કાશ્મીરને લગતા 'સ્ટુપિડ' સવાલો !


કાશ્મીરમાં મહેબૂબા સરકારના પતન પછી હવે શું થશે?
આવા ગંભીર સવાલો ગંભીર ટાઈપના વિદ્વાનોને થઈ રહ્યા છે.

જોકે અમને તો સાવ ‘સ્ટુપિડ’ ટાઈપના સવાલો થઈ રહ્યા છે ! જેમ કે…

***

હવે રાષ્ટ્રપતિ શાસન આવી ગયું છે તો પેલા પથ્થરબાજો પથ્થરમારો કરવા માટે છેક દિલ્હી આવશે ?

કે પછી ત્યાં જ ગવર્નર-હાઉસ ઉપર પથરા ફેંકીને કામ ચલાવી લેશે ?

***

અને પેલા 600 પથ્થરબાજોના હાથમાંથી પથ્થરો છોડાવીને બોલ પકડાવ્યા હતા એ લોકો શું કરશે ?

- બોલમારો ?

***

કહે છે કે હવે આર્મી સખત હાથે કામ લેશે… તો શું પેલા ભાડૂતી આતંકવાદીઓ હવે પાકિસ્તાન પાસે ડબલ પગારની માગણી કરશે ?

કે પછી પાકિસ્તાન એમના ‘જીવન વીમા’ની રકમ જ ડબલ કરી નાંખશે ?

***

આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો એવું સાબિત કરવા માટે શું આતંકવાદીઓ હવે શ્રાવણ મહિનામાં પણ ‘યુદ્ધવિરામ’ની માગણી કરશે ?

***

અને પાકિસ્તાનના ઝંડાઓ બનાવવાનો જે લઘુ-ઉદ્યોગ છે તેનું શું થશે ? શું એ ભાંગી પડશે ? કે પછી ઝંડાઓની ડિમાન્ડમાં વધારો થશે ?

***

અગાઉ તો નોટબંધીના કારણે બિચારા આતંકવાદીઓની આર્થિક રીતે કમર તૂટી ગઈ હતી !

પણ હવે તો સાલી, જુની નોટોના પણ 90% ભાવ ઊપજે છે ! તો શું પાકિસ્તાન આપણી જુની નોટો ઊંચા ભાવ આપીને ખરીદી લેશે ?

***

એક સવાલ તો સખત કન્ફ્યુઝિંગ છે…

શું આવનારી અમરનાથ યાત્રામાં જોડાવું એ ‘દેશભક્તિ’ કહેવાશે ? (કારણ કે એનાથી સેનાનું નૈતિક બળ વધે.)

કે પછી અમરનાથ યાત્રાનો બહિષ્કાર કરવો એ ‘દેશભક્તિ’ કહેવાશે ? (કારણ કે ટુરિઝમથી પેલા ગદ્દાર કાશ્મીરીઓને જ કમાણી થાય છે.)

જવાબો મળે તો કહેજો ! જય કાશ્મીર.

- મન્નુ શેખચલ્લી

Comments