દરેકના અલગ અલગ શોખ હોય છે.
પતિઓને પત્તાં રમવાનો, ક્રિકેટની મેચો જોવાનો કે મોટા મોટા અવાજે સરકારની ટીકાઓ કરવાનો શોખ હોય છે. એ જ રીતે પત્નીઓને સિરીયલો જોવાનો, કારણ વિનાનું શોપિંગ કરવાનો તથા ધીમા અવાજે અડોશ-પડોશની કૂથલી કરવાનો શોખ હોય છે.
ફરક એક જ શોખનો હોય છે. પતિઓ પત્નીઓને કારણ વિના હેરાન કરવાનો શોખ રાખતા નથી.
બાકી પત્નીઓને પતિઓની નસ ખેંચવાનો જબરો શોખ હોય છે ! રવિવારની સવારે પતિ પાડાની જેમ ફેલાઈને ઊંઘતો હોય એ સુખ પત્નીથી જોયું જતું નથી. એટલે તે એની નસ ખેંચવા માંડશે. “ઊઠોને ? નવ વાગ્યા ! હજી ક્યાં સુધી ઘોરવાનું છે ? તમે નાહી લો એટલે મારે બાથરૂમ સાફ થાય !”
ના ના. તમે જ કહો. શું પતિઓ કદી ‘શોખ ખાતર’ પત્નીનો ડ્રેસ ચાર-ચાર વાર બદલાવશે ?
“ના યાર, આ ડ્રેસમાં તો તું જાડી લાગે છે, પેલો પિંક કલરનો પહેરને ?”
પછી પિંક ડ્રેસ પહેરે ત્યારે “જરા ઓલ્ડ-ફેશન નથી લાગતો ? પેલા શરારા ટ્રાય કર ને ?”
છેવટે પત્ની ‘ત્રીજા કલાકે’ શરારામાં તૈયાર થઈને આવે… (ઓ હલો, એક ડ્રેસ એની સંપૂર્ણ એસેસરીઝ સાથે પહેરવામાં મિનિમમ એક કલાકતો ટાઈમ લાગે છે, સમજ્યા ?)
… એ વખતે મોં બગાડીને ઘડિયાળ સામું જોતાં પતિએ કદી એમ કહેવાની હિંમત કરી છે કે “રહેવા દે, મોડું થઈ ગયું ! ક્યાંય બહાર નથી જવું. તું ખિચડી મુકી દે ને, ગેસ ઉપર ?”
ના! પતિ કદી આવું કરે જ નહિ કારણ કે બિચારા પતિઓને પત્નીની નસ ખેંચવાનો શોખ જ નથી હોતો ! જ્યારે અમુક પત્નીઓની તો આ ‘હોબી’ હોય છે.
આવી કેટલીક પત્નીઓ પાસેથી અમે ‘સૂત્રો’ દ્વારા બે-ત્રણ નુસખા મેળવ્યા છે…
***
ગ્રેડ-૩ પતિ માટેનો નુસખો
જી હા, પત્નીને ખુશ રાખવા માટે પતિ જે રૂપિયા કમાય છે તેના હિસાબે અલગ અલગ ગ્રેડ બનાવવામાં આવ્યા છે.
ગ્રેડ-3વાળો પતિ કમાવામાં નબળો હોવાથી સ્વભાવે ચિંગૂસ હોય છે. એનું પાંચ વરસ જુનું ખખડી ગયેલું સ્કુટર હોર્ન સિવાયના તમા્મ સ્પેર-પાર્ટો વડે અવાજો કરતું હોવા છતાં એને ‘લોનથી’ પણ નવું સ્કુટર લાવવાનો વિચાર આવતો નથી.
આવો પતિ સ્કુટરની પાછલી સીટે તમને બેસાડીને ક્યાંક મૂકવા આવતો હોય ત્યારે પાછળ બેઠે બેઠે પૂછવાનું “આપણું સ્કુટર કેટલાનું આવેલું ?”
પતિ ગર્વથી એક આંકડો બોલશે. તરત પાછલી સીટ પરથી ભજીયું મુકવાનું “એટલામાં તો આજકાલનાં સ્કુલના છોકરાં સ્કુટીઓ ફેરવતાં થઈ ગયાં, નંઈ?”
પતિ હજી કોઈ વિચારમાં હોય ત્યાં વધુ બે-ચાર ભજીયાં પધરાવી દેવાનાં. “પેલાં મેહુલભાઈએ નવ્વી બાઈક લીધી હોં ? પંચોતેર હજારમાં ! અને હા, હું તો તમને કહેવાનું જ ભૂલી ગઈ, કાલે જ શીલાબેનનો ફોન હતો. એ લોકોએ નવી કાર લીધી… સાડા ચાર લાખની ! કહેતા હતા કે એક વાર આવો ને, તમને ગાડીમાં બેસાડીને આઈસક્રીમ ખાવા લઈ જઈએ..”
આવું બધું સાંભળીને પતિના મગજમાં કચરો ભરાઈ જશે. સ્કુટર વિના કારણે ઝાટકા ખાવા માંડશે. આજુબાજુથી ફટાફટ ઓવરટેક કરી જતી બાઈકો અને કારોને જોઈને એનું બેલેન્સ બગડી જશે. (ના બગડે તો તમારે પાછલી સીટ પર હલીહલીને બગાડી નાંખવાનું.) છેલ્લે જ્યારે એ તમને તમારે ઠેકાણે ઉતારે ત્યારે કહેવાનું :
“મને લેવા ના આવતા, હું રીક્ષામાં આવતી રહીશ… નકામું તમારું પેટ્રોલ બળી જશે…”
બસ, આ વખતે પતિના કાનમાંથી જે ધૂમાડા નીકળે… એ જોવા જેવા હોય છે !
***
ગ્રેડ-2 હસબન્ડ માટેનો નુસખો
આ યંગ કપલ માટેનો નુસખો છે. તમે પણ જોબ કરો છો, તમારો ‘હબી’ પણ જોબ કરે છે, પરંતુ ભાઈ સાહેબ જાણે દુનિયામાં પોતે એકલા જ નોકરી કરતા હોય તેમ વિક-એન્ડમાં થાકીને ઢગલો થઈ જાય છે !
તમારો મૂડ ક્યાંક બે દિવસની પિકનિક માટે જવાનો છે પણ એનો મૂડ ‘પડ્યા રહેવાનો’ છે. તમારો મૂડ કોઈ મૂવી જોવા જવાનો છે પણ એને ઇન્ટરનેટથી ડાઉનલોડ કરેલી કોઈ હોરિબલ વેબસિરીઝ ‘પતાવવી’ છે ! આવા વખતે કરવું શું ?
નુસખો સિમ્પલ છે. શનિવારે રાતથી જ એને ખા-ખા કરતો કરી દો. બહારથી એકસ્ટ્રા લાર્જ સાઈઝનો પિત્ઝા ઓર્ડર કરો, ઘરે મસાલેદાર બિરીયાની બનાવી નાંખો, પાડોશીના બાબલા પાસે નજીકની ફેમસ કચોરી, પુરી-ચાટ વગેરે મંગાવીને એની સાથે સવારની વધેલી ભાખરીઓનો ભુક્કો કરીને તેને વઘારી, કોઈ નવી રિ-મિક્સ વાનગી બનાવી નાંખો… પછી આગ્રહ કરી કરીને “આ તો ચાખી જો ? આ તો તેં ખાધું જ નહિ, આ ભાવ્યું ને ? તો બીજું લે ને…” એમ કરીને એનું પેટ ફૂલી જાય ત્યાં સુધી ખવડાવો. ઉપરથી ફ્રીજમાં રાખી મુકેલું પાન પણ એના મોંમાં પધરાવો !
નેચરલી, રવિવારે સવારે એ મોડો ઊઠશે. ત્યારે એને કહેવાનું “કાલે રાતનું બહુ વધ્યું છે,તારે ચાલશે ને ? મેં તો આજથી ડાયેટિંગ ચાલુ કર્યું છે એટલે હું તો ગ્રીન સલાડ જ ખાઈશ.”
બપોરે ચા પીવડાવતાં ડાયેટિંગનો હિસાબ ગણાવીને એની નસ ખેંચવાની “જો, એપલમાં આટલી જ કેલેરી આવે, અને ટામેટું ઈઝ 99 પરસેન્ટ નેચરલ વોટર અને કાચું કોબીજ ઈઝ ધ બેસ્ટ….”
નેચરલી, કેલરીઝના કકળાટથી ત્રાસીને એ કહેવાનો છે “એવી બધી કેલેરીઓ ના ગણવાની હોય. જ્યારે જે મન થાય તે ખાઈ લેવાનું યાર…”
“એમ?” તક ઝડપી લેતાં તમારે કહેવાનું “યાર, આજે મને ચાઈનિઝ ખાવાનું મન થયું છે, ડિનર માટે ક્યાંક ચાઈનિઝ રેસ્ટોરન્ટમાં જઈશું ?”
નેચરલી, એ હા પાડશે. પણ પ્લાન અલગ છે. છેક સાડા નવ, પોણા દસ સુધી ‘તૈયાર થવામાં’ મોડું કર્યા પછી અચાનક કહેવાનું “હાઈલા ! હું તો ભૂલી જ ગઈ… આજે મારી બહેનપણીઓની ઓલ-ગર્લ્સ પાર્ટી છે ! હું જાઉં છું હો ? તું સવારનું વધેલું છે એમાંથી કંઈક ખાઈ લેજે ને !”
બસ, આવે વખતે ‘હબી’ના કાનમાંથી જે ધૂમાડા નીકળે છે, એ….
***
ગ્રેડ-1 પતિદેવ માટે નુસખો
આ પતિદેવ એટલા પૈસાદાર હોય છે કે એમની પાસે રૂપિયા કમાવા સિવાય બીજા કશાનો ટાઈમ જ નથી હોતો. એમની નસ ખેંચવાનો આ નુસખો ખતરનાક છે.
કરવાનું શું કે રાત્રે એમના સૂવાના ટાઈમે એમના ઓશિકા ઉપર એવી ચીઠ્ઠી મુકી દેવાની કે “હું તમારા ડ્રાઈવર જોડે ભાગી જવાની છું !”
બસ પછી તમારા મોબાઈલ, પર્સ બધું ઘરમાં જ મુકીને તમારી છ-સાત કારોમાંથી એકાદ કાર લઈને ક્યાંક ગાયબ થઈ જાવ !
પતિદેવ ફોનમફોની, શોધાશોધ વગેરે કરીને હેરાન પરેશાન થઈ જાય પછી ત્રણેક કલાકે પાછા આવીને કહેવાનું : “પેલી ચીઠ્ઠી તમે જોઈ ?”
પતિદેવ આવેશમાં આવીને કંઈ બોલવા જાય એ પહેલાં જ કહેવાનું “બોલો, આપણે કામવાળીએ આવી ધમકી આપી છે ! મેં તો હમણાં જ જઈને એને ખખડાવી નાંખી !”
બસ, આવી ક્ષણે પતિદેવના કાનમાંથી જે…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment