યુવાનો પુસ્તકો કેમ નથી વાંચતા ?


જુવાનિયાઓ જે રીતે ‘પોકેમોન’ને શોધવા માટે ક્યાંના ક્યાં પહોંચી જતા હતા એ રીતે પુસ્તકો શોધતાં શોધતાં લાઈબ્રેરી સુધી પણ કેમ નથી જતા ?

આનાં થોડાં ઓબ્વિયસ કારણો છે…

***

એમાં ફ્રી કશું નથી

નવલકથા સાથે જોક-બુક, જોક-બુક જોડે રેસિપી બુક કે રેસિપી બુક સાથે નાનું અમથું વેફર્સનું પેકેટ પણ ફ્રી નથી મળતું.

***

આઈકોન્સ નથી

ઓ હલો ! સારા લેખકોને ‘આઈકોન’ સમજવાની ભૂલ ના કરતા !

અહીં તો ‘લાઈક’નો અંગૂઠો, ‘શેર’ના ટપકાં-લીટા અને ‘સબસ્ક્રાઈબ’ની ઘંટડીની વાત થઈ રહી છે ! જો બુકમાં આઈકોન જ ના હોય તો એને ‘લાઈક’ શી રીતે કરવી ?

***

ફીગર્સ નથી

કેટલા લોકોએ આ બુક Like કરી ? કેટલાએ માત્ર View કરી ? જો આંકડો 20,000થી વન મિલિયન ના હોય તો એવી બુકને શું કરવાની ?

***

નોટિફીકેશન્સ નથી

આપણે ભૂલથી ‘અમૃતા’ને અડ્યા હોઈએ (અમૃતાને એટલે, એ નામના પુસ્તકને, યાર !) તો તરત જ ‘યુ મે ઓલ્સો લાઈક…’ કરીને ‘કુંતી’ ‘વિદિશા’ કે ‘સમુડી’નાં સજેશન આપતાં નોટિફીકેશનો બી આવવાં જોઈએ ને…

***

હાઈલાઈટ્સ નથી

શું વિચક્ષણ ‘મુંજાલ’ ચતુરસુંદરી ‘મંજરી’ના પ્રેમમાં પડશે ? વાંચો ‘પાટણની પ્રભુતા’ના ચેપ્ટર નંબર ફલાણામાં…

સરસ્વતીચંદ્રએ કુમુદને લખેલા સૌ પ્રથમ પ્રેમપત્રમાં એવું તે શું હતું કે અંતે તેને ઘર છોડવાનો વારો આવ્યો ? વાંચો મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાં…

ટુંકમાં, ‘ટ્રેલર’ જોયા વિના ડિસાઈડ શી રીતે કરવું કે મેઈન બુક કેવી હશે ?

***

બ્રાન્ડ એમ્બેસેડર નથી

જે રીતે બચ્ચન સાહેબ કહે છે ‘વ્હેન આઈ હોલ્ડ ફલાણા ફોન ઈન માય હેન્ડ…’

એ રીતે શું જયા બચ્ચન કદી બોલ્યાં છે કે “જબ ભી મૈં મેરે સસુરજી કી ‘મધુશાલા’ ઉઠા લેતી હું તબ મુઝે ફ્રીજ મેં રખ્ખે આઈસ-ક્યૂબ કી યાદ આતી હૈ…?”

***

કોઈ વાંચી આપનાર નથી

બસ. પુસ્તકનો સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે યાર, જાતે જ વાંચવું પડે છે…

- મન્નુ શેખચલ્લી

Comments