ઇન્ડિયા સામે આયરલેન્ડની ક્રિકેટ ટીમનો બન્ને T-20 મેચોમાં શરમજનક વ્હાઈટ-વોશ થઈ ગયો.
એટલી હદે, કે હવે એ લોકો ભારતમાંથી આયાત થતા ‘ચૂના’ ઉપર ચાર ગણી કસ્ટમ-ડ્યૂટી લગાડવાનું વિચારી રહ્યા છે !
પ્રસ્તુત છે થોડી ‘સફેદ-ધૂલાઈ’ પ્રશ્નોતરી…
***
સવાલ : આયરલેન્ડના પ્લેયરોનો દેખાવ કેટલી હદે કંગાળ હતો ?
જવાબ : દેખાવ ? અરે, બદનામીના ડરથી ટીમના ‘એકસ્ટ્રા’ ખેલાડીઓ પણ જ્યાં ત્યાં સંતાતા ફરે છે !
***
સવાલ : આયરલેન્ડની બેટિંગ કયા સમયે ‘આશા’ જન્માવી જતી હતી ?
જવાબ : જ્યારે કોઈ બેટ્સમેન ચહેરા ઉપર ‘સન-સ્ક્રીન’ લોશન લગાડીને મેદાનમાં ઉતરતો હતો !
(જાણે એ ભાઈસાહેબ તડકામાં ઊભા રહીને ‘લાંબી’ ઇનિંગ રમવાના હોય !)
***
સવાલ : સ્કોરબોર્ડમાં આયરલેન્ડના કયા ખેલાડીઓનાં નામો સામે 50થી વધારે રન લખેલા હતા ?
જવાબ : બોલરો !
***
સવાલ : જુઓ ભાઈ, બન્ને ટીમોની સરખામણી આ રીતે ના કરવી જોઈએ. બિચારા આયરલેન્ડના ખેલાડીઓને ભારતના પ્લેયરો કરતાં ઘણી વધારે મહેનત કરવી પડતી હતી.
જવાબ : સાવ ખોટી વાત છે… ભારતના ફિલ્ડરોએ દોડીને, ગબડીને, લપસીને બાઉન્ડ્રીઓ રોકવી પડતી હતી. જ્યારે આયરલેન્ડના ફિલ્ડરોને તો બાઉન્ડ્રી વખતે પોતાની જગાએથી હલવાની યે જરૂર પડતી નહોતી !
***
સવાલ : ખેર છોડો, આયરલેન્ડના બોલરો હજી આકાશમાં જોઈને કેમ પ્રાર્થના કરી રહ્યા છે ?
જવાબ : હલો… એ લોકો પ્રાર્થના નથી કરી રહ્યા. એમને હજીયે લોકેશ રાહુલની સિકસરો ધોળે દહાડે આકાશમાં દેખાઈ રહી છે !
***
સવાલ : પ્લીઝ, થોડાં વખાણ તો કરો ? આયરલેન્ડના બેટ્સમેનોનું સૌથી સારું ફૂટવર્ક ક્યારે જોવા મળતું હતું ?
જવાબ : જ્યારે બધા આઉટ થઈને પેવેલિયન તરફ જતા હતા ત્યારે !
***
સવાલ : તો હવે આયરલેન્ડે કરવાનું શું ?
જવાબ : ઇંગ્લેન્ડ માટે પ્રાર્થના…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment