તાજેતરમાં ફેલાયેલી અફવાઓને કારણે લોકોનાં ટોળાંએ આઠ-દસ નિર્દોષોને મારી નાંખ્યા. એ પછી વોટ્સએપે વચન આપ્યું છે કે તે અફવાઓને રોકવા માટે તેમની એપમાં સુધારા કરશે :
- જેમ કે ‘અફવા’ ફોરવર્ડ જ નહીં કરી શકાય.
- તમને મળેલો મેસેજ અસલી છે કે ફોરવર્ડેડ તેની ખબર પડી જશે.
- સ્પામ, યાને કે એકસામટા હજારોની સંખ્યામાં ફેલાવાતા મેસેજો ઉપર રોક લાગશે.
- હા ભઈ હા, બહુ સારું. પણ આના લીધે જે સવાલો ઊભા થશે તેનું શું ? દાખલા તરીકે….
***
જો ‘અફવા’ ઉપર પ્રતિબંધ આવી જશે તો પછી પપ્પુ જોક્સનું શું ?
***
એ તો ઠીક, મોદી ભક્તો સરકારની સિધ્ધિઓનાં જે ગુણગાનો ફોરવર્ડ કરશે તેને ‘અફવા’ ગણવાની છે કે નહિ ?
***
‘રોજ હળદર પીવાના ફાયદા’… એવો મેસેજ 100 વાર આવે તો કંઈ નહિ, પણ ‘દારૂ પીવાના 10 ફાયદા…’ એવો 1 મેસેજ કરીએ તો શું તે બ્લોક થઈ જશે ?
***
કોકા-કોલા પીવાથી કેટલું નુકસાન થાય છે… કેડબરી ચોકલેટ કેટલી ખતરનાક છે… મેગી ખાવાથી આંતરડાંમાં કેવાં કાણાં પડી શકે છે… આવાં ‘વૈજ્ઞાનિક સંશોધનો’ હવે આપણે જાણવા જ નહિ મળે ?
***
અચ્છા, ફેમસ સ્વર્ગસ્થ શાયર ગાલિબની કોઈ ‘નવી’ શાયરી હવે આવશે જ નહિ ?
***
જાતે ‘ટાઈપ’ કરેલા અને 'ચેટ-મેસેજો' જ ઓરીજીનલ કહેવાશે ?
ધેટ મિન્સ કે દહાડાના દોઢ હજાર મેસેજો 'ફોરવર્ડેડ' જ નીકળશે?
***
અને જો એમ જ હોય તો ‘ગ્રુપ મેં સબ સે પહેલા ધમાકા હમારા હી હોગા’ એવું લખનારાઓની તો પોલ જ ખુલી જવાની ને ?
***
જો ‘સ્પામ’ ઉપર રોક લાગશે તો “DON’T MISS…” યહ વિડીયો પિછલે 10 ઘન્ટે મેં 25 મિલિયન લોગ દેખ ચૂકે હૈં….” એવું કદી બનશે જ નહિ? અરેરે…
***
ટૂંકમાં, નવી અને લેટેસ્ટ અફવાઓ જાણવા માટે હવે ફેસબુક અને ટ્વીટર જ રહ્યાં , એમ ને? ચાલો, થેન્ક યુ.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment