આઝાદ છે. . . આઝાદ છે. . .

પંદરમી ઓગસ્ટ આવે ત્યારે જ યાદ આવે છે કે આ દેશમાં ખરેખર કોણ કોણ આઝાદ છે...

***

ભલે તમે હપ્તા ભરો

કાર, ઘર કે ભણતરના

હપ્તે-હપ્તે છટકી જનારા

માલ્યા-નીરવ આઝાદ છે.

***

ભલે તમે ઊભા રહો

રેડ-લાઈટના સિગ્નલ પર

લાલ-ભૂરી લાઈટોવાળા

વીઆઈપી આઝાદ છે.

***

સંજય દત્ત ભલે  ત્રણ વાર પરણે...

સલમાન ખાન આઝાદ છે.

***

પતિઓ ભલે ફાંકા મારે....

પત્નીઓ જ આઝાદ છે!

***

એવું નથી કે ગુલામ હોય

ગર્લફ્રેન્ડને કહે એમ જ કરે,

આજકાલ કોઈ અકક્લમઠા

બોયફ્રેન્ડો ય આઝાદ છે !

***

લાઈક માગો તો ના આપે

ના માગો ત્યાં કોમેન્ટ કરે

ફેસબુકના ફ્રેન્ડો પણ, સાલા

કેવા મળ્યા આઝાદ છે !

***

મનફાવે તે લખી શકો

મન ફાવે તે બોલી શકો

ડર છે સોશિયલ મિડીયાને

કે સોશિયલ મિડીયા જ આઝાદ છે !

***

ફોલોઅર્સ ‘ફોલો’ જ કરે ?

ના આડુંઅવળું ‘ટ્વિટ ’ કરે ?

લાખો મહીં ‘ભૂતિયા’ નીકળ્યા

તો ‘જીવતા’ શું આઝાદ છે ?

***

મોદીજી ભલે ટીશ્યુ પેપર

લુછીને ખિસ્સે મુકે

પાન-મસાલા થૂંકનારા

ઠેર ઠેર આઝાદ છે !

***

રાહુલજી આઝાદ છે

પ્રિયંકા આઝાદ છે

કોંગ્રેસીઓ ભલે ના માને

પણ ગુલામનબી યે ‘આઝાદ’ છે !

***

(છેલ્લે, અમદાવાદીઓની પીડા)

ગાડી છે પણ પાર્કિંગ ક્યાં ?

ટ્રાફિક પોલીસની ધોંસ છે…

બસ, GJ-1 સિવાયનાં

વાહનો જ આઝાદ છે !

- મન્નુ શેખચલ્લી

 

Comments