આજના મહાનુભાવોના પંચમહાભૂતો!


મારા તમારા જેવા મામૂલી માણસો મરી જાય ત્યારે બહુ બહુ તો એમ કહેવાય કે મૃત્યુને શરણ થયા, સદગતિ પામ્યા (અથવા એમનું RIP થઈ ગયું.)

પરંતુ જ્યારે મહાનુભાવો મૃત્યુ પામે છે ત્યારે એમનો દેહ ‘પંચમહાભૂતમાં વિલીન’ થઈ જાય છે. તો દોસ્તો, આજના જમાનામાં આ પંચમહાભૂતો શું છે ?

***

વાયુ (AIR)

વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી ટીવી ઉપર કેટલા સમય સુધી ON AIR રહે છે તે ફેકટર પંચમહાભૂતોમાં સૌથી પહેલું આવે છે.

દાખલા તરીકે અભિનેત્રી શ્રીદેવી દૂબઈમાં મૃત્યુ પામી. પણ લગભગ 48 કલાક સુધી ON AIR રહી ! જરા વિચારો, કોઈ બિચારા ફિલ્મ સ્ટારનો બંગલો સ્મશાનની નજીક હોય તો તેને માત્ર અડધા કલાકનું જ ON AIR મળે ને !

***

અગ્નિ (FIRE)

આ એ અગ્નિ છે જે ઇર્ષ્યાની ‘જલન’થી પેદા થાય છે. સ્વર્ગવાસી મહાનુભાવનાં વખાણો સાંભળીને બીજા ‘જીવતા’ મહાનુભાવો કંઈ બોલી તો શકતા નથી… પણ મનમાં જે જલન ઉપડે, કે “એવો તે વળી શું, મહાન હતો ? હેં !”

- આ બીજું તત્વ છે.

***

પૃથ્વી (EARTH)

વ્યક્તિ પૃથ્વીના કયા ભાગમાં જન્મી છે તે મહત્વનું છે.

દાખલા તરીકે, વિદેશનો કોઈ ફેમસ પોપ સિંગર મરી જાય અને અહીંની અડધા ટકા પ્રજાએ એનાં ગાયનો પણ ના સાંભળ્યાં હોય છતાં ચારેબાજુ “મહાન… મહાન…” થવા માંડે છે.

બીજું, દિવંગતની સમાધિ માટે દેશની પૃથ્વી ઉપર કેટલા હજાર ચોરસ મીટર ફાળવવામાં આવે છે તે પણ EARTH યાને કે પૃથ્વી તત્વ છે.

***

આકાશ (SPACE)

ઇન્ટરનેટ અને સ્પેસ ટેકનોલોજીના આ જમાનામાં ઇલેક્ટ્રોનિક મિડીયા તથા સોશિયલ મિડીયામાં કેટલી ‘સ્પેસ’ રોકે છે તે પંચમહાભૂતનું ચોથું તત્વ છે.

આવનારાં વર્ષોમાં કોઈ મહાન હસ્તિનો મહાન સંદેશો આખા બ્રહ્માંડમાં ફેલાવવા માટે SPACEમાં ઉપગ્રહો છોડવામાં આવશે.

***

જલ (WATER)

અમુક મહાનુભાવોના મરણ પછી તેમના ચાહકો તથા અનુયાયીઓ જે હિબકે હિબકે રૂદન કરીને આંસુ વહેવડાવે છે…. એ જ આ ‘જલ’ તત્વ છે !

કરુણતા એ છે કે માછલીઓ રડ્યા કરે તો કોઈ નોંધ નથી લેતું પરંતુ જો કોઈ મોટો મગર રડી પડે તો બધા કહે છે કે “આ તો મગરનાં આંસુ છે !”

ઓમ શાંતિ શાંતિ શાંતિ.

- મન્નુ શેખચલ્લી

 

Comments