હવામાં ગોળીબાર
આ લેખ કોલેજીયનો માટે છે. એવા કોલેજીયનો, જેમણે સાત જગ્યાએ ફાંફાં માર્યા પછી છેવટે એકાદ કોલેજમાં એડમિશન લઈ જ નાંખ્યું છે પણ હવે રહી રહીને એમને ડાઉટ પડ્યા કરે છે કે બોસ, આ પણે કોઈ ફાલતુ કોલેજમાં એડમિશન લઈને ‘ભરાઈ’ તો નથી પડ્યા ને ?
તો દોસ્તો, અમે આ ટાઈપની કોલેજોનાં ખાસ લક્ષણોનું એક ચેક-લિસ્ટ બનાવ્યું છે. તમે વાંચીને ટીક કરતાં જાવ….
***
પહેલાં પાંચ દિવસનાં લક્ષણો
(1) તમારી કોલેજ જવાના રસ્તામાં ખુલ્લાં ખેતરો, કચરાના ઢગલા ઠાલવતી ટ્રકો અથવા કે પછી સી ગ્રેડની ફિલ્મો બતાડતાં વિડીયો થિયેટરો જેવી વિચિત્ર જગાઓ આવતી હોય તો સમજવું કે તમે ભરાયા છો !
(2) અચ્છા, આ એરિયામાં ફરતા રીક્ષાવાળાને ય તમારી કોલેજનું નામ ખબર ના હોય તો તો સમજવું કે ખરેખર ભરાયા છો !
(3) “હમણાં તો આ બે રૂમમાં એડજસ્ટ કરી લો, પછી આપણી કોલેજનું નવું બિલ્ડીંગ બની જ રહ્યું છે…” એવું જો પહેલા જ દહાડે સાંભળવા મળે તો સમજવું કે કોલેજની આ ‘સ્કીમ’માં પડવા જેવું નહોતું.
(4) એ તો ઠીક, નજીકના પાનના ગલ્લાવાળો જો એમ કહે કે “એ વળી કઈ કોલેજ?”… તો સમજવું કે યાર, અહીં તો ઉધારી પણ નહિ ચાલે !
***
પહેલા દસ દિવસના લક્ષણો
(૫) જો દસમે દિવસે ભાન થાય કે આપણી ફી ભરાવતા પહેલાં જે ચળકતું લીસ્સું બ્રોશર આપ્યું હતું એમાં દેખાતા ફોટા અને તમારી કોલેજમાં દેખાતી વાસ્તવિક્તા વચ્ચે કોઈ જ સંબંધ નથી… તો પેલા બ્રોશરમાં જરા ધ્યાનથી જુઓ ! નીચે ફૂદડી મારીને ઝીણા અક્ષરે લખ્યું હશે “આ તસવીરો પ્રતીકાત્મક છે. એકચ્યુઅલ સાઈઝ, કલર્સ એન્ડ ફીનીશ અલગ હોઈ શકે છે.”
(6) શરૂઆતના દસેક દિવસમાં જ જો તમને ખબર પડે કે જેને તમે કોલેજનું વોલીબોલ ગ્રાઉન્ડ સમજી રહ્યા હતા એ તો બાજુવાળા બિલ્ડરનો ખાલી પ્લોટ છે… તો તો તમે નસીબદાર છો ! કારણ કે હકીકતમાં તો એ મ્યુનિસિપાલિટીની જમીન છે અને અહીં તો ‘સુલભ શૌચાલય’ બનવાનું છે !
***
પહેલાં પંદર દિવસનાં લક્ષણો
હવે જરા ધ્યાનથી જોવાનું રાખજો. જો તમે ફાલતુ કોલેજમાં ભરાઈ પડ્યા હશો તો…
(7) તમારી કોલેજમાં આપતા દર ત્રીજા સ્ટુડન્ટ પાસે કોઈ ટ્યૂશન ક્લાસોએ આપેલી બેગ હશે.
(8) અને ક્લાસમાં બેઠેલા દર બીજા સ્ટુડન્ટ પાસે ‘વિજય ક્લાસીસ’ કે ‘એ-વન ટ્યૂશન્સ’નાં પ્લાસ્ટિકનાં ફાઈલ ફોલ્ડરો હશે.
(9) અહીં રોજ 30 ટકા છોકરાઓ નાહ્યા વિના આવતા હશે અને 25 ટકા પગમાં સ્લીપરો પહેરીને હાલ્યા આવતા હશે.
(10) એ તો ઠીક, પણ 70 ટકા છોકરાઓના પાકિટમાં કોઈ દેશી ગુજરાતી ફિલ્મની હિરોઈનનો ફોટો હશે ! (પાછળ 2018નું કેલેન્ડર છાપેલું હશે.)
(11) 90 ટકા છોકરાઓના મોબાઈલમાં ‘ચાર બંગડીવાળી ગાડી લાવી દઉં’ અથવા ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’ જેવાં સુપરહિટ ગાયનો ભરેલાં હશે.
(12) જો કોલેજમાં ભૂલેચૂકે કોઈ છોકરી દેખાઈ જાય તો એ મોટે ભાગે પ્રિન્સિપાલની બેબી હશે, અથવા પોતે ભરેલી ફી પાછી લેવા માટે આંટાફેરા મારતી હશે.
(13) છતાં એક મહિના પછી તમારા ક્લાસમાં જે માત્ર ચાર ‘રોલાં’ જેવી છોકરીઓ છે એનાં તમને રોમેન્ટિક સપનાં આવવા માંડશે !
(14) છતાં, જેવી દેખાતી હોય તેવી, પણ ‘લેડી પ્રોફેસર’ના લેકચરમાં આખો ક્લાસ ફૂલ હશે !
***
પહેલા મહિનાનાં લક્ષણો
અમુક દેખાવે ‘સારી’ લાગતી કોલેજોમાં શરૂશરૂમાં તમને બધું ‘સારું’ જ લાગશે પણ ધીમે ધીમે (જો તમને ધ્યાનથી જોવાની ટેવ હશે તો) ખ્યાલ આવશે કે…
(15) ભઈલા, અહીં સવારે ઝાંપામાં દાખલ થતાં તે જે દેડકો જોયો હતો એ જ દેડકો તને લેબમાં ‘પ્રેક્ટિકલ’ માટે આપવામાં આવ્યો છે !
(16) અને અહીંની લાયબ્રેરીમાં ‘લેટેસ્ટ’ છાપાં હંમેશા પરમ દિવસનાં જ હોય છે !
(17) અહીંના લેકચરરો અચાનક લોબીમાં ગમે તે સ્ટુડન્ટને ઊભો રાખીને કહે છે “એક મિનિટ તારો મોબાઈલ આલ ને, મારું બેલેન્સ પતી ગયું છે…”
(18) અને આપણી કેન્ટિનમાં ‘ફ્રેશ’ બટાકાવડાં માત્ર સોમવારે અને ગુરુવારે જ તળાય છે !
(19) કે સ્ટાફરૂમમાં સર પાસે ‘ડિફિકલ્ટી’ લઈને માત્ર છોકરીઓ જ જઈ શકે છે !
(20) અને નોટિસ બોર્ડ પર મુકાતી દર ત્રીજી નોટિસ બાકી રહેલી ફી ભરી દેવા વિશેની જ હોય છે !
***
બે મહિના પછીનાં લક્ષણો
(22) લગભગ અડધો-અડધ સ્ટુડન્ટો બીજે ટ્રાન્સફર માટે ટ્રાય કરતા હશે.
(23) જેના કારણે કોઈ કીટલી ઉપર કે પાનને ગલ્લે 200 રૂપિયાથી વધારે ઉધારી ચાલશે નહિ! ...ભલું પૂછવું, કોણ ક્યારે 'ટ્રાન્સફર' લઈને ભાગી જાય!
(24) અહીં દર પંદર દિવસે નવા નવા માણસો ક્લાસમાં લેક્ચર લેવા આવે છે... અને ફેકલ્ટીના રજીસ્ટરમાં રોજ પટાવાળો જ સહી કરી નાંખે છે!
(25) અહીં કોઈએ ‘ટેકસ્ટ-બુકો’ જોઈ જ નથી ! સાહેબોએ પણ નહીં !
(26) અહીંની કેમિસ્ટ્રી લેબમાં રસાયણોની જે ગંધ આવે છે તે હકીકતમાં લેબની અડોઅડ બંધાયેલી મૂતરડીમાંથી ઉત્પન્ન થતા માનવસર્જિત એસિડીક પદાર્થોની વાસ છે !
(27) અહીં એકમાત્ર ચોખ્ખી મૂતરડી સ્ટાફ-રૂમની છે પણ એમાં ભૂલેચૂકે જો કોઈ સ્ટુડન્ટ જાય તો તેને 100 રૂપિયાનો દંડ થાય છે !
(28) અહીં સારામાં સારી સુગંધ માત્ર બપોરના સમયે સ્ટાફરૂમમાંથી આવે છે કારણ કે તે વખતે સાહેબો પોતાનાં ટિફીનો ખોલે છે !
(29) અને બે મહિના પછી ખબર પડે છે કે બોસ, અહીં તો ‘એટીકેટી’ના પણ એકસ્ટ્રા ક્લાસ ચાલે છે !
(30) અહીં છોકરીઓ જે સ્લોગનોવાળાં ટી-શર્ટ પહેરીને આવે છે એનો મિનિંગ એમને કદી ખબર નથી હોતો !
(31) અને છોકરાઓ જે સ્લોગનોવાળાં ટી-શર્ટો પહેરે છે એમને એનો મિનિંગ પૂછો તો એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં પોતાનું ટી-શર્ટ પકડીને ગૂગલમાં સર્ચ કરે છે !
(32) … છેવટે છ મહિના પછી ખબર પડે છે કે તમે બારમામાં સત્તાવન ટકે પાસ થયા હતા છતાં અહીં તમે ક્લાસના સૌથી ‘ઇન્ટેલિજન્ટ’ સ્ટુડન્ટ ગણાઓ છો !
કોંગ્રેચ્યુલેશન્સ !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment