બેસણામાં દેખાતા નમૂના !


બેસણું એ ગંભીર પ્રસંગ છે. મૃતકના સ્વજનોને આશ્વાસન, દિલાસો અને સધિયારો આપવાનો પ્રસંગ છે. છતાં આવા પ્રસંગે તમને વિચિત્ર પ્રકારના નમૂનાઓ જોવા મળશે…

***

અમુક તો ચારે બાજુ સૌને નમસ્કાર કરતા કરતા દૂરથી એવી રીતે એન્ટ્રી મારશે કે જાણે પોતે કોઈ મોટા વીઆઈપી હોય.

***

જ્યારે અમુક બિચારા રોતલ મોં કરીને ફોટા આગળ આંખો મીંચીને ક્યાંય લગી એવા ઊભા રહશે કે પાછળ પંદર-વીસ જણાની લાઈન લાગી જાય.

***

અમુક એવા હોય છે કે ત્યાં મુકેલી થાળીમાંથી જ ગુલાબની પાંદડીઓ ફોટા ઉપર ચડાવવાની હોય, તોય એમાંથી ‘સારી જોઈને’ બે ચાર જ પાંદડી ચડાવશે.

***

જ્યારે અમુક ત્યાં મુકેલી થાળીમાં 100ની નોટ મુકીને 90 રૂપિયા છૂટા પાછા લઈ લેશે. કોઈનું ધ્યાન પડે તો સિરિયસ મોં રાખીને કહેશે “શું કરીએ, પાછું રીક્ષામાં જવાનું ને… એ લોકો છૂટા માગે છે.”

***

અમુક લોકો એકબીજાને એટલા ઉમળકાથી મળે છે કે જાણે લગ્ન પ્રસંગે મળી રહ્યા હોય.

***

જ્યારે અમુક લોકો એકબીજાને મળે ત્યારે ગંભીર મોં રાખીને કહેતા હોય છે કે “જુઓને, આ બહાને આપણે મળ્યા…”

(એમાં વળી ‘આ બહાને’ કહેતી વખતે હાથનો ઈશારો દિવંગતના ફોટા સામે થતો હોય.)

***

અમુક લોકોને એમાં જ રસ હોય છે કે “વડીલ કેવી રીતે ગયા ?” પછી જવાબમાં જે બોલાય તેને વચમાંથી કાપીને પોતાની સ્ટોરી શરૂ કરી દેશે “અરે, મારા કાકા સસરા વખતે તો જબરુ થયેલું…”

***

અમુક લોકોને વડીલ કેવી રીતે ગયા એમાં રસ જ નથી હોતો. એવા લોકો જરા દૂર બેસીને એવી ચર્ચાઓ ચાલુ કરશે કે વડીલની પ્રોપર્ટીઓ કોના કોના ભાગે ગઈ ?

***

મહિલાઓમાં ભલે ડિસ્કશન ના થાય, પણ મનોમન નોંધ તો લેવાતી જ હોય કે પેલીનો વ્હાઈટ સાડલો સારો હતો.. અને પેલીએ પોતાનો સફેદ કુરતો આ ત્રીજી વાર પહેર્યો…

***

જોકે એક વાત નક્કી છે. અહીં કોઈ એવું પૂછવાની હિંમત નથી કરતું કે “પછી બારમા વખતે મેનુ શું રાખ્યું છે ?”

- મન્નુ શેખચલ્લી

Comments

  1. મન્નુભઈ.. આપડે તો લગન મા મળતા હોય ઍમ જ મળવાનુ... મેનુ પુછી લેવાનુ અને ડહાપન પણ કરવાનુ કે ગોર્ધન નુ રાખો.. લાઇવ કાઉંટર અને મેક્સિકન પણ રાખજો.. જવા વારા તો ગયા પણ આપડે જીવવાનુ કે નઈ..

    ReplyDelete
  2. નમસ્તે નિશિત ભાઈ! તમારી કોમેન્ટનું સ્વાગત છે.😊
    મારા માટે આ નવી ટેકનોલોજી છે એટલે રિપ્લાયમાં વિલંબ થયો છે. એ બદલ સોરી. 🙏

    ReplyDelete
  3. નમસ્તે નિશિત ભાઈ! તમારી કોમેન્ટનું સ્વાગત છે.😊
    મારા માટે આ નવી ટેકનોલોજી છે એટલે રિપ્લાયમાં વિલંબ થયો છે. એ બદલ સોરી. 🙏

    ReplyDelete

Post a Comment