રહી રહીને ગુજરાતનું મગફળી કૌભાંડ ફરી ગાજ્યું છે. કોથળામાંથી માટીનાં બિલાડાં નીકળી રહ્યાં છે… ત્યારે કવિને કવિતા સુઝે છે ! જુઓને…
***
આ દેશની માટી ભળી છે
આ મગફળીમાં…
માટીની સુગંધ ભળી છે
આ મગફળીમાં…
ઓ મગફળી… તું કેવી ભલી !
***
ક્યાંક ઈજ્જત માટીમાં મળી છે
આ મગફળીમાં…
ક્યાંક માટી રૂપિયાથી મળી છે
આ મગફળીમાં…
ઓ મગફળી… તું મોંઘી ઘણી !
***
માટીને કિંમત મગફળીની મળી
આ મગફળીમાં…
તો બિલાડી કોથળામાંથી નીકળી
આ મગફળીમાં…
ઓ મગફળી… તું ગેબી ઘણી !
***
કંઈ કેટલી મંડળીના સહકાર છે
આ મગફળીમાં…
કંઈ કેટલી હસ્તિઓના ઓડકાર છે
આ મગફળીમાં…
ઓ મગફળી… તું ઊંચી ઘણી !
***
ક્યાંક આગ છે, ક્યાંક રાખ છે
આ મગફળીમાં…
ક્યાંક ભીનું છે, ક્યાંક સૂકું છે
આ મગફળીમાં…
ઓ મગફળી… તું ‘હોટ’ ઘણી !
***
કેમ કરી પહોંચશો મૂળિયાં સુધી
આ મગફળીમાં…
માત્ર માટી-માટી છે મૂળિયાં સુધી
આ મગફળીમાં..
ઓ મગફળી… તું ઊંડી ઘણી !
***
પીલાયાં કૈંકનાં પોતીકાં છે
આ મગફળીમાં…
છોલાયાં કૈંકનાં છોતરાં છે
આ મગફળીમાં…
ઓ મગફળી… તું ચક્કી ભલી !
***
(પણ) તેલ જુઓ, તેલની ધાર જુઓ
આ મગફળીમાં…
તપાસમાં સૌનો વઘાર જુઓ
આ મગફળીમાં…
ઓ મગફળી… તું કોને કોને ફળી ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment