આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો. નવા જમાનાના આ શ્રાવણ મહિનામાં નવાં વ્રતો કરવાની જરૂર છે. ખાસ કરીને મોબાઈલ વડે !
***
મેસેજ વ્રત
ત્રીસે ત્રીસ દિવસ 'હેપ્પી શ્રાવણ મોર્નિંગ', 'હેપ્પી શ્રાવણ ઇવનિંગ' વગેરે મેસેજો કરો. (શ્રધ્ધાપૂર્વક) શક્ય હોય તો "હેપ્પી શ્રાવણ સુદ એકમ," "હેપ્પી શ્રાવણ સુદ બીજ…" એવા મેસેજો પણ રોજ કરો. (પરંતુ પંચાગપૂર્વક)
***
કોલર ટ્યુન વ્રત
30 દિવસનાં 30 ભજનો કોલર-ટ્યુન તરીકે રાખો. અથવા સાવન ને લગતાં 30 ફિલ્મી ગાયનો રાખો. સૌને સંભળાવવા માટે સૌને મિસ-કોલ મારીને કટ કરી નાંખો. સામેથી ફોન આવે તો ફોન ઉપાડવાનો નહિ.
(ભજન સંભળાવવાનું પુણ્ય મળશે તથા ફિલ્મી ગાયનોના વ્રત વડે પ્રેમિકા મળશે.)
***
એકટાણું કરો
દિવસમાં એક જ વાર ઓનલાઈન આવો. દાખલા તરીકે સવારે 9 વાગ્યાથી માત્ર રાતના 12 વાગ્યા સુધી. (પછી નહીં એટલે નહીં.)
***
ફરાળ કરો
માત્ર વેજિટેરિયન જોક્સ વાંચો તથા માત્ર વેજિટેરિયન વેબસાઈટો જુઓ. (મન શુધ્ધ થશે. અને હા, આમાં ‘એકટાણું’ જેવું ના હોય)
***
ઓનલાઈન જન્માષ્ટમી
દર વખતે જો (શ્રધ્ધાપૂર્વક) પત્તાંનો જુગાર રમતા હો તો આ વખતે (શ્રધ્ધાપૂર્વક) ‘ઓન-લાઈન’ તીનપત્તી, ફ્લશ, રમી વગેરે રમો.
(ફળ જરૂર મળશે. પૈસા ના જીતો તો કંઈ નહિ, એકસ્ટ્રા ફ્રી ડેટાની સ્કીમો આવશે.)
***
દાન-દક્ષિણા આપો
ગર્લફ્રેન્ડને 100 રૂપિયા, પત્નીને 50 રૂપિયા, ફ્રેન્ડઝને બબ્બે રૂપિયાના બેલેન્સનું દાન કરો. પૂણ્ય જરૂર ફળશે.
(ઉપરવાળો, એટલે કે તમારા ઉપરના ફ્લેટવાળો ભૂલથી એના WIFIનો પાસવર્ડ આપી દેશે.)
***
દાઢી-DP વ્રત
આજકાલ તો દાઢી રાખવાની ફેશન ચાલી છે. (બહેનોની વાત નથી, યાર.)
આ શ્રાવણ મહિના માટે થઈને નવું દાઢી-સ્ટાઈલિંગ કરાવો. પછી વધતી દાઢીના રોજ નવા નવા DP મુકો. (આ વ્રત કરવાથી ફેસબુકમાં ફ્રેન્ડઝની સંખ્યા વધે છે.)
***
દૂધ ચડાવો
જો તમારી પાસે LAVA મોબાઈલ હોય તો તેની ઉપર દૂધ ચડાવો. સાંભળ્યું છે કે દૂધ ચડાવવાથી પેટાળમાં રહેલો ‘લાવા’ શાંત થઈ જાય છે.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment