આજકાલ તમે સાંભળતા હશો કે ‘બિહારનું કોકડું ગુંચવાયું છે’… કાશ્મીરનું કોકડું તો વરસોથી ગુંચવાયેલું છે. અનામતનું કોકડું પણ ગુંચવાતું જ રહે છે.
સવાલ એ છે કે આ ‘કોકડું’ છે શું ? અને શા માટે તે ગુંચવાતું જ રહે છે ? તો આવો, જરા સ્પષ્ટતા કરી લઈએ…
***
અર્થ
જ્યારે દોરીને ‘વ્યવસ્થિત’ રીતે ફિરકીમાં કે પિલ્લામાં લપેટી લેવાને બદલે ‘હંગામી’ ધોરણે એકાદ કાગળના ભૂંગળા ઉપર ‘લપેટી’ લેવામાં આવે છે તેને ‘કોકડું’ કહે છે.
***
પ્રકાર
કોકડાંના બે પ્રકાર છે. (૧) ઉત્તરાયણ વખતે બનતું દોરીનું કોકડું (૨) બારે માસ બનતું રાજકીય કોકડું.
***
ઉપયોગ
(૧) ઉત્તરાયણ વખતે બનાવેલું દોરીનું કોકડું સામાન્ય રીતે પતંગોની ‘કિન્ના’ બાંધવામાં વપરાય તો ઠીક છે નહિતર છેવટે ‘લંગસિયાં’ બનાવવામાં કામ આવે છે.
(જરા ધ્યાનથી વાંચતા રહેજો. ઉત્તરાયણના કોકડાંના લક્ષણો રાજકીય કોકડામાં પણ પ્રગટે છે.)
(૨) રાજકીય કોકડાનો હેતુ જ ગુંચવાડો ઊભો કરવાનો હોય છે. આ કોકડાં કદી ઉકેલવાનાં હોતાં જ નથી. ઉલટું, “કોકડું ગુંચવાયું… કોકડું ગુંચવાયું” એવી કાગારોળ કરવા માટે જ કોકડાં બનાવવામાં આવે છે.
***
બંધારણ
જીહા, કોકડાનું પણ ‘બંધારણ’ હોય છે, પણ આ શબ્દને સાયન્ટિફીક શબ્દ Propertiesના અર્થમાં લેવો. (બાકી, હવે પછીના તમામ શબ્દો રાજકીય કોકડાંને જ લાગુ પડે છે, ધ્યાનથી વાંચજો.)
કોકડાંઓ સામાન્ય રીતે બીજાની પતંગ ‘કાપી નાંખતી’ વખતે ‘ખેંચી નાંખેલી’ દોરીમાંથી અથવા દોઢ-ડાહ્યા ફિરકીપકડુઓની બેદરકારીને કારણે ‘ભેગી થયેલી’ દોરીઓની ‘ઝોલ’માંથી બનાવવાં પડતાં હોય છે.
ટુંકમાં જે દોરીનો ‘મુખ્ય ધારાની ફિરકીમાં’ સમાવેશ શક્ય નથી હોતો તેમાંથી જ ‘કોકડાં’ બનાવવાના હોય છે.
***
લક્ષણો
આ કોકડાંમાં ‘અનેક રંગના’ વિવિધ દોરા તથા ‘એક રંગના’ અનેક દોરાઓ લપેટેલા હોવાથી, કોઈપણ દોરો ખેંચતાં તેનો છેડો બીજા દોરાને અડતો હોવાથી ‘મને કેમ ખેંચ્યો?’ એવી રાડારાડ થતી હોય છે.
***
ઉકેલ
ઉત્તરાયણના કોકડાંમાં તો ગુંચવાયેલી દોરીના સલામત છેડા કાપીને નકામી ‘ગુંચ’ ફેંકી દેવામાં આવે છે !
પણ રાજકીય કોકડામાં એવી હિંમત કોણ કરે ?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment