ફિલ્મી, વેરી ફિલ્મી...
ખાસ ખુલાસો : સંજય દત્તની રિઅલ લાઈફમાં બનેલી બે-ત્રણ સત્યઘટનાઓ ઉપર આધારિત આ ‘ફિકશનલ’ ફિલ્મ ખુબ જ મનોરંજક છે.
પરંતુ એમાં વારંવાર ‘સૂત્રોં સે પતા ચલા હૈ…’ કરીને અખબારોની ખાસ્સી ઠેકડી ઉડાડવામાં આવી છે. તેથી અમને પણ થયું કે ચાલો, એ જ રમૂજને જરા આગળ વધારીએ…
***
વારતા… ફિલમમાં એવું બતાડ્યું છે કે આની વારતા કોઈ ફેની નામની સ્ટાર લેખિકા (અનુષ્કા શર્મા) એ ‘કુછ તો લોગ કહેંગે’ નામના પુસ્તકમાં લખી છે. પણ….
સૂત્રોં સે પતા ચલા હૈ… કે આખી વારતા તો અભિજાત જોશી અને રાજકુમાર હિરાનીએ જ લખી નાંખી છે.
***
વારતા… ફિલમમાં એવું બતાડ્યું છે કે સંજય દત્ત એક ચોક્કસ ડ્રગ-ડિલર પાસેથી જ બધાં ડ્રગ્સ ખરીદતો હતો પણ એ ચાલાક ડ્રગ-ડિલર પોતે તો ગ્લુકોઝ પાવડર વડે નશો કરતો હતો ! પણ….
સૂત્રોં સે પતા ચલા હૈ… કે એ વખતે એ વખતે સંજય દત્તનાં ખાસ દોસ્ત બની ગયેલા એ ડ્રગ-ડિલર સિવાય મુંબઈમાં બીજા કોઈ ડ્રગ-ડીલરો હતા જ નહિ ! અને જે હતા તે બિચારા ગ્લુકોઝ પાવડર જ વેચતા હતા.. બિચારો સંજય જાય ક્યાં ?
***
વારતા…. ફિલમમાં સંજય દત્તનો એક જીગરજાન ગુજરાતી દોસ્ત કમલેશને બતાડ્યો છે. એ ગુજરાતી છે. સંજય દત્તની એક જુલી નામની પ્રેમિકા પણ હતી. એ પારસી હતી. પણ…
સૂત્રોં સે પતા ચલા હૈ… કે આ બે આટલી મહત્વની વ્યક્તિઓ વિશે મિડીયામાં કેમ કદી કંઈ ના આવ્યું ? કારણ કે જુલી અને કમલેશ જાહેરમાં આવવા જ નથી માગતા ! બન્નેને ‘એફબીઆઈ’ની ઇન્કવાયરીનો ડર લાગે છે…
***
વારતા… ફિલમમાં બતાડ્યું છે કે સંજય દત્ત એની વાનની ડેકીમાં બે ડઝન જેટલી સ્ક્રીપ્ટો લઈને ફરતો હતો ! પણ…
સૂત્રોં સે પતા ચલા હૈ… કે તે દિવસે એને ખૂફિયા માહિતી મળી ગઈ હતી કે જો તારી વાનમાંથી ડઝનબંધ વિદેશી દારૂની બાટલીઓ નીકળશે તો પોલીસ તને હેરાન કરશે ! એટલે જ એણે વિદેશી બાટલીઓને બદલે દેશી સ્ક્રીપ્ટો મુકાવી દીધી હતી…
***
વારતા… ફિલમમાં એવું બતાડ્યું છે કે ‘મુન્નાભાઈ MBBS’માં પોતાના પપ્પા સુનીલ દત્ત સાથે સાડા ચાર સીનનું શૂટિંગ કરવાનું આવ્યું... ત્યારે જ સંજય દત્ત ‘ડિસીપ્લીન’ શીખ્યો ! પણ…
સૂત્રોં સે પતા ચલા હૈ… કે એ અગાઉ સંજય દત્તની ‘નામ’ ‘સડક’ ‘સાજન’ ‘વાસ્તવ’ 'ખલનાયક' વગેરે જેવી બે ડઝન ફિલ્મો તો તેની ‘ગેરશિસ્તને કારણે’ જ ચાલી ગઈ ...
***
વારતા… ફિલમમાં બતાડે છે કે યરવડા જેલમાં સંજય દત્ત ત્યાંના FM રેડિયો ઉપરથી કેદીઓ માટે એક ટોક-શો કરતો હોય છે. એમાં નિર્દોષ લાગતા ટોપિકને બહાને ‘અખબારો તો જુઠ અને ઝેર ફેલાવે છે’ એ ટાઈપની ટીકા તે ખુલેઆમ કરતો હતો. પણ…
સૂત્રોં સે પતા ચલા હૈ… કે એ વખતે યરવડા જેલના અધિકારીઓનો ઊંઘવાનો સમય હોવાથી કોઈને કશી ગંધ જ નહોતી આવતી !
એટલું જ નહિ, પેલી લેખિકા ફેની અને ગુજરાતી કમલેશ જેલની દિવાલ પાસે કાર ઊભી રાખીને, જેલનું પ્રસારણ પકડીને, બધું રેકોર્ડીંગ કરી લેતા હતા ! જેથી ફિલ્મમાં એ સત્યઘટનાના ‘પુરાવા’ તરીકે વાપરી શકાય…
***
વારતા… ફિલમના એન્ડમાં ખુદ સંજય દત્ત અને રણબીર કપૂર અખબારોની ઠેકડી ઉડાડતું ગાયન ગાતા ગાતા નાચવા માંડે છે ! પણ..
સૂત્રોં સે પતા ચલા હૈ… કે પ્રેક્ષકો એને ભૂલથી રાષ્ટ્રગીત સમજીને ઊભા થઈ જાય છે ! !
પછી જેમ જેમ એ ગીત આગળ વધે છે ત્યારે તેના શબ્દો સાંભળતા સાંભળતા પેક્ષકો સિનેમા હોલમાંથી ‘વોક-આઉટ’ કરી જાય છે !
***
બાકી, ફિલમ સારી છે. એકદમ ‘રિઅલ લાઈફ’ પરથી બનેલી છે. જોવા જેવી છે.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment