ફિલ્મી, વેરી ફિલ્મી...
બે-ત્રણ વરસ પહેલાં એક પારસીબાવા, નામે પેસ્તનજી, અમને અવારનવાર ફોન કરતા હતા. ગઈકાલે એમનો ઘણા વખત પછી અચાનક ફોન આવ્યો. મને કહે :
“ડીકરા મન્નુ. ટું હિન્દી ફિલ્લમ ટો ઘની જુવે ચ, પન એમાં જુવે ચ સું ?”
“શું એટલે…” મેં કહ્યું. “ફિલ્મની-સ્ટોરી, એક્ટિંગ, ડિરેક્શન”
“એમાં વરી સું જોવાનું ? મેઈન ચીજ તો જોઈ જ નીં !”
મેં પૂછ્યું શું, તો કહે “જોવ ની, મન્નુ. આજકાલની પિકચરોમાં હિરો ને હિરોઈન વચ્ચે કોન્ત્રાસ કેતલો બધો વધી ચાઈલો ?”
“કોન્ટ્રાસ્ટ? કઈ રીતે ?”
“અરે, તારી આંખે કંઈ દેખાય કે નીં? સાલા હિરો એકદમ ગોઢા જેવા થતા ચાલિયા, ને હિરોઈનો એકદમ ડિંગલાં જેવી થેઈ ગેઈ!”
અમને પેસ્તનજીની પારસી બોલીમાં ટપ્પી જ ના પડી. “પેસ્તનજી, ગોઢા જેવા એટલે શું ? અને આ ડિંગલાં એટલે શું ?”
“સાવ ઘનચક્કર જ છેવ ને, તું બી…” એ બોલ્યા. “ગોઢા જેવા એટલે સાંઢીયા જેવા… લાઈક બુલ ! તું જોનીં, આય સલમાન, શારુખ, અક્સય, જોન અબ્રાહમ, આમિર… બધા સાંઢીયા જેવા બોડી બનાવીને મસલ ફૂલાવિયા કરે ચ. પેલો રનબીર કાંઈ ડિસન્ટ લાગતો ઉ’તો, પન હવે તે બી સંજય ડટ્ટની કોપી મારવા સારુ મોત્તા મોત્તા ગોટલા બનાવીને આવી ગિયો !”
“પેસ્તનજી, આ તો નવા યંગ ઓડિયન્સની નવી ચોઈસ છે." મેં કહ્યું:
"જુના જમાનાના ફાંદવાળા અને ચોકલેટી ફેસવાળા હીરોના જમાના ગયા. હવે તો કોઈ યંગ છોકરો ફિલ્મમાં એન્ટ્રી લેવા માગતો હોય તો એણે પણ જિમમાં જઈને બોડી બનાવવી પડે છે.”
“વાત સાચ્ચી મન્નુ, પન એ જ ઓડિયન્સ સાલું, માયકાંગલી, પતલી, અંડરનરિશ પોરીને સું જોઈને લાઈક કરી લેય ચ ?”
“અંડરનરિશ? હું સમજ્યો નહિ, પેસ્તનજી.”
“અરે પેલી આલિયા ભટને જો નીં ? નાલ્લી હોસે તિયારે એનાં માંઈ-બાપે કંઈ ખવડાઈવું જ નીં લાગે ? હાઈટ જુવો ટો સાડા ચાર ફીટની, ને વેઈટ જુવો ટો નાલ્લી નિસાળની પોરી જેટલું ! એ પોરીને જિમમાં જટાં સું ઠાય ચ ?”
“પણ પેસ્તનજી, એની એક્ટિંગ…”
“પઠરા એક્ટિંગ ?” પેસ્તનજી બગડ્યા.
“પન્નેલી મેરીડ વુમનના રોલમાં બી જે પોરી સ્કુલ-ગર્લ લાગે ચ, તે ડાચું બગારીને રડી બટલાવે ટેને મારે એક્ટિંગ સમજી લેવાની ? કાંય ઘનચક્કર જેવી વાટ કરે ચ, મન્નુ ડીકરા ?”
હું કન્ફ્યુઝ થઈ ગયો. પેસ્તનજીએ તોપમારાની દિશા બદલી. “આલિયાને છોડ, પેલી શક્તિ કપૂરની પોરી, સું નામ એનું…”
“શ્રધ્ધા કપૂર.”
“હાં ! એ શ્રઢ્ઢા બી કાંઈ ડાયરેક્ટ હોસ્પિતલના બેડ પરથી હમનાં જ ઊઠીને ચાલી આવેલી હોય તેવી બિમાર લાગે ચ ! યાર, આ ફિલમ સ્ટારોનાં પોઈરાં આવાં માંદલાં-સુકલાં કેમ નીકલે ચ?”
“એવું નથી પેસ્તનજી, તમે અર્જુન કપૂરને જુઓ. જેકી શ્રોફના દિકરા ટાઈગરને જુઓ, વરુણ ધવનને જુઓ. હમણાં આવ્યો છે તે ઈશાન ખટ્ટરને જુઓ… બધા કેટલા હેલ્ધી અને ફીટ છે.”
“હું બી એ જ કેવસ મન્નુ ! કે જો પોરિયા લોક આતલા ફીટ એન ફાઈન થેઈને પિકચરમાં આવે ચ, તો પોરીઓ કેમ ડિંગલા જેવી છે ?”
‘ડિંગલા’ ફરી શબ્દ સાંભળતાં જ અમે પૂછી નાંખ્યું. “પેસ્તનજી આ ડિંગલા જેવું એટલે શું ?”
“તેં માચિસની કાંડી જોઈ ચ ને ? એની જે સ્ટિક હોય કે નીં, તેને ડિંગલું કે’વાય!”
પેસ્તનજીની ‘ઉપમા’થી અમે ખડખડાટ હસી પડ્યા. એ સાંભળીને પેસ્તનજીએ મને ફોનમાં ખખડાવી નાંખ્યો.
“આય કાંઈ હસવાની વાત લાગે ચ ? હમનાં પેલી ‘ઢરક’ પિકચરમાં આવી ટે શ્રીદેવીની પોરી જહાનવી… તે બી કંઈ અનાઠાસ્રમમાંઠી આવી પૂગેલી હોય એવી જ લાગે ચ !”
“એમાં એવું થયું હશે કે શ્રીદેવીએ પોતાનું શરીર પાતળું કરવા માંડ્યું એની ચડસાચડસીમાં જાહનવી પણ ભૂખી રહેવા લાગી હશે.”
“વાટ જવા ડે નીં, ડિકરા ? શ્રીદેવી કેવી ઢજમજેની હરીભરી સુખી ઘરની લાગટી ઉટી ? ટે બી ડાયેટિંગ કરીને ડિંગલા જેવી બની ગેલી…”
પેસ્તનજી ફ્લેશ-બેકમાં સરી પડે એ પહેલાં મેં કહ્યું. “આમાં કદાચ એવું હશે કે આજકાલની છોકરીઓને બોડીવાળા છોકરા પસંદ છે. અને છોકરાઓને તમે કહો છો એવી ડિંગલા જેવી પાતળી છોકરીઓ પસંદ છે…”
“અચ્છા ? ટો પછી આજકાલના પોઈરા પેલી સની લિઓનના વિડીયોમાં સું જોયા કરે ચ ? અને સની કેમ ડિંગલા જેવી નીં ઠેઈ જટી ?”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment