ક્રિકેટરોની ગુપ્ત ડિગ્રીઓ!


બિચારા બારમું પાસ થયેલાં બચ્ચાંઓ ફાંફાં મારે છે કે ફ્યુચર માટે કઈ ડિગ્રીના કોર્સમાં જવું ?

જ્યારે આ બાજુ ક્રિકેટરોને જુઓ… IPLમાં લાખો કરોડો કમાયા પછી જલ્સા જ કરે છે ને ! બોલો છે એમને કોઈ ડિગ્રીની ઝંઝટ ?

પણ ના, એમણે બી ખાનગીમાં ‘ગુપ્ત રીતે’ ઘણી ડિગ્રીઓ લેવી પડે છે ! જુઓ…

***

સૌથી પહેલાં તો તમારે MBBS કરવું પડે ! હવે એમ ના કહેતા કે મન્નુભાઈ, આ તો ડોકટર બનવાની ડિગ્રી છે..

ભઈલા, આ MBBS જુદું છે ! ઈન ફેક્ટ, આ તો સાવ બેઝિક છે. MBBS એટલે… “મને બોલિંગ બેટિંગ શીખવાડો !”

***

હવે જો તમે સરખું બોલિંગ બેટિંગ (અને ફિલ્ડીંગ) શીખી જાવ પછી તમારે CA અને CS કરવું પડે !

આ CA અને CS એટલે શું ? તો સાંભળો CA એટલે ‘ક્રિકેટ એડવર્ટાઈઝિંગ’ અને CS એટલે ‘ક્રિકેટ શો-મેનશીપ’…

આ બે વસ્તુ આવડતી હોય તો જ ટીવીની એડ મળે અને મીડિયામાં પબ્લિસીટી મળે, સમજ્યા ?

***

હવે આગળ… ઉપરની ત્રણ ડિગ્રીઓ લીધા પછી તમારે B.Sc. અનેm B.Com. કરવું પડે !

જો ભઈલા, હવે એમ ના કહેતો કે આ તો સાવ કોમન ડિગ્રીઓ છે ! ના બકા, B.Sc. એટલે ‘બુકી સાયન્સ’ અને B.Com. એટલે ‘બુકી કોમ્યુનિકેશન’ !

***

‘બુકી સાયન્સ’માં બધી લેટેસ્ટ ટેકનોલોજીઓ આવે… કોમ્પ્યુટરાઈઝ્ડ સટ્ટો, વોકી-ટોકી સિગ્નલ, ઇન્ટરનેશનલ ગેમ્બલિંગ સાઈટો અને એવું બધું…

અને ‘બુકી કોમ્યુનિકેશન’માં કોડ લેંગ્વેજો શીખવાની હોય !

ડગ-આઉટ કે પેવેલિયનમાંથી સાંકેતિક ઈશારો / સિગ્નલ થાય કે તરત ક્યારે આઉટ થઈ જવું, ક્યારે ગેઈમ ધીમી કરી નાંખવી, ક્યારે લૂઝ બોલ ફેંકવા… આવું બધું ‘કોમ્યુનિકેશન’ જરૂરી છે, બકા.

***

ઉપરની બધી ડિગ્રીઓ લીધી હોય છતાં ત્રણ CRASH COURSE તો કરવા જ પડે.

LLB = લોર્ડ ઓફ લેગ બાઈઝ

LLM = લર્ન ટુ લૂઝ મેચિઝ

IMF = ઇન્ટરનેશનલ મેચ ફિક્સીંગ

***

પણ બકા, લોચો શું કે આ બધા કોર્સ એટલા ખાનગીમાં ચાલે છે કે ઓર્ડિનરી પબ્લિકને ખબર જ નથી કે એ કોણ ચલાવે છે !

હા, આપડી કને એટલી જ ઇનફરમેશન છે કે એ કોઈ જુદી જ BCCI છે…. બેશરમ કરપ્ટ ક્રિકેટ ઓફ ઇન્ડિયા !

- મન્નુ શેખચલ્લી

Comments