કહે છે કે જાપાનનો એક પોપટ વર્લ્ડ-કપ ફૂટબોલની મેચો માટે હાર-જીતની ભવિષ્યવાણી કરે છે !
એમ તો અમારો મહેસાણાવાળો બકો પણ ટીવીમાં મેચો જોયા પછી ગોળગોળ ભવિષ્યવાણીઓ કરતો થઈ ગયો છે ! લો. સાંભળો…
***
મન્નુભઈ, આ ફૂટબોલની મેચોંમોં અમુક ઘટનાઓ તો બનશીં, બનશીં ને બનશીં જ !
દાખલા તરીકે 40-40 મિલિટ લગી એક્કે શાઈડેથી ગોલ નાં થયો હોય તોય, હાહરું, ત્યોં બેઠેલું ઓડિયન્શ હો…. હો… કર્યે જ રાખશીં.
***
જો શેકન્ડ-હાફમોં ય 20-20 મિલિટ લગી ગોલ ના થોંય, તો પછેં ઓડિયન્શ મોટે મોટેથી “ઓ…. લો… લો… ! મો… ગોલો….! જો…. બો… લો…!” એવોં કોંક ગાયનો ગાવા મોંડશીં.
***
અન મન્નુભઈ, આપડી ભવિષ્યવોંણી લખી રાખજો…
ગ્રાઉન્ડમોં દોડતે દોડતે જો કોઈ હોંમેવારાને જરી અમથી કોંણી મારશીં, ઇમોં તો પેલો ભોંય પર સલોટ થઈન એવી રાડો પાડશીં કે જોંણે ટોંટિયાંમોં તૈંણ તૈણ ફેકચર થઈ જયોં…
***
… પણ જો રેફરી ઈનીં હોંમુ ના જોવે, ઇંને ભાવ જ ના આલે… તો મારો બેટો બીજી જ મિલિટે ઊભો થઈન એવી દોટ મેલશીં કે જોંણે.... કીડી યે કૈડી નહીં.
***
તમીં ખાશ જોજો. ગ્રાઉન્ડની શાઈડમાં છ-હાત કારા કોટવારા બેહી રેશીં. ઈમોંથી બે કારા કોટવારા ચાલુ ગેઈમમોં ગ્રાઉન્ડ પોંહે જઈ જઈન મોટે મોટેથી રાડો પાડશીં.
પણ તમીં લખી રાખજો, ઓડીયન્શવારા હો…. હો… કરીન એવો ડવારો કરશીં કે કારા કોટવારો શુ કે’વા મોંગે છે, એ ધરાર હોંભરવા જ નંઈ દે.
***
અન મન્નુભઈ, આવડું મોટું ગોલ કરવાનું ચોકઠું છ… ખાશ્શું 18 ફૂટ બાય 8 ફૂટનું… ઇમોં લાત મારીન બોલ પુગાડવાનો છ…
પણ તમીં લખી રાખજો, જો બોલ એ ચોકઠાં કનેથી ચાર ફૂટ આઘેથી જતો રેશીં, તોય હાહરીનો કીક મારનારો મુઢું બગાડીન અફશોશ તો એવો બતાડશીં કે જોંણે ખાલી ચાર ઇંચથી નિશોંન ચૂકી જ્યો...
***
અન પેલું પેનલટીવારું આવ છ ન, ઈંમોં તો આપડી ભવિષ્યવોંણી હાચી જ પડવાની.
તમીં લખી રાખજો, પેલો જે બાજુ લાત મારશીં, ઈંની ઊંધી જ બાજુ ગોલકીપર ડાઈ મારશીં !
- મન્નુ શેખચલ્લી
અમુક લોકોને બીજા કરતાં પોતે ઘણું બધું વધારે જાણે છે એ બીજા ને જણાવ્યા વગર સૂઈ નથી શકતા બિચારા !!
ReplyDeleteનમસ્તે ભાનુકુમાર ત્રિવેદી સાહેબ! હજી મને આ નવું માધ્યમ ફાવતું નથી એટલે જવાબ આપવામા વિલંબ થયો છે. આપે કરેલી હળવી કોમેન્ટ ગમી ! ધન્યવાદ 😊
Delete