પાંચમી તિથી / તારીખે છોકરાએ નીચે મુજબનું શોપિંગ એકલાએ અને જાતે કરવાનું છે.
(૧) લિન્જરી (યાને કે મહિલાઓનાં આંતરવસ્ત્રો)ની દુકાનમં જઈ, અન્ય મહિલા ઘરાકોની હાજરીમાં બ્રા, પેન્ટી અથવા નાઈટીની ખરીદી કરવાની છે. એ પણ સાઈઝ, શેઈપ, કલર, ડિઝાઈન, મટિરિયલ વગેરેની પ્રોપર પૂછપરછ, ચકાસણી અને ‘ટ્રાયલ’ પછી જ (જી હા, ટ્રાયલ પણ કરવાની રહેશે !)
તમને થતું હશે કે યાર, આવું તે કંઈ વ્રત હોતું હશે ? પણ ના, માત્ર એકવાર આવી લંબાણપૂર્વકની વિધિવત્ ખરીદી કરો તો જ તમને (એટલે કે પુરુષોને) ખબર પડશે કે આવી ચીજોનું શોપિંગ કેટલું અઘરું તથા ‘એમ્બ્રેસિંગ’ હોય છે !
(૨) લેડીઝ સેન્ડલ ખરીદવાનાં છે. એ પણ પહેરીને, ચાલીને, ‘કેટ-વોક’ કરીને તથા રકઝક કરીને ભાવ ૫૦% સુધીઓછો કરાવીને ! (ભાવ ઓછો ના કરાવી શકનાર છોકરાને એટલા વરસે નબળી કન્યા મળશે.)
(૩) લિપ્સ્ટિક ખરીદવાની છે ! એ પણ પોતાના હોઠ પર લગાડીને ! પછી સેલ્ફીઓ લઈને બાઈબંધો અથવા બહેનપણીઓને ફોટા મોકલીને ‘કઈ સારી લાગે છે?’ એનો સંપૂર્ણ ઓપિનિયન પોલ લીધા પછી જ !
(બેટમજી, તને શું લાગતું હતું, ત્રણ ઇંચની લિપસ્ટિક ખરીદવી એ કંઈ ‘ખાવાના’ ખેલ છે ? અહીં તો થોડી ‘ચાખી’ પણ લેવી પડશે !)
(૪) પરફ્યુમ ખરીદવાનું છે. પણ એનું ટેસ્ટિંગ એ રીતે કરવાનું કે પોતાના શરીર ઉપર પરફ્યુમ છાંટીને ‘અન્ય પુરુષ’ને પૂછવાનું કે ‘તને આ સ્મેલ કેટલી એક્સાઈટિંગ લાગે છે?’ કહેવાનો મતલબ એ છે કે માત્ર ડિઓ ‘છાંટવાથી’ કંઈ છોકરીઓ પાછળ પાછળ ખેંચાઈ ના આવે ! અસલી મેજિક તો લેડિઝ પરફ્યુમમાં છે !
(૫) સાડી ખરીદવાની છે, પણ ખરેખર ખરીદવાની નથી ! કઈ રીતે ? મોટા શોરૂમમાં જઈ, બે કલાક સુધી ચારેક ડઝન સાડીઓ કઢાવડાવી, એના ભાવો પૂછી ‘આમાં બીજો કલર નથી?’ ‘આમાં બીજી ડિઝાઈન ખરી?’ ‘પેલી ફરી બતાડો ને?’ ‘આ મને કેવી લાગશે ?’ એવું તમામ પ્રકારનું નાટક કર્યા પછી... કશું જ ખરીદ્યા વિના ઊભા થઈ જવું ! અને ‘સહી સલામત’ શોરૂમની બહાર નીકળી જવું...
(જોયું ? પહેલાં જ કીધું હતું, વ્રત અઘરું છે! )
***
બાળોતિયાં વ્રત
આ વ્રત પ્રેમમાં પડ્યા પછી અથવા સગાઈ થાય કે તરત જ શરૂ કરવાનું હોય છે. વ્રત સિમ્પલ છે. અત્યારથી જ બાળકનાં બાળોતિયાં (યાને કે ‘છી છી - પીપી’નાં વસ્ત્રો) ધોતાં શીખી લો. વ્રતની વધુ વિગતો માટે મળો, અભિષેક બચ્ચનને ! ધન્યવાદ.
- મન્નુ શેખચલ્લી
👆👆👆
ReplyDeleteDear Mannubhai,
Namaskar 🙏
I couldn't help but reach out to you to express my sincere appreciation for your incredibly hilarious above article on "How to Behave for Married Men and those Seeking a Girlfriend."
Your wit and humor had me laughing out loud from start to finish, and it was an absolute delight to read.
Your clever insights and tongue-in-cheek advice brought a refreshing perspective to a topic that can often be quite serious.
Your ability to find humor in everyday situations and relationships is truly a God's gift, and I'm grateful for the laughter and joy your article brought into my day.
Please continue to share your unique take on life, relationships, and everything in between.
Your writing has a magical way of brightening people's spirits, and I can't wait to see what you come up with next.
Thank you once again for the laughter and for sharing your talent with the world.
Warm regards,
Vikas A Manohar
That's so heart warming ! Thank you so much sir !!!
Deleteમન્નુભાઈ,મગજના મસ્ત ખુણામાંથી આ સઘળો માલ ફટાફટ નીકળે છે.
ReplyDelete