ઈન્ટેલેક્ચ્યુઅલ ગેંગસ્ટર ... પાર્ટ- 2


ડોન ધ્રુજ્વા લાગ્યો !

તેને કલ્પના સુધ્ધાં નહોતી કે તેનો મદન બેટરી નામનો ગેંગસ્ટર અચાનક ઈન્ટેલેક્ચ્યુઅલ બની જશે. એ તો ઠીક, હવે તો મદન બેટરીએ ખુલ્લી ધમકી આપી દીધી કે ગેંગના બધા ટપોરીઓ ‘એવોર્ડ વાપસી’નું આંદોલન કરવાના છે !

‘એવોર્ડ વાપસી?’ ડોનના ભેજામાં જ આખી વાત બેસતી નહોતી. “અબે તુમ લોગો કુ કીસ ને કૌન સે એવોર્ડ દિયેલે હૈં ?”

મદન બેટરીએ સમજાવ્યું “લોગ મેરે કુ મદન ‘બેટરી’ બુલાતે હૈ.... કીસી કો અબ્દુલ ‘કાણિયા’, કીસી કો ચંદન ‘ચિકના’ કીસી કો રાજુ ‘કાલિયા’ તો કીસી કો ભોપા ‘ગંજેરી’ બોલતે હૈં… મગર આજ સે રોજ એક ટપોરી અપના યે ‘ઉપનામ’ વાપસ કરેગા…”

પહેલાં તો ડોનને થયું, શું ફેર પડે છે ?

પણ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ મોટા લોચા પડતા ગયા. ડોન કહે કે ચંદુ કો બુલાઓ, તો ચમચાઓ પૂછે “બોસ, કોન સા ચંદુ ? ચંદુ લંગડા, ચંદુ ચેપી, ચંદુ બાંઠીયા યા ચંદુ ચકમક ?”

બોસ કહે કે “ચંદુ ચકમક યાર !”

પણ ફોન ઉપર ચંદુ ચકમક હાજર હોય તોય સાલો મગનું નામ મરી ના પડે. (યાને કે ‘મગ’ને જે ‘મરી’નો એવોર્ડ મળ્યો હોય તેનો પણ બહિષ્કાર !)

આમાં ને આમાં બોસની હટી ગઈ. એણે પણ એવોર્ડ વિના જ નામો લઈને હુકમો છોડવા માંડ્યા. “કલ સે ચંદુ દારુ કા કામ છોડ કે મટકા સંમાલેગા, ચંદુ દૂબઈ કા ઓપરેશન દેખેગા ઔર ચંદુ સિંગાપોર કા, ઔર હાં, ચંદુ કો બોલના, કલ તક ખોખા નહીં ભિજવાયા તો સાલે કો ચંદુ કો બોલ કે ટપકા ડાલુંગા !”

આખરે 24 જ કલાકમાં પાંચે પાંચ ચંદુઓની ખોપડી હટી ગઈ.

ખોખું કોણે પહોંચાડવાનું ? ટપકાવનારો ચંદુ કોણ ? દૂબઈનું ઓપરેશન કયો ચંદુ સંભાળે ? અને સિંગાપોરનો વહીવટ કયા ચંદુના હાથમાં ?

એમાં વળી ગફલતથી એક ખોટા ચંદુએ બીજા સાચા ચંદુ પર ફાયરિંગ કરી નાંખ્યું ! આખી ગેંગમાં હોહા મચી ગઈ…

છેવટે બધા ટપોરીઓએ મદન બેટરીનો ‘એવોર્ડ વાપસી’નો આઈડિયા જ ‘વાપસ’ કરી દીધો…

***

મદન બેટરીના રસ્તામાં એક પછી એક અડચણ આવતી રહી પણ તેણે હાર સ્વીકારી નહિ. (અરે હાર ‘સ્વીકારે’ તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ શાનો ? હાર તો સ્પોર્ટ્સમેનો સ્વીકારે.)

હવે તેણે બીજી એક દિશા પકડી. એક દિવસ તેણે ડોનને જઈને કહ્યું :

“બોસ, અપને ગેંગસ્ટર લોગોં કી ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કા વાયોલેશન હો રૈલા હૈ.”

“વાયોલિન ? કાય કા વાયોલિન ?” બોસને નવા નવા શબ્દોની જરાય પ્રેક્ટિસ નહોતી.

મદન બેટરીએ જાડા ચશ્મા સરખા કરતાં કહ્યું “વાયોલિન નહીં બોસ વાયોલેશન. યાને કે ભંગ… અપની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કા ભંગ હો રૈલા હૈ.”

‘પ્રોપર્ટી’ શબ્દ કાને પડતાં બોસને જરા રસ પડ્યો. “યે સાલા કૌન સા પ્રોપર્ટી હૈ ? ઔર કિધર પડેલા હૈ ? અપુન કબજા કર ડાલતે હૈં ના ?”

“ઇતના ઇઝી નહીં હૈ બોસ. ઉસ મેં લોયર લોગ બુલાના પડેંગા ઔર ક્રિએટિવ લોગોં કે સામને કેસ ઠોકના પડેંગા.”

“અબે સાલે, જબ સિર્ફ ઠોકને સે અપના કામ હોતા હૈ તો કેસ કાયકુ ઠોકને કા ? તુ ખાલી નામ બતલા ના ? કિસ કુ ઠોકને કા હૈ ? મૈં અભી શાર્પ-શૂટર કો ભેજતા હું.”

“નહીં બોસ, ઐસા ડાયરેક્ટ એકશન નહીં લે સકતે.."

બિચારો મદન બેટરી બોસને માંડ માંડ સમજાવી શક્યો કે આ જે ફિલ્મ-મેકરો ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ડી-કંપની’, ‘બ્લેક ફ્રાઈડે’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી અંડરવર્લ્ડના ગેંગસ્ટરોની લાઈફ ઉપર ફિલ્મો બનાવે છે એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ જે તે ગેંગસ્ટરોના કહેવાય.

બોસ એની બબ્બે મશીનગનો વડે દસ મિનિટ લગી માથું ખંજવાળતો રહ્યો. છેવટે એ બોલ્યો, “બોલે તો, દાઉદભાઈ, છોટા રાજનભાઈ, અબુ સલેમભાઈ… ઇન લોગ અબી ઇન્ટેલેક્ચ્યુઅલ બન ગયે ?”

મદન બેટરીએ સાદી પ્લાસ્ટિકની ગન વડે પોતાનું કપાળ કૂટ્યું ! શું કરે બિચારો ? એ પોતાની જ ફેટરનિટીને તેના હક્ક અપાવી શકતો નહોતો…

***

હતાશામાં સરી ગયેલા મદન બેટરીએ હવે બુધ્ધિજીવીઓનું નવું લક્ષણ અપનાવ્યું. એ જ્યાં ત્યાં મહાન લોકોનાં સુવાક્યો ટાંકવા લાગ્યો.

જરાક અમથી વાતમાં ગાળાગાળી કરતા ટપોરીઓને તે કહેતો “નેવર હેટ યોર એનીમિઝ… ઇટ અફેક્ટ્સ યોર જજમેન્ટ... આવું મારિયો પુઝો નામના મહાન અંડરવર્લ્ડ નવલકથાકારે કહ્યું છે.”

પોલીસ એન્કાઉન્ટરમાં પતી ગયેલા કોઈ ગુન્ડાને દફન કરતાં પહેલાં કબ્રસ્તાનમાં ચારે તરફ ઉદાસ નજર નાંખીને તે ભારે અવાજે બોલતો “સ્કાર ફેસ નામે ઓળખાતા મહાન અમેરિકન ગેંગસ્ટરે ક્યાંક કહ્યું છે કે જમીનની ઉપર પસાર થતો દરેક દિવસ સારો દિવસ જ હોય છે…”

સેક્સ-વર્કરોની દલાલી બાબતે કોઈ રકઝક ચાલી રહી હોય ત્યારે મદન બેટરી તેના ભારે અવાજમાં પેલા દલાલનો ખભો થાબડીને કહેતો :

“મિત્ર, તારા ધંધાની ઇજ્જત કરતાં શીખ… ગ્રેસિલ્દા બ્લાન્કો નામની ઇન્ટરનેશનલ મહિલા ડોનનું જાણીતું વાક્ય છે “હું તો માત્ર કોકેઈનનો નશો વેચું છું બાકી દુનિયાનો સૌથી ખતરનાક નશો તો ઔરત છે.”

પાબ્લો એસ્કોબાર, અલ કપોને, કાર્લોસ લેહડર, ફ્રેન્ક લુકાર... આવાં તો અનેક મોટાં મોટાં ગેંગસ્ટરોનાં નામો મદન બેટરી ગમે ત્યાં ભભરાવતો થઈ ગયો હતો.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે ભરી અદાલતમાં સ્કારફેસ ટોની મોન્ટાનાનું ખ્યાતનામ ક્વોટ સાક્ષીના પિંજરામાં ઊભાં ઊભાં ફટકારી દીધું. “જજસા’બ, આઈ ઓલ્વેજ ટેલ ધ ટ્રુથ… ઇવન વ્હેન આઈ લાઈ ! અપુન તબ ભી સચ બોલ રૈલા હોતા હૈ, જબ અપુન જુઠ બોલતા હૈ…”

એ તો એનાં નસીબ સારાં કે જજસાહેબે મદન બેટરીને માત્ર કોર્ટ પૂરી થાય ત્યાં સુધીની જ સજા ફરમાવી…

***

તમને થતું હશે કે અરેરે, આ દેશમાં બિચારો એક ગેંગસ્ટર કદી ઇન્ટેલેક્ચ્યુઅલ બની જ નથી શકતો ? પણ ના, એક દિવસ મદન બેટરીને એની ઈન્ટેલેક્ચ્યુઅલ ‘લાઈન’ મળી જ ગઈ.

એમાં થયું એવું કે મદને જઈને ડોનને કહ્યું “બોસ યે લાસ્ટ વીક અપુન કી ગેંગ ને સામનેવાલે કી ગેંગ કે ચાર ટપોરીયોં કો ટપકા તો ડાલા હૈ… મગર ઉન કા ભી કોઈ હ્યુમન રાઈટ બનતા હૈ ના ?”

“યસ ! હ્યુમન રાઈટ !” આ શબ્દ તેના ડોને વારંવાર સાંભળ્યો હતો.

તેણે દાંત ખોતરવાની સળી વડે માત્ર ત્રણ સેકન્ડ સુધી માથું ખંજવાળ્યા પછી મદન બેટરીને કામ સોંપી દીધું. “દેખ બેટરી, આજ સે તુ યે સારા હ્યુમન રાઈટ્સ કા કામ સંભાલ લે.”

“થેન્ક્યુ બોસ !” મદન બેટરી ખુશ થઈ ગયો.

પણ ડોનની વાતમાં એક જુદો ટ્વીસ્ટ હતો. તેણે કહ્યું. “દેખ, આજ સે અપને શહર મેં કોઈ ભી મરે, ચાહે પોલીસ કી ગોલી સે મરે, ચાહે ગેંગસ્ટર કી ગોલી સે મરે, ચાહે બિમારી સે મરે યા ડ્રગ પી પી કર મરે… સારે કેસ કુ એન્કાઉન્ટર મેં ખપા ડાલને કા… ઔર ઉસ કે પીછુ જો ભી હ્યુમન રાઈટ કા ઈન-કમ હોવે ઉસ કા ફીફટી પરસેન્ટ અપની ગેંગ મેં આના મંગતા ! સમજા ક્યા ?”

મદન બેટરી એ જ ક્ષણે સમજી ગયો !

બસ, એ ઘડી અને આજનો દિવસ, મદન બેટરી હ્યુમન રાઈટ્સના બોગસ કેસો ઊભા કરીને પોતે મોટો ‘ઇન્ટેલેક્ચ્યુઅલ’ બિઝનેસ ચલાવતો હોવાનો સંતોષ લઈને ફરે છે.

(સમાપ્ત)

Comments