શ્રધ્ધાંજલિઓ અને બાયોપિક્સમાં ફરક શું છે ?સરખામણી કરીએ તો રસપ્રદ બને છે.
***
શ્રધ્ધાંજલિ ત્યારે જ આપી શકાય છે જ્યારે જે તે વ્યક્તિ મૃત્યુ પામી હોય.
બાયોપિકમાં એવું નથી. વ્યક્તિ જીવતી હોય ત્યારે બનાવવામાં વધુ ફાયદો છે.
***
શ્રધ્ધાંજલિનો ભાવ મામૂલી છાપામાં મિનિમમ ૨૦૦ રૂપિયાનો હોય છે.
બાયોપિકનો મિનિમમ ભાવ જ ૨૦ કરોડથી શરૂ થાય છે.
***
શ્રધ્ધાંજલિમાં વ્યક્તિના દુર્ગુણો, નબળાઈઓ કે ભૂલોને ખાસ મહત્વ અપાતું નથી. વ્યક્તિની સારી બાબતોનાં જ વખાણ થતા હોય છે.
નવાઈની વાત એ છે કે બાયોપિકમાં પણ એવું જ હોય છે!
***
કોઈ નેતાશ્રી વરસોથી પથારીવશ હોય કે કોઈ બિચારા લેખકને લકવો થઈ ગયો હોય ત્યારે તેની ‘ખોટ’ નથી પડતી. ‘ખોટ’ તો એ મૃત્યુ પામે પછી જ લાગે છે.
બાયોપિકમાં એવું ના હોય કારણ કે બાયોપિક ‘ખોટ’ માટે નહિ, ‘નફા’ માટે જ બનાવવામાં આવે છે.
***
શ્રધ્ધાંજલિ આપતી વખતે થોડી સચ્ચાઈ તો રાખવી પડે છે. (ઈન ફેક્ટ, ઘણી સચ્ચાઈ રાખવી પડે છે.)
બાયોપિકમાં ‘નામ’ પૂરતી પણ સચ્ચાઈ રાખવાની જરૂર નથી. (કારણ કે અમુક પાત્રોનાં 'નામ' સુધ્ધાં બદલી નાંખવાનાં હોય છે.)
***
શ્રધ્ધાંજલિ વાંચીને લોકો કહે છે ‘‘ઓહો, એવું હતું !આપણને ખ્યાલ નહોતો, હોં !’’
બાયોપિક જોઈને લોકો કહે છે, ‘‘હાઈલા! શું વાત છે ?એવું બનેલું ? બાકી, જબરું લાયા, હોં?"
***
શ્રધ્ધાંજલિઓમાંથી ક્યારેક ઈતિહાસ મળી આવતો હોય છે.
જ્યારે બાયોપિક્સમાં તો ઈતિહાસો ‘રચી’ જ નાંખવાના હોય છે ! (એને ‘રચનાત્મક છૂટછાટ’ કહેવાય છે.)
***
કેટલા મોટા મોટા લોકોએ શ્રધ્ધાંજલિઓ આપી તેના ઉપરથી આપણને સદગતનું 'મૂલ્ય' સમજાય છે.
બાયોપિકમાં જુદું છે. કેટલા લોકોએ તે જોઈ અને તેના વડે ‘કેટલા કરોડનું’ મૂલ્ય પ્રાપ્ત થયું તે મહત્વનું છે.
***
બાકી એક વાત નક્કી છે. ભવિષ્યમાં તમે ‘હિસ્ટ્રી’ લખીને સર્ચ મારશો તો અંદરથી ‘બાયોપિક્સ’ જરૂર નીકળશે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment