ફિલ્મી, વેરી ફિલ્મી….
‘સુરમા’ ફિલ્મ જોયા પછી અને અગાઉની ‘મેરીકોમ’, ‘દંગલ’, ‘એમ એસ ધોની’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘ચક દે ઇન્ડિયા’, ‘સાલા ખડૂસ’… આવી બધી ફિલ્મોને યાદ કર્યા પછી અમને સમજાયું છે કે કોઈપણ ખેલાડીની લાઈફ ઉપરથી ફિલ્મ બનાવો તો એમાં અમુક નિયમોનું પાલન કરવું જ પડે છે.
***
પૈસાનો નિયમ
ઓરિજિનલ મહિલા બોક્સર મેરીકોમને જેટલા રૂપિયા મળે એનાં કરતાં પ્રિયંકા ચોપરાને અનેકગણા વધારે જ મળે. મિલ્ખાસિંહ જિંદગીમાં ના કમાયા હોય એના કરતાં બસ્સો ગણા રૂપિયા ફરહાન અખ્તર લઈ જ જવાનો છે. કુશ્તીબાજ મહાવીરસિંહ ફોગાતને જેટલા ગોલ્ડ મેડલ મળ્યા હોય એનાથી પચાસ ગણું સોનું ખરીદી શકાય એટલા રૂપિયા આમિર ખાન લઈ જ જવાનો છે.
(ફક્ત બે અપવાદ છે. ધોની અને અઝહર.. એમાંય બિચારા અઝહરને તો લોસ ગયો !)
***
પબ્લિસિટીનો નિયમ
જેટલા લોકો બબિતા ફોગાતની કુશ્તી જોવા માટે સિનેમાહોલમાં ગયા હશે એનાથી હજારમા ભાગના લોકો પણ બબિતા ફોગાતની રિયલ કુશ્તી જોવા નહિ ગયા હોય. કેમ ?
કારણકે પોસ્ટરો ફિલ્મસ્ટારોનાં જ લાગે છે, સ્પોર્ટ્સ પરસનોના નહિ ! અરે, પોસ્ટરો છોડો, અસલી ખેલાડીઓના ફોટા ગૂગલમાં ય બહુ ઓછા હોય છે.
‘સુરમા’ જેની લાઈફ ઉપરથી બની એ હોકી પ્લેયર સંદીપ સિંહને જે અર્જુન એવોર્ડ મળ્યો, તેની ક્લિપ ફિલ્મના અંતે બતાડી ત્યારે બધાએ ‘ઓહોહો…’ કર્યું. પણ નેક્સટ અર્જુન એવોર્ડનું લાઈવ ટેલિકાસ્ટ આપણે DD SPORTS ઉપર પણ નહિ જોવાનું ! કેમ ? કારણ કે એવો નિયમ છે.
***
ઘૂસ મારવાનો નિયમ
અસલી ખેલાડી મિલ્ખા સિંહ હોય, સંદિપ સિંહ હોય કે ધોની… એનો રોલ ભજવનારો એક્ટર પેલા ખેલાડીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્રી ફૂટેજમાં VFXની મદદથી ઘૂસ મારશે જ ! એટલું જ નહિ, રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ પણ લઈ લેશે.. શું થાય ? નિયમ છે.
***
કોચનો નિયમ
નેશનલ એકેડમીના કોચ હોય કે નાનકડા ગામડાના કોચ હોય, બધા ઘમંડી, તુંડમિજાજી, ક્રોધી અને સનકી જ હોવા જોઈએ.
(આમાં ફક્ત ‘ચક દે ઇન્ડિયા’નો કોચ અપવાદ છે. પરંતુ શાહરૂખ રિઅલ લાઈફમાં ઘમંડી, તુંડમિજાજી અને ક્રોધી છે એટલે સાટું વળી જાય છે.)
***
બોડી ફિટનેસનો નિયમ
બોડી ફિટનેસની કસરતો કરવા માટે મેદાનો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો કે જિમ્નેશિયમોની કશી જરૂર જ નથી ! બધા ચેમ્પિયન ખેલાડીઓ ખેતરમાં, નહેરના કિનારે, જુના ખંડેરોમાં, ઘરના ધાબે કે છેક હિમાલયમાં જઈને (ભાગ મિલ્ખા ભાગની જેમ) જાતે પ્રેક્ટિસ કરી જ લેતા હોય છે.
બીજું, એમને કોઈ આધુનિક સાધનોની પણ જરૂર હોતી નથી. આ ચેમ્પિયનો ડંડા ઉપર ઈંટો લટકાવીને, કોથળામાં પથરા ભરીને, કમર ઉપર બાંધેલા દોરડા વડે ટ્રેકટરનાં ટાયરો ખેંચીને કે પાણીની ડોલો ઉંચકીને ફિટનેસ જાળવી લેતા હોય છે.
***
નેટ-પ્રેક્ટિસનો નિયમ
આ નિયમ ઉપર BCCI અને હોકી ફેડરેશને ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
નિયમ એ છે કે જે ખેલાડી ચેમ્પિયન થવાનો હોય છે એ હંમેશા અડધી રાતે જ નેટ-પ્રેક્ટિસ કરવા જતો હોય છે !
ટુંકમાં, કહેવાનો મતલબ એટલો જ છે કે ભલે થોડું લાઈટ બિલ વધારે ભરવું પડે, પણ નેટ-પ્રેક્ટિસ કરવાના ગ્રાઉન્ડ ઉપર ચાર લાઈટો વધારે લગાડવી જોઈએ. નિયમ પાળો, સાહેબ !
***
ગર્લ-ફ્રેન્ડ, પત્ની કે પપ્પાનો નિયમ
આ તો તમે લગભગ દરેક ફિલ્મમાં માર્ક કરજો, (ઈવન ‘સુલતાન’માં) કે જો તમારે હિરોને મેચ જીતાડવી હોય તો એની ગર્લ-ફ્રેન્ડને ટીવીમાં કે સ્ટેડિયમમાં ક્યાંય મેચ જોવા નહીં દેવાની !
‘દંગલ’માં પપ્પાને રૂમમાં પુરી દીધા એટલે જ બબિતા ફોગાત જીતી ગઈ. (હજી ભરોસો ના થતો હોય તો પૂછી જુઓ વિરાટ કોહલીને ! જ્યારે જ્યારે અનુષ્કા સ્ટેડિયમમાં બેઠી હોય છે ત્યારે કોહલી ફ્લોપ જાય છે કે નહિ ?)
***
પાકિસ્તાનનો નિયમ
આ સૌથી મહત્ત્વનો નિયમ છે. અઝહર હોય, ધોની હોય, સુરમા હોય કે મિલ્ખા… ફાઈનલ ટક્કર તો પાકિસ્તાન જોડે જ થવી જોઈએ ! જીતેગા ઇન્ડિયા, તભી ફિલ્મેં દેખેગા ઇન્ડિયા..
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment