ઓક્સિમોરોન એટલે શું ? કોઈ એવા શબ્દો જેમાં પોતાનો જ વિરોધાભાસ હોય… જેમ કે ‘ભલો-ભોળો રાજકારણી’ !
એ જ રીતે ઘણીવાર ‘ઓક્સિમોરોન’ ઘટનાઓ પણ બનતી હોય છે. જુઓ નમૂના…
***
હવામાન ખાતાની વેબસાઈટ ખરાબ હવામાનને કારણે ઠપ થઈ ગઈ છે.
***
પોલીસ-સ્ટેશનમાં થયેલી ચોરી. શહેરની ચોરીઓમાં પકડાયેલો મુદ્દામાલ જ ચોરાઈ ગયો.
***
જ્યોતિષિઓના સંમેલનમાં હોલની છત તૂટી પડી. ચાર પ્રખર જ્યોતિષીઓ મંચ ઉપર દટાયા.
***
‘બિઝનેસમાં ઇમાનદારી’ એ વિષય ઉપર જાણીતા બિઝનેસમન વિજય માલ્યા વ્યાખ્યાન આપશે.
***
બહેરા-મુંગાની શાળાને રાજ્યના ધ્વનિ-પ્રદૂષણ વિભાગ તરફથી નોટિસ મળી.
***
મોબાઈલની લત લાગી ગઈ હોય તો તે છોડવા માટે ફલાણી-ફલાણી વેબસાઈટ ઉપર લોગ ઓન કરો. અહીં મુકેલી 100થી વધારે ગેઈમ્સ રોજ 2 કલાક માટે રમો અને લત છોડવાના લાભ સમજો.
***
સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા 10 દારૂડિયાઓએ પોતાની કિડનીઓ દાનમાં આપવાની ઓફર કરી છે.
***
જાણીતા જાદૂગર ‘ઝબક’ છેલ્લા 1 મહિનાથી ગાયબ છે.
***
દવાખાનાની બહાર સૂચના : ડૉક્ટર સાહેબની તબિયત બગડી હોવાથી તેમને ફલાણી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. રેગ્યુલર દરદીઓએ ત્યાં રૂબરૂ જઈને પોતાની દવાઓ લઈ લેવી.
***
મંદિરની બહાર પાટિયું : આપણા મંદિરમાંથી ભગવાનનાં ઘરેણાં ચોરાઈ ગયાં છે. ચોરને શોધી લાવનારને ભગવાન ઈનામ આપશે.
***
ઉપવાસ ઉપર ઉતરેલા નેતાઓને અચાનક ‘અપચાની’ તકલીફ થઈ ગઈ.
***
એક કવિ સંમેલનમાં શ્રોતા તરીકે બેઠેલા એક મુક્કાબાજને કાર્યક્રમની અધવચ્ચે જ તમ્મર આવી ગયાં. ડોક્ટરોએ કહ્યું કે પિડીતને ક્યાંક ‘મૂઢમાર’ વાગ્યો છે.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment