બોસ, આ ગુજરાત છે. . .


આજે સ્થિતિ એવી છે કે અડધું ગુજરાત વરસાદમાં છે અને અડધું ગુજરાત હજી કોરું છે. અરે, કોરા ભીનાની ક્યાં માંડો છો ? આમ જોવા જાવ તો આખું ગુજરાત ‘ડ્રાય’ જ છે ને !

ગુજરાતની આવી અનેક લાક્ષણિક્તાઓ છે. જરા ગૌર ફરમાવો….

***

બોસ, આ ગુજરાત છે…

અહીં દાળવડાં માટે

‘લાઈન’ લાગે છે…

અને કારની ડિલીવરી

‘તત્કાળ’ મળે છે !

***

બોસ, આ ગુજરાત છે…

અહીં નવરાત્રિમાં

ઓરકેસ્ટ્રા ‘લાઈવ’ હોય છે

પણ મંદિરોમાં

આરતી ‘રેકોર્ડેડ’ હોય છે !

***

બોસ, આ ગુજરાત છે...

અહીં ટ્યૂશન ક્લાસોમાં

‘એસી’ હોય છે

પણ બધું ‘હોટ’ તો

કોલેજોની બહાર હોય છે !

***

બોસ, આ ગુજરાત છે…

અહીં આશ્રમોમાં ક્યાંક

‘લીલા’ થાય છે

પણ મોંઘવારીમાં

સૌની ‘લાલ’ થાય છે !

***

બોસ, આ ગુજરાત છે…

અહીં સ્ટેટ આખું ‘ડ્રાય’ છે

પણ ‘ભીનું’ તો

લઠ્ઠાકાંડમાં જ સમેટાય છે !

***

બોસ, આ ગુજરાત છે…

અહીં ‘ભડકે બળે’ એને

શેરબજાર કહે છે

અને ‘ઠંડુ’ થઈ ગયું હોય

એને બૈરું કહે છે !

***

બોસ, આ ગુજરાત છે…

અહીં માનવીઓ

‘મુઠ્ઠી ઊંચેરા’ ભલે હશે

પણ પૂતળું તો

‘વર્લ્ડ-રેકોર્ડ’ હાઈટનું જ હશે !

***

યસ બોસ, આ ગુજરાત છે…

શાળામાં લીધેલી પ્રતિજ્ઞા

અહીં જ સાચી પડે છે.

દરેક પુરુષ અહીં ‘ભાઈ’ છે

અને દરેક મહિલા

આપણી ‘બહેન’ થાય છે !

- મન્નુ શેખચલ્લી

Comments