ફૂટબોલ, ઓક્ટોપસ અને ફની વન લાઈનર્સ!


માણસને બે પગ હોય છે, પણ ઓક્ટોપસ નામના દરિયાઈ પ્રાણીને આઠ પગ હોય છે.

હાલમાં સિઝન ફૂટબોલની ચાલી રહી છે. તો લ્યો, માણો થોડાં આઠ-પગા ઓક્ટોપસનાં ફની વન-લાઈનર્સ…

***

ઓક્ટોપસ જ્યારે દરિયાના પાણીમાંથી ઉછળીને હવામાં લાત મારે છે ત્યારે તેને શું કહેવાય છે ?

- હવાલાત !

***

ઓક્ટોપસના સૌથી મજબૂત પગને હિન્દીમાં શું કહે છે ?

- વડાપાંવ !

***

નિશાળમાં ભણવા જતા નાનકડા ઓક્ટોપસે રોજ ઘરે આવીને શું કરવું પડે છે ?

- ફૂટ વર્ક !

***

નર અને માદા ઓક્ટોપસ જ્યારે એકબીજાના પ્રેમમાં મગ્ન હોય છે ત્યારે પોતપોતાના પગ નીચે શું શોધ્યા કરે છે ?

- જન્નત !... કારણ કે દરિયાઈ પ્રાણીઓમાં એવી માન્યતા છે કે “જિન કે સર હો ઈશ્ક કી છાંવ, ‘પાંવ’ કે નીચે જન્નત હોગી !”

***

શું ઓક્ટોપસો ક્રિકેટ રમે છે ખરાં ?

- ના. હાથ જ ના હોય તો બેટ શી રીતે પકડે ?

***

તો પછી શું ઓક્ટોપસો ફૂટબોલ રમે છે ?

- ક્યાંથી રમે ? હાથ વિના આઠ-આઠ પગના બૂટની દોરીઓ શી રીતે બાંધવાની ?

***

બાબા રામદેવની જેમ વાંકાચૂકા પ્રકારના યોગાસનો કર્યા પછી ઓક્ટોપસ ક્યાં જાય છે ?

- પોતાના પગ ‘છૂટા’ કરવા !

***

ઓક્ટોપસને સૌથી વધુ ઈર્ષ્યા કોની આવે છે ?

- કાનખજૂરાની ! કારણ કે કાનખજૂરાને 100 પગ હોય છે.

***

એક પ્રેગનન્ટ કાનખજૂરણ ઔર એક પ્રેગનન્ટ ઓક્ટોપસણી કે બીચ ક્યા અંતર હોતા હૈ ?

- 92 ભારી પાંવ કા અંતર હોતા હૈ. (100-8)

***

શું ઓક્ટોપસોને એમનું શાસ્ત્રીય સંગીત હોય છે ખરું?

હા, પણ એમના શાસ્ત્રીય સંગીતમાં બે જ સુર હોય છે…. ‘પ’ અને ‘ગ’ !

- મન્નુ શેખચલ્લી

Comments